કવિતા લખવી હોય તો લખો
. – લખો તમારી ગરજે.
લખશો એટલે કવિતા થશે જ
એની કોઈ બાંયધરી નહીં આપી શકે.
. – પોતે પણ નહીં.
છંદ આવડે કે ન આવડે
કવિતા કોઈ પૂર્વશરતથી આવતી નથી.
એવું પણ બને
કે આવવાની સાથે
એનું કાગળ પર જ બાળમરણ થાય.
પ્રગટ્યા પછી એ તમારાથી છૂટશે.
તમારું નામ ભલે હોય કે ન હોય,
પણ એ શ્વાસ
પોતાના જોર પર જ લેશે.
ખંખેરી નાખશે વિશેષણોની જંજાળ,
જીવનની સરિતા કે મરણનો સમુદ્ર
કે વિષાદનો વડલો – આવાં આવાં
રૂપકોને તો એ ફ્ંગોળીને ફેંકી દેશે
તમારી નજર સમક્ષ જ.
આ બધું જોવાની અને જીરવવાની
તાકાત હોય,
અને ભૂંસવાની તથા નવેસરથી ફરીથી
લખવાની ભીતરી ગરજ હોય તો
. – લખવી હોય તો લખજો..
. કદાચ, એ કવિતા હોય તો હોય.
– સુરેશ દલાલ