યોગ આપણી સંસ્કૃતિ છે. પણ સબજેક્ટ જ્યારે હ્યુમર અને મિલેનિયમ જનરેશનનો હોય તો યોગ ડે પર પણ હ્યુમર લાવવું પડે…તો ચાલો ત્યારે ભેગા થઈને થોડુ હળવાશ માણી લઈએ.
- સોશિયલ મીડિયા જનરેશન માટે આજે યોગા ડે એટલે વિવિધ યોગનાં પોઝની સેલ્ફી લઈને ફેસબુક અને ઈનસ્ચાગ્રામ પર મૂકવાનો દિવસ.
- એ લોકો જે રોજે રોજ ઉઠીને પહેલુ ટેન્શન એ વાતનું લે છે કે આજે સોશિયલ મીડિયા પર કયો ફોટો મૂકુ તે લોકોને એટલિસ્ટ આજનાં દિવસનો તો ટોપિક મળી ગયો.
- પિન્ટુએ દાદાને કહ્યું કે તમારા માટે આ નવી વસ્તુ હશે બાકી જે તમે હાથ પગ ઉંચા નીચા કરીને યોગ કરો છો તે તો અમારા ટીચર મને રોજ કરાવે છે મને મુર્ગો બનાવીને.
- રેવાબહેને જીવનમાં કોઈ દિવસ પગ પર પગ ચડાવીને બેસવાની પણ તકલીફ નહોતી લીધી પણ કીટ્ટી પાર્ટીમાં યોગા ડેમાં એવા એવા આસન કર્યા કે આજે પગમાં ત્રણ ક્રેક છે અને હોસ્પિટલમાં પડ્યા પડ્યા લોકોને હેપ્પી વર્લ્ડ યોગા ડે વિશ કરી રહ્યાં છે.
- સ્વિટીનો હસબન્ડ ફીટ રહેવા માટે યોગા ડેનાં દિવસથી રોજ પાર્કમાં વોક કરવાનું નક્કી કરીને આવ્યો. તે જ પાર્કમાં પડોસણ નીમી પણ એ જ સમયે વોક કરવા જાય છે. આથી તેણે પણ સવાર સવારમાં પતિની સાથે (પતિ માટે) દોડવાનું શરૂ કર્યુ. પતિની તો ખબર નહીં પણ સ્વિટીને તેના શરીરની સાથે મનને પણ શાંતિ મળી.
- કાન્તાબહેન વર્ષોથી યોગ કરે છે અને લોકોને શીખવાડે છે પરંતુ કાલે આવીને તેમનાં યો બોય દિકરાએ ક્હયું શું મમ્મી તને તો કંઈ ખબર જ નથી પડતી એને સ્ટાઈલમાં યોગા કહેવાય, યોગ નહીં….
- ગીતા આન્ટીએ ક્લબમાં યોગ કરવા જવાનું હતુ, પણ તેના માટે ફેશનેબલ અને યોગ માટે કમ્ફર્ટેબલ કપડાં લેવા પડે. તેમાં પણ મીડિયાવાળા ક્લબમાં આવવાનાં હતા તેથી ગીતાઆન્ટે દરેક આસન પછી કપડાં ચેન્જ કરવા હતા. તેમણે એ માટે એટલુ બધુ શોપિંગ કર્યુ કે ગીતાઆન્ટીનાં હસબન્ડે પોતાના પ્રોફાઈલમાં ફાટેલી ગંજી પહેરેલો નમસ્કાર કરતો ફોટો મૂક્યો.
- રમણલાલને કાયમ અપચો અને ગેસ ટ્રબલ રહ્યાં કરે. તેમાં પાછા પહેલી લાઈનમાં બેસીને પવનમુક્તાસન કર્યાં. પાછળની ત્રણ લાઈનવાળા ઉભા થઈને બહાર શુધ્ધ હવા લેવા ભાગી ગયા. યોગ ટીચર કે રમણલાલને સમજાયુ નહીં કે બધા કેમ ભાગી ગયા.
- વસંતીબહેન સવારમાં ઉઠીને એવા એવા અવાજ કાઢીને શ્વાસ લેવા લાગ્યા કે ઘરની ત્રણ વહુએ તો ઈમરજન્સીમાં ડોક્ટરને ફોન કરી દીધો કે મમ્મીને વઈ આવી છે.
યોગ કરવાની એક પ્રોપર રીત હોય છે પણ સારુ છે…લોકો યોગનાં જોગ નહીં કરે તો આપણને હાસ્ય ક્યાંથી મળશે…લગે રહો…હેપ્પી વર્લ્ડ યોગા ડે…!