મગજમાં ભર્યો છે, એ રાવણ બળે કે?
અહં થઈ ખૂંપ્યો છે, એ રાવણ બળે કે?
હવે ફક્ત લંકા જ સરનામું છે ક્યાં!
ઘરો-ઘર ઘૂસ્યો છે, એ રાવણ બળે કે?
નથી નાભિએ જીવ અટકેલો કેવળ,
નસે-નસ ભળ્યો છે, એ રાવણ બળે કે?
રહી ના જરૂરત કશી દસ મુખોનીય,
વચન દઈ ફર્યો છે, એ રાવણ બળે કે?
હવે વેશપલટોય ક્યાં એ કરે છે!
સહજ થઈ ચૂક્યો છે, એ રાવણ બળે કે?
નથી કોઈ રેખા સ્વયં એણે લાંઘી,
નિમંત્રિત કર્યો છે, એ રાવણ બળે કે?
કુટુંબોમાં ‘ધીરજ’થી અડ્ડો જમાવી,
સ્વજન થઈ રહ્યો છે, એ રાવણ બળે કે?
ડૉ. ધીરજ એસ. બલદાણિયા