“તું શું સમજે છે પોતાને ? તારી મરજી હોય ત્યારે મારે મળવા આવી જવાનું એમ ? મારે કોઈ કામકાજ હોય કે નહિ ? આ વધારે પડતી લાગણીઓ મને નહીં બતાવ..મહેરબાની કર મારા પર..અને ઘરે જતી રહે.. હું નહીં આવું તને મળવા..!”
ભૂંકપમાં ધરતી જેમ હલબલી ઊઠે તેવી રીતે તેજલ ખળભળી ગઈ..એની આંખોએ ક્યાં ઊભી છે એ જોયા જાણ્યા વગર જ વહેવાનું શરૂ કરી દીધું..તે અવાક થઈ ગઈ હતી..શબ્દોની શરીરરચના ધરાવનાર તેજલ આજે નિ:શબ્દ હતી.ફોન મૂકી ગાડી શરૂ કરી તે ઘર તરફ જવા નીકળી ગાડીના અવાજ કરતાં તેના ડૂસકાનો અવાજ એટલી જ જોરથી વાગતો હતો જેટલી જોરથી પેહલી વાર મલયનો અવાજ રણકતો હતો.
થોડી હિંમત ભેગી કરી તેજલે મલયને મેસેજ કર્યો અને પુછ્યું કે..
“આમ અચાનક આવું કેમ વર્તે છે ? આપણી લાગણીઓનું શું ? તે મોકલેલા પ્રસ્તાવનું શું ? એ મેસેજનું શું ?”
એકાદ દિવસ પછી મલયનો મેસેજ આવ્યો, “સાંભળ,એ Forwarded Messege હતો ક્યાંકથી આવ્યો અને મેં તને મોકલ્યો..આમાં તું બીજું કાઇંક સમજી લે એમાં મારી શું ભૂલ ? આ વાત અને આપણી વાત અહીં જ પૂરી કર.”
(આ મેસેજ છેલ્લો મેસેજ હતો પછી બધી જ જ્ગ્યા પર મલયના Blocklist માં તેજલનું નામ હતું.આજ સુધી તેજલ એક જ વિચારમાં છે કે કઈ બાબતએ પ્રેમથી છલોછલ મેસેજ ગુસ્સામાં ખદબદવા લાગ્યો ? Type કરેલો મેસેજ Forward મેસેજ બની ગયો ? )
તેજલને વધુ વિચારવાની તકલીફ ન આપી મલયએ હાથમાં સગાઈની વીંટી પહેરીને Type કરેલો ઈમેલ મેસેજ મોકલ્યો,
“તેજલ થઈ શકે તો મને માફ કરી દેજે. તને મળ્યો તે પહેલા હું કોઈના પ્રેમમાં હતો,કેટલાંક અંગત કારણોસર અમે છૂટા પડ્યા હતા પણ હવે તે મારા જીવનમાં પૂનમની રાતની ચાંદની બનીને આવી છે..થોડા દિવસ પહેલા અમારી સગાઈ હતી અને ટૂંક સમયમાં જ લગ્ન છે..આ સ્પષ્ટતા મારે કરી લેવી જોઈતી હતી.જેમાં હું ઘણો મોડો પડ્યો મને માફ કરી દેજે અને તારા ભવિષ્ય માટે અઢળક શુભકામનાઓ..તારો મિત્ર મલય.”
આના જવાબમાં માત્ર તેજલે આ પંક્તિઓ કહી..
“સાંભળ,
તને વાગ્યું તો નથીને ?
મારી નજરમાંથી પડીને !”