“સૌથી વધુ ઉપયોગ ધંધાકીય રીતે તો મારો જ થાય છે ને, તમે બધા તો બસ એક મનોરંજનનું સાધન છો.” ઇ – મેલ પોતાની ઉપયોગિતા દર્શાવતા બોલ્યું.
“તમારા બધા માટે તો તમારા ઉપરી અધિકારી ઇન્ટરનેટની જરૂર પડે ને, મારે તો એવી કોઈ જ જરૂર ના પડે, જ્યારે તમારે નેટવર્ક ના હોય તો બધા મને જ ઉપયોગ કરે છે, અને મારુ તો નામ પણ કેટલું ટૂંકું સચોટ છે, એસ. એમ. એસ.” એસ. એમ. એસે વટથી કહ્યું.
“હા, બસ બસ તું તો એસ.એમ. એસયા રેવા જ દેજે, તું આમારા નેટવર્કની વાત કરે છે, તારા બાપા ટાવર જ ના મળે એટલે તું સાવ તારા બાપાની જેમ નકામું.” ઇ – મેલે ટીખળ કરી.
“તમે બધા ગમે તેટલી દલીલ કરો, આજનો સમય તો મારો જ છે. મારામાં કેટ કેટલી સુવિધા છે, હું નવી નવી થીમ આપું, સ્માઇલી આપું, વિડિયો કોલ આપું, મફતમાં વોઇસ કોલ આપું ગણાવું એટલું ઓછું છે તો બસ બધા ચૂપ ચાપ જ રહેજો.” વોટ્સેપે અગ્રિમતા સાબિત કરી.
આ બધી જ દલીલો વચ્ચે એક કાગળ જેવુ કાઈક ખૂણામાં ચૂપ ચાપ બધુ સાંભળતું હતું, વોટ્સેપની વાત સાંભળી એ કાગળ જેવું ફક્ત એટલું જ બોલ્યું,
“શું તમારા કોઈમાં પણ લાગણી છે? હસ્તલેખનની સુગંધ છે? પ્રેમ છે? એ રાહ જોવાની, જવાબ આપવાની, જવાબ આવવાની ઉતાવળ છે? ભલે મારામાં ઘણી ખોટ છે હું ફાટી શકું છું, પલળી શકું છું, ખોવાય શકું છું છતાં પણ લાગણીઓ જે શબ્દ સ્વરૂપે લખાયેલી, વાંચેલી અને સાંભળેલી એ એમ જ અકબંધ રહે છે. હું યાદોની એ મીઠાઇ છું જે એક ટુકડે પેટ નહીં ભરે, પૂરો ડબ્બો ખાલી કરવો જ પડશે.” પત્રએ તેની લાગણીઓ કહી બધાને ચૂપ કરી દીધા.