“જ્યારે મહેરાજ મીનાઝને દફનાવીને કબ્રસ્તાનથી જવા લાગ્યો, ત્યારે આસું લુછતી વખતે એના મન ને ફક્ત એક જ ધરપત હતી. મીનાઝ સાથેનું વીસ વર્ષનું જીવન સુખમય રહ્યું. કાશ કે એ મીનાઝ ને કેન્સરથી છુટકારો અપાવી શકત.”
એક અતિશય સુંદર નવલકથાનો અંત વાંચીને નેહાની આંખ ભરાઈ આવી. પુસ્તક બંધ કરી અને નેહા એ ઊંડો શ્વાસ લીધો. નવલકથાના પાત્ર મહેરાજની જેમ એ પણ વિચારવા લાગી, “કાશ મીનાઝ સાજી થઈ જાત તો આ પ્રેમ ઉપન્યાસનો શું અંત આવત?”
સાંજની ચા પીને રસોડામાં રાતનાં જમણની તૈયારી કરવામાં વ્યસ્ત થઈ ગઈ. ચાર કલાક પછી થાકીને પથારીમાં જઈને પડી. સાઈડ ટેબલ પર નજર ગઈ અને મન કર્યું,
“લાવને કાલે લાયબ્રેરીમાં બુક પાછી આપતા પહેલા છેલ્લો અધ્યાય પાછો વાંચી લઉં.”
બુક ખોલી અને વાંચવાનું ચાલુ કર્યું. એના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. કથાનો અંત જેમ એણે ઈચ્છા કરી હતી એવો થઈ ગયો હતો. ગેરસમજ દૂર કરવા છેલ્લાં પાના ત્રણ થી ચાર વાર વાંચ્યા. પણ અધ્યાય ખરેખર બદલાઈ ગયો હતો અને અચંબાની વાત એ હતી કે એ બદલાવ એની ઈચ્છા મુજબ નો જ હતો.
આવો ચમત્કાર જોઈને નેહાને આખી રાત ઊંઘ ન આવી અને સવાર સુધીમાં એને એક નવો વિચાર આવ્યો.
“જો મીનાઝના ગુજરી ગયા પછી મહેરાજના જીવનમાં કોઈ બીજી સ્ત્રી દાખલ થાય તો કેવું રહે?”
લાયબ્રેરી ગઈ અને બુક રીન્યુ કરાવીને પાછી લઈ આવી. આખો દિવસ વ્યાકુળતા રહી પણ નેહા એ મન મક્કમ કરી લીધું હતું. રાત પહેલા બુક હાથ માં નહીં લે. દિવસ કાપે નહોતો કપાતો. બસ રાત જલ્દી પડે.
છેવટે માંડ માંડ નવલકથા હાથમાં લેવાનો અવસર મળ્યો. ધડકતાં હૃદયે અને ધ્રૂજતાં હાથે છેલ્લો અધ્યાય વાંચવાનું ચાલુ કર્યું. નેહા ખુશી થી નાચી ઉઠી. મહેરાજના જીવનમાં એક નવી સ્ત્રીનું આગમન થઈ ગયું હતું.
નેહા એ નક્કી કરી લીધું, અઠવાડિયાં પછી લાયબ્રેરી જઈને કહેશે કે પુસ્તક ખોવાઈ ગઈ. આંખ બંધ કરતા પહેલા, નેહા નવલકથા માટે એક નવો અંત વિચારીને સૂતી.
Related