આવ જોઇ લઉં તને પણ છું હજી તો ભાનમાં
એક તું બાકી હતો આવી ગયો મેદાનમાં ?
આ અવાજોના દલાલો કંઠ પણ કાપી ન લે
એ જ બીકે એક કોયલ ગાય છે વેરાનમાં
હોય હિમ્મત આવ મસળી નાખ હું ઉભો જ છું
ઝેર શું રેડ્યા કરે છે પથ્થરોના કાનમાં
એક નોંધારી નદીના શ્વાસ પર છૂરો મૂકી
લઇ લીધા છે એમણે સાતેય દરીયા બાનમાં
બે’ક પંખી, બે’ક ટહુકા,બે’ક એક હળવુ ઝાપટું
ઝાડ શું માગી શકે બીજું તો કંઇ વરદાનમાં ?
મેજ,બારી,બારણા ધૂણવા જ માંડે આ ક્ષણે
કોલસાનું કાળજું પલટાય જો લોબાનમાં
~ ચંદ્રેશ મકવાણા ‘નારાજ’