ઋતુવર્ણનનાં કવિ અને ભજનીક પિંગળશી પાતાભાઇ નરેલા (1856-1939) એ ભાવનગર રજવાડા સમયના રાજકવિ હતા. આજે તેમનો જન્મદિવસ છે.
એમનો જન્મ વિક્રમ સંવત ૧૯૧૨ની (ઇ.સ. ૧૮૫૬) આસો સુદ અગીયારસને દિવસે સિહોરમાં થયો હતો. એમના પિતાનું નામ પાતાભાઈ મુળુભાઈ નરેલા હતું અને માતાનું નામ આઈબા નરેલા હતું. એ રાજકવિ બન્યા ત્યારે રાજકવિ તરીકેની નરેલા ખાનદાનની ત્રીજી પેઢી હતી. પિંગળશી ગઢવીના દાદા મુળુભાઈ નરેલા ભાવનગર રાજવી ભાવસિંહજી પ્રથમ અને અખેરાજજીના સમયમાં રાજ કવિ હતા. એમના પિતાજી પાતાભાઈ નરેલા રાજવી અખેરાજજી અને જસવંતસિંહજીના દરબારમાં રાજકવિ રહી ચૂક્યા હતા. તળાજા તાલુકાનું શેવાળિયા ગામ એ તેઓનું મોસાળ હતું. તેઓ માત્ર રાજકવિ જ ન હતાં, પરંતુ એક પવિત્ર ચારણ અને પ્રભુપારાયણ મહાપુરુષ પણ હતાં, માટે જ તેઓને દેવતાતુલ્ય ચારણનું બિરુદ મળ્યું હતું.
તેઓના સંત સમાન હૃદયને સાચું જળ તો મહારાજા તખ્તસિંહજીએ જ સિચ્યું હતું. મહારાજના તમામ સખાવતી કામ આ રાજ્યકવિની દેખરેખ હેઠળ જ ચાલતાં હતાં. આ રાજકવિની પ્રેરણાથી જ ભાવનગરની પ્રજાને સર તખ્તસિંહજી સરકારી હોસ્પિટલની ઉત્તમ ભેટ મળી છે. દરરોજ સવારે 4 વાગ્યે જાગતા અને હાથમાં કલમ ધારણ કરી સરસ્વતીની કૃપાથી એક ઉત્તમ પદની રચના કરતા હતાં. શિવ અને શક્તિના ગણ સમાન આ ચારણ કવિએ બરવાળા પંથકમાં બિરાજમાન પાંડવ સ્થાપિત ભીમનાથ મહાદેવની આરાધના કરતાં ચર્ચરી છંદમાં લખ્યું છે કે :
આદિ શિવ ઓઉંકાર, ભજન હરત પાપ ભાર,
નિરંજન નિરાકાર ઈશ્વર નામી,
દાયક નવ નિધિ દ્વાર, ઓપત મહીમા અપાર,
સર્જન સંસાર સાર શંકર સ્વામી,
ગેહરી શિર વહત ગંગ, પાપ હરત જળ તરંગ,
ઉમિયા અરધંગ અંગ કેફ આહારી,
સુંદર મૂર્તિ સમ્રાથ, હરદમ જુગ જોડી હાથ,
ભજહું મન ભીમનાથ શંકર ભારી…૧.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી નોંધે છે કે : “અડીખમ દેહના એ મેઘકંઠીલા ચારણ કવિનું ગરવું અને ગંભીર વ્યક્તિત્વ એમણે એક પણ કવિતા ન રચી હોત તો પણ સોરઠી જીવનને સમૃદ્ધ કરવા માટે બસ હતું. એમની દિલાવરી, એમનો રોટલો, એમની અજાતશત્રુતા, માથું વાઢી લેવા વાંછનારને પણ ખમ્મા કહેનારી એમની મનમોટપ એમના જીવનના અનેક સંભારણા હૃદયમાં સંઘરાઈને સદાય પડ્યા રહેશે. તેઓના પ્રભુભક્તિના પ્રેમલક્ષણાયુક્ત પદ અત્યારે મીરાંબાઈ, નરસિંહ સહિત અનેક આદિ સંતોની વાણી સાથે સ્થાન મેળવી એકતારાના તાર પર ગવાઈ રહ્યા છે. ભક્ત હૃદયના એ ભડ પુરુષ ડેલીની ચોપાટમાં બેઠાં હોય, હું જઈ ઉભો રહું, જૂની અનેક માહિતીઓ માંગુ, તેના ઉત્તરમાં ઘન ગંભીર કંઠે, આંખ સંકોડી, યાદશક્તિ ઢંઢોળી પછી વાતો કરે, પ્રોત્સાહન આપે, પીઠ થાબડે. એ મનોમૂર્તિ આજે પણ માનસપટ પર નખશિખ મોજુદ છે.” મહાકવિ નાનાલાલ અને મેઘાણીજીએ તેઓને લાસ્ટ મીનસ્ટ્રલ અર્થાત મધ્યયુગનો છેલ્લો સંસ્કારમૂર્તિ ચારણ કહ્યા છે. ચારણ હિતવર્ધક સભાના પાયાના પથ્થરો પૈકીના એક તેઓ કૃષ્ણકુમારસિંહજી ચારણ બોર્ડીંગ, ભાવનગરની સ્થાપના કરી ગઢવી સમાજના વિધાર્થીઓ માટે શિક્ષણના ધામનું નિર્માણ કર્યું હતું. તેઓએ મહાત્મા ઇશરદાસજીના હરિરસ ગ્રંથના સંપાદન ઉપરાંત શ્રીકૃષ્ણ બાળલીલા, ચિત્ત ચેતાવની, તખ્ત પ્રકાશ, ભાવભૂષણ, પિંગળ કાવ્ય ભાગ -૧ અને ભાગ -૨, સુબોધ માળા, ઈશ્વર આખ્યાન, પિંગળ વીર પૂજા, સુજાતા ચરિત્ર, સપ્તમણી અને સત્યનારાયણ કથા પુસ્તકોની રચના કરી છે. ભાવનગર શહેર ખાતે વડવા પાનવાડી રોડ પર આજે પણ પિંગળશીબાપુની ડેલી આવેલી છે. રાગદ્રેષથી મુક્ત, નિરાભિમાની અને દરિયાવદિલના માલિક, માનવપ્રેમ અને ઈશ્વરભક્તિથી રંગાયેલા જ્ઞાની હૃદયના આ રાજકવિએ તા. 3/3/1939ના રોજ 83 વર્ષની વયે હરિસ્મરણ કરતાં કરતાં દેહ છોડી સ્વર્ગે સિધાવ્યા ત્યારે સાહિત્ય જગતને અને ગોહિલવાડને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી. પિંગળશી ગઢવીનું મૃત્યુ વિ.સં. ૧૯૯૫ની મહા વદ ચૌદશ એટલે કે મહા શિવરાત્રિને દિવસે (૪ માર્ચ ૧૯૩૯) થયેલું. એમને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ શેઢાવદર ગામમાં ૧૯૩૪માં રહેવા માટેનું મકાન બક્ષીસમાં આપેલું. પિંગળવાણી નામનું એમનું પુસ્તક બહુ જ વિખ્યાત છે. એમના બારમાસી છંદ
વિખ્યાત છે અને લગભગ દરેક ડાયરામાં એ ગવાતા હોય છે.
અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્ જલધારમ્
દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્, તડિતા તારમ્ વિસ્તારમ્
ના લહી સંભારમ્, પ્યારો અપારમ્ નંદકુમારમ્ નિરખ્યારી
કહે રાધે પ્યારી, મૈં બલિહારી ગોકુળ આવો ગિરધારી. 1
શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં, બાદલ બરસે અંબરસેં,
તરુવર ગિરિવરસે, લતા લહર સે નદિયાં સરસે સાગરસેં,
દંપતી દુઃખ દરસે, સૈજ સમરસેં, લગત જહરસેં, દુઃખકારી
કહે રાધે પ્યારી, મૈં બલિહારી ગોકુળ આવો ગિરધારી. 2
ભાદ્રવટ ભરિયા, ગિરિવર હરિયા પ્રેમ પ્રસરિયા, તન તરિયા
મથુરામેં ગરિયા, ફેર ન ફરિયા, કુબજા વરિયા, વસ કરિયાં
વ્રજરાજ બિસરીયા, કાજ ન સરિયા મન નહિ ઠરિયા મૈ હારી,
કહે રાધે પ્યારી, મૈ બલિહારી ગોકુળ આવો ગિરધારી. 3
આસો મહિનારી, આસ વધારી દન દશરારી, દરશારી
નવનિધિ નિહારી, ચઢી અટારી, વાટ સંભારી મથુરારી
બ્રુષભાનુ દુલારી, કહત પુકારી, બિનવીયે બારીબારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી. 4.
સોરઠની પુરાતની સંતવાણીનો પ્યાલો પીવડાવનાર ભજનિક એવા પિંગળશી ગઢવી
Desai mansi