ગયા રવિવારે પ્રકાશિત મારા આર્ટીકલ “શરીરને કુદરતી રીતે detox કેવી રીતે કરાય” વાંચ્યા બાદ મારા એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ વિનંતી કરી કે મેડમ ઉપવાસ કેવી રીતે કરાય, આહારવિવેક કોને કહેવાય અને કેવો આહાર ગ્રહણ કરાય તેના પર આર્ટીકલના રૂપમાં પ્રકાશ પાડો એવી નમ્ર અરજ, જેથી આજનો આ આર્ટીકલ તેના જેવા અનેક ઉત્સાહી વાંચકો માટે છે જે જીવનમાં આરોગ્યના મહત્વને સમજે છે. ઉપવાસ અને આહાર અંગે સૂક્ષ્મસ્તરે ઊંડાણ પ્રાપ્ત કરવા એકસાથે અનેક બાબતો પર વિચારવું પડે જેમ કે જીવનમાં આહારની જરૂરિયાત કેટલી? સાત્વિક આહારની શું ભૂમિકા? ઉપવાસ શા માટે? ઉપવાસ કોને કહેવાય? ઉપવાસ કેવી રીતે કરાય? ઉપવાસ માત્ર ધાર્મિક માણસો માટે જ છે કે બુદ્ધિશાળી માણસો પણ કરી શકે?
અન્ન જીવનનો આધાર છે કેમ કે દરેક જીવનો પ્રાણ અન્નમાં છે. આહાર જીવનને ટકાવે છે, શરીરને પોષણ આપે છે એટલે તેને સદંતર છોડી શકાય નહિ પરંતુ આહારગ્રહણ અંગે વિવેક કેળવી શકાય. સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રાપ્તિમાં રસ ધરાવનાર વ્યક્તિએ એ તો સમજવું જ પડે કે સંપૂર્ણ સ્વસ્થ જીવન માટે કેટલા અને કેવા આહારની આવશ્યકતા છે? કોઈપણ બાબતમાં અતિરેક હંમેશા ગંભીર પરિણામ આપે છે. અંગ્રેજીમાં એક કહેવત છે ” Excess in everything is poison” દરેક બાબતોનો અતિરેક ઝેર સમાન છે. એટલા માટે તમામ ધર્મો પણ સમતા શીખવે છે. દરેક બાબતમાં પ્રમાણસરનું ખૂબ મહત્વ છે. ખોરાકની બાબતમાં પ્રમાણસરનો મતલબ છે ભૂખ કરતાં થોડુંક ઓછું ખાવું. જે સમયે શરીર જેટલું પચાવી શકે એટલું ખાવું. ટૂંકમાં ઉમર અને પાચનક્ષમતા અનુસાર ખાવું જોઈએ. આયુર્વેદની દ્રષ્ટિએ પોતાની ભૂખના ચાર ભાગ કરવા જોઈએ,જેમાંથી 50% ખોરાકથી, 25% પાણીથી અને 25% હવાની(ઓક્સિજન) જગ્યા રાખવી જોઈએ જેથી પાચનક્રિયા સરળ બને તેમ જ વ્યક્તિ સ્વસ્થ રહી શકે. આમ કુલ ભૂખના બે ભાગ અનાજ, એક ભાગ પાણી (જેમાં દાળ ,છાશ, જ્યુસ વગેરે લઈ શકાય) અને એક ભાગ હવા(ઓક્સિજન) માટે રાખવો ઉત્તમ છે. એક આહારશાસ્ત્રીના અનુભવ અનુસાર તંદુરસ્ત માણસનો 24 કલાકનો આહાર 500 ગ્રામ રાંધેલા ખોરાક કરતાં વધારે હોવો ન જોઇએ. લૂઈ કાર્નેરો તેના પુસ્તક ” શતાયુ કેમ થવાય?” તેમાં આ જ વાત નોંધે છે. ગાંધીજી કહેતા, અલ્પાહાર આરોગ્યની ચાવી છે. અલ્પાહાર એટલે તોલી, માપી, જોખીને નિયત કરેલો સંયમિત ખોરાક. અલ્પાહારથી મગજની કામ કરવાની શક્તિ તેમજ સ્મરણશક્તિ ખીલી ઊઠે છે. અલ્પાહાર brain tonic છે. જરૂરીયાત કરતા વધારે ખાધેલા ખોરાકને પચાવવામાં શરીરની મોટાભાગની શક્તિ વપરાઈ જાય છે જેથી સ્ફૂર્તિ કે તાકાતની કમી વર્તાય છે અને ઉર્જા કે શક્તિની કોઈ બચત રહેતી નથી. ટૂંકમાં અલ્પઆહાર કે ઉપવાસ સતત નીરોગી રહેવાની ચાવી છે.
સતયુગમાં પ્રાણ અસ્થિમાં હતા જેથી કઠીન ઉપવાસ સહજ બનતા પરંતુ કલિયુગમાં પ્રાણ અન્નમાં છે જેથી કઠિન ઉપવાસ આપણા માટે શક્ય નથી. પરંતુ ખોરાકમાં વિવેક ખુબ જરૂરી છે. જીવવા માટે ખાવાનું છે. ખાવા માટે જીવવાનું નથી. સ્વાદ કે જીભ પર કાબૂ ન હોય, મિતાહારની સમજ ન હોય, ખાવા-પીવાની રીત ન હોય અને જરૂરી વિવેક ન હોય તો શરીર માટે અતિ ઉત્તમ ખોરાક પણ ઝેર સમાન બની જાય છે. આહારમાં શિસ્તની ખુબ આવશ્યકતા છે. સ્વાદના આનંદ માટે જમવું એ પાપ છે એવું ધર્મગ્રંથોમાં જણાવાયું છે. અમૃતને પણ જો અમાપપણે ગ્રહણ કરવામાં આવે તો ઝેર બની જાય છે. વળી સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રાપ્તિમાં સાત્વિક આહારની અગત્યની ભૂમિકા છે. રમણ મહર્ષિ જણાવે છે કે તમારા સ્વાસ્થ્યને હિતકારી હોય તે આહાર પ્રમાણસર ગ્રહણ કરવો જોઈએ. ગમે તેટલો ભાવતો ખોરાક જો આરોગ્યને અનુકુળ ન હોય તો તેનો મોહ છોડી દેવો જોઈએ. શરીરના નિભાવ માટે ખોરાક ઔષધિની જેમ ગ્રહણ થવો જોઈએ અને એ તો સમજી શકાય એવી વાત છે કે ઔષધી ગમે તેટલી સ્વાદિષ્ટ હોય મર્યાદા બહાર ન જ ખવાય. વળી આહાર તીખો, ખાટો, અતિ મસાલેદાર તામસી ન લેતા ખૂબ સાદો પથ્ય અને સાત્વિક ગ્રહણ કરવો સલાહભરેલ છે. જે જીભ કે સ્વાદ પર નિયત્રણ રાખી શકે છે તે તમામ ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકે છે. ઇન્દ્રિયો કાબૂમાં આવતા મન નિયંત્રિત બને છે અને વ્યક્તિની ઉત્તમ તરફની યાત્રા એટલે કે નૈતિક અને સદગુણી બનવાની યાત્રા સહજ બને છે.
આહારને ઈશ્વરનો પ્રસાદ સમજી ખૂબ પ્રેમ, અહોભાવ, માનસિક શાંતિ અને પ્રસન્નતા સાથે ગ્રહણ કરવાથી ઉત્તમ પરિણામ મળે છે. એટલે જ તો હિંદુધર્મમાં અન્નની સરખામણી બ્રહ્મ સાથે કરવામાં આવી છે. અન્ન બ્રહ્મ તરીકે તમને આશિર્વાદ આપે એટલી શિસ્ત સાથે તેને ગ્રહણ કરવો જોઈએ. વળી અન્નની શુધ્ધતા અને પવિત્રતા પણ એટલી જ જરૂરી બાબત છે. રસોડું, રસોઈના વાસણો, રસોઈની સામગ્રી, રસોઈ બનાવનાર વગેરે દરેકની શુધ્ધતા સંપૂર્ણ આરોગ્ય માટે અનિવાર્ય છે. આ ઉપરાંત ગૃહિણીએ ખુબ સારા વિચારો અને ભગવદસ્મરણ સાથે રસોઈ બનાવવી જોઈએ. જેથી સમગ્ર પરિવાર હકારાત્મક બને. માત્ર ભોગવૃત્તિથી ગ્રહણ કરેલો ખોરાક આપણામાં કામ, ક્રોધ જેવા કષાયોની વૃદ્ધિ કરે છે જયારે ઈશ્વરસ્મરણ સાથે બનાવેલ ખોરાક અને કૃતજ્ઞભાવથી પ્રભુસ્મરણ કરતા-કરતા ગ્રહણ કરેલ અન્ન બ્રહ્મ બની તન, મન અને આત્માની પુષ્ટિ કરે છે.
જીવનપર્યંત આપણા શરીરને ખોરાકની સતત આવશ્યકતા રહે છે. હોજરીમાં ગયેલા ખોરાકના જે ભાગનું પાચન થઇ શરીરમાં શોષાય છે તે આપણા શરીરનો એક ભાગ બની જાય છે. આ ભાગ ચોક્કસ રીતે આપણા શરીરના સ્વાસ્થ્યને અસર કરે છે એટલું જ નહિ પણ તેની ગુણવત્તાની અસર મન પર પણ થાય છે. તેના સૂક્ષ્મ આંદોલનો આપણો સ્વભાવ ઘડે છે અને પછી તેમાંથી ચિત્ત બને છે. આમ ખોરાકની શરીર, મન અને આત્મા એમ ત્રણ પર ઊંડી અસર પડે છે. જેના દ્વારા વ્યક્તિના વાણી, વિચાર અને વર્તનની દિશા નક્કી થાય છે. વ્યક્તિ કે સમાજને નીતિપૂર્ણ અને મૂલ્યવાન બનાવવામાં સાત્વિક શુદ્ધ આહાર તેમ જ ઉપવાસનો અગત્યનો ફાળો છે. એટલે જ તો કહેવાય છે ‘અન્ન એવું મન’. આત્માની શુદ્ધિનો આધાર મનની શુદ્ધિ પર છે કેમકે તમામ પ્રકારની અશુદ્ધિ મનમાંથી જ પ્રવેશે છે. મનની શુધ્ધતાનો આધાર તનની શુધ્ધતા ઉપર છે જે આહારવિવેક અને ઉપવાસ દ્વારા શક્ય બને છે.
આધુનિકયુગમાં જે પ્રકારનો ખોરાક (Junk food) ગ્રહણ કરવામાં આવે છે તેના દ્વારા ઉત્તમ પરિણામ મેળવવું અશક્ય છે કેમ કે Junk નો અર્થ જ છે ‘કચરો’. આમ કચરો ગ્રહણ કરવાથી વાણી, વિચાર અને વર્તન ભદ્ર અને શુદ્ધ કેવી રીતે બની શકે? પછી આપણે સતત અભદ્ર અને અસંસ્કારી સમાજ દ્વારા સર્જાતા ઉપદ્રવોથી પરેશાન રહીયે તેમાં શું નવાઈ? આહારવિવેક કે સાત્વિક આહાર દ્વારા જ જ્ઞાન કોઠે ચડે, મન હકાતાત્મક બને, ઉત્તમ આચરણ કે પરોપકારની ઈચ્છા થાય, ધર્મ તરફ જીવ વળે અને આ રીતે સમગ્ર સમાજ મૂલ્યવાન બની શકે.
લગભગ તમામ ધર્મોમાં ઉપવાસનુ મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. હિંદુધર્મમાં શ્રાવણ મહિનો, મુસ્લિમમાં રોજા, જૈનોમાં પર્યુષણ દ્વારા ઉપવાસની જ અગત્યતાનું ગુણગાન થાય છે. પ્રશ્ન એ થાય છે કે ઉપવાસ શા માટે? ઉપવાસ થાય કેવી રીતે ? અને ઉપવાસની વાસ્તવિક રીત શું છે? શા માટે દરેક ધર્મે ઉપવાસ કરવા પર ભાર મુક્યો છે. હિંદુધર્મમાં દર પંદર દિવસે ઉપવાસ (અગિયારસ) કરવાની સલાહ છે. વિજ્ઞાન સ્વીકારે છે કે જયારે શરીરમાં ખોરાક જતો નથી ત્યારે શરીરમાં રહેલા પાચકરસો ભોજન ના મળતા અન્ય વિષદ્રવ્યો (toxin) અને ના પચેલા કચરાને સાફ કરે છે જે તમામ રોગોનુ મૂળ છે. આમ તંદુરસ્ત જીવવા અને તમામ રોગોથી મુક્તિ મેળવવા ઉપવાસ ખૂબ જરૂરી છે. પરંતુ તે દિવસે એક હદથી વધારે ફલાહાર કરવું કોઈ રીતે યોગ્ય નથી કેમ કે નહીતો ઉપવાસ પાછળ રહેલું વિજ્ઞાન કામ કરતુ નથી અને ઉપવાસને લોકો બેકાર અને અયોગ્ય માનવા માંડે છે. જે પ્રકારે આધુનિકયુગમાં ઉપવાસ થાય છે અતિશય ફરાળ (ફલાહાર નહિ) દ્વારા તેનાથી તો રોગમુક્તિને બદલે રોગવૃદ્ધિ થાય છે. આપણે આગળ જોયું કે ઉપવાસ સિવાય પણ દૈનિક જીવનમાં આહારવિવેક એટલે કે આહારને ઔષધીની જેમ ગ્રહણ કરવો અનિવાર્ય છે તો વિચારો ઉપવાસમાં તો એનાથી પણ વિશેષ વિવેક અને સંયમની જરૂરિયાત રહે એ તો સમજી શકાય એવી વાત છે.
કર્મની થીયરી અનુસાર જેટલા ખરાબ કર્મો તેટલા ખરાબ તેના ફળ ભોગવવા પડે. જયારે તમે ઉપવાસ, ત્યાગ, સંકલ્પ કે કઠીન નિયમો પર જીવો છો ત્યારે તમે એડવાન્સમાં તમારા કર્મો ભોગવી લો છો. ઓચિંતું એકસાથે વધુ ભોગવવું તેના કરતા હપ્તે-હપ્તે ભોગવવામાં સરળતા રહે છે. કોઈક ખરાબકર્મને કારણે ભૂખ્યા રહેવાનું કર્મ બંધાયું હોય તો તે ઉપવાસ કરીને ભોગવાય, માંદા પડીને ભોગવાય અને પત્નીની સાથે ઝગડી થાળી પછાડીને જતા રહેવાથી પણ ભોગવાય, કયું સારું? તે તો વ્યક્તિએ પોતે જ નક્કી કરવું રહ્યું. તપશ્ચર્યાની આગમાં શુદ્ધ થઇને પરમપદ પામી શકાય. તમારા ખાતામાં એટલું પુણ્ય તો હોવું જોઈએ કે પાપીઓ તેને ઓળંગી ન શકે એટલે કે તેઓ તમને કોઈ કષ્ટ પહોચાડી ન શકે.
ઉપવાસ ત્રણ રીતે થઈ શકે ૧) નિર્જળા ઉપવાસ – જેમાં પાણી પણ પીવાની છૂટ નથી ૨) નકોડો ઉપવાસ -જેમાં માત્ર પાણી પીવાની છૂટ છે પરંતુ ભોજન કે ફલાહાર કરી શકાતું નથી ૩) ફલાહાર ઉપવાસ એટલે ફળનો આહાર, ફળ + આહાર = ફલાહાર (ફરાળી ઉપવાસ નહિ) – જેમાં માત્ર દૂધ અને ફળફળાદી લેવાની છૂટ હોય છે. ફરાળના નામે નતનવી વાનગીઓ સ્વાદ અને ભોગવૃત્તિના હેતુસર અતિશય માત્રામાં ખાવાને ઉપવાસ કોઈ રીતે ગણી શકાય નહિ. ઉપવાસ કોઈ ધાર્મિક ક્રિયા માત્ર નથી કે ધાર્મિક માણસે કરવી જ પડે નહીતો તે નરકમાં જાય અને અધાર્મિક માણસ ન કરે તો ચાલે. ઉપવાસ વાસ્તવમાં અતિ વૈજ્ઞાનિક ક્રિયા છે જે પ્રાચીન ઋષિમુનીયોએ ધર્મના નામે સૂચવી છે. જેના દ્વારા આરોગ્ય અને આયુષ્યની પ્રાપ્તિ થાય છે જેની આવશ્યકતા અધાર્મિક માણસને પણ ધાર્મિક માણસ જેટલી જ રહે છે. ધાર્મિક રીતે વિચારીએ તો ઉપવાસનો અર્થ થોડો વિશિષ્ટ છે જેમાં બે શબ્દો છે “ઉપ” એટલે સમીપ અને “વાસ” એટલે રહેવું. આમ ઉપવાસ એટલે ઈશ્વરની સમીપ રહેવું. સામાન્ય રીતે મનુષ્યોનો મોટાભાગનો સમય ખાવાનું બનાવવામાં અને ખાવામાં જ વ્યતીત થતો હોય છે, ઈશ્વર માટે સમય મળતો જ નથી જેથી ઉપવાસના નામે રસોઈના કામમાંથી ફૂર્શત મળે છે અને પ્રભુભક્તિ માટે થોડો સમય કાઢી શકાય છે.
તંદુરસ્ત જીવવા તેમ જ તમામ રોગોથી મુક્તિ મેળવવા ઉપવાસ કરવા જરૂરી છે પરંતુ ઉપવાસ પણ મર્યાદામાં જ થવા જોઈએ. પંદર દિવસે એક ઉપવાસ સલાહભરેલ છે અને એ પણ જો આઠમ થી પૂનમ કે અમાસ દરમ્યાન થાય તો શ્રેષ્ઠ છે કેમ કે આ દિવસોમાં પૃથ્વીથી સૂર્ય અને ચંદ્રથી સ્થિતિ એવી બને છે કે જેની મહતમ અસર પાણી પર થાય છે અને મનુષ્ય શરીર ૭૦% પાણીથી બનેલું છે જેથી તેના પર સવિશેષ અસર જોવા મળે છે અને ઉપવાસ ઉપયોગી સાબિત થાય છે. ચોક્કસ તિથીઓમાં મગજ સૂર્ય-ચંદ્રની વિશેષ સ્થિતિને કારણે લગભગ મદહોશ જેવું બને છે જેથી આવા દિવસોમાં કરેલું ભોજન રોગને નિમંત્રણ આપે છે. શિકાગોની ઈલીનોઈ યુની.ના વૈજ્ઞાનિક ડો.શલ્ફ મોરીસને તેમની બુક “Impact of moon on human being” માં લખ્યું છે કે પૂનમ મનુષ્યની શારીરિક અને માનસિક વેદના વધારવાનું કામ કરે છે. પૂનમ વ્યક્તિના BP, heart beats વધારે છે. વળી metabolism ફાસ્ટ કરે છે. મગજના રોગો વધારે છે. સ્વીડનના વૈજ્ઞાનિક સેન્ટી અરહેનીસે નોધ્યું છે કે અમાસને દિવસે સૂર્ય અને ચંદ્ર શૂન્ય ડીગ્રી પર હોય છે ત્યારે ફીટ આવવી, પાગલપન, મનના રોગો અને ચામડીના રોગો વધે છે અને જયારે સૂર્ય ચંદ્ર ૧૮૦ અંશ પર હોય ત્યારે પણ આ જ અસર થાય છે. આઠમથી પૂનમ કે અમાસ સુધીની પરિસ્થિતિ ચંદ્રની ખરાબ સ્થિતિ દર્શાવે છે જેની માનવીના તન અને મન પર વિશેષ અસર થાય છે. જે રોકવા માટે ઉપવાસનુ સૂચન છે.
ઉપવાસ અનેક પ્રકારના હોઈ શકે જે વ્યક્તિને અવશ્ય નીરોગી અને દીર્ધાયું બનાવે છે. જેમ કે
૧) પ્રાત:કાળનો ઉપવાસ એટલે break-fast ન કરવો, સવારનો નાસ્તો છોડવો.
૨) સાંજનો ઉપવાસ જેને આપણે એકટાણું કહીએ છીએ. એટલે માત્ર એક ટાઇમ ખાવું.
૩) એકહારોપવાસ – જેમાં એકસમયે એક જ વસ્તુ ખાવાની હોય છે. દિવસે રોટલી ખાવ તો રાત્રે ફક્ત શાક કે દૂધ લેવાય.
૪) રસોપવાસ: એટલે ફળોનો કે શાકનો રસ માત્ર ગ્રહણ કરવો.
૫) ફળોપવાસ: એટલે ફક્ત ફળો ઉપર રહેવું.
૬) દુગ્ધોપવાસ: એટલે ફક્ત દૂધ ઉપર રહેવું.
૭) તકોપવાસ: એટલે ફક્ત છાશ ઉપર રહેવું.
૮) પૂર્ણાપવાસ: એટલે નકોડો ઉપવાસ ફક્ત પાણી ઉપર રહેવું.
૯) સાપ્તાહિકોપવાસ: એટલે અઠવાડિયામાં એકવાર નકોડો ઉપવાસ કરવો.
૧૦) લઘુઉપવાસ: એટલે દૈનિક જીવનમાં સામાન્ય ભોજન કરતાં અડધું ખાવું.
આવા તમામ પ્રકારના ઉપવાસ વ્યક્તિ પોતાની પ્રકૃતિને માફક આવે તે રીતે કરી શકે જે દરેક માટે ફાયદાકારક છે. વળી ઉપવાસ કરી પોતાની જાતને ધાર્મિક કે ઉત્તમ સમજવાનો અહંકાર કદી ન કરવો કેમ કે ઉપવાસ ધાર્મિક કરતા વિશેષ તો વૈજ્ઞાનિક ક્રિયા છે જે ધાર્મિક કે અધાર્મિકના ફર્કને નથી સમજતી અને દરેકને એકસરખો લાભ આપે છે. અધાર્મિક માણસ પણ ઊંડી વૈજ્ઞાનિક સમજણ સાથે ઉપવાસ કરી શકે. સાચી સમજણ સાથે અને યોગ્ય રીતે ઉપવાસ કરતા માણસને હું તો ખૂબ બુદ્ધિશાળી માનું છે કે જે દિલથી ધાર્મિક અને દિમાગથી વૈજ્ઞાનિક છે. ગંગામાં ધાર્મિક ભાવનાથી સ્નાન કરનારને મનશુદ્ધિ અને તનશુદ્ધિનો બેવડો લાભ મળે છે જયારે અધાર્મિક માણસને થોડો ઓછો પણ કમસેકમ તનશુદ્ધિનો લાભ તો તે પણ અવશ્ય મેળવે છે. ઉપવાસનું પણ કંઈક એવું જ છે. તો આજથી કમ-સે-કમ પંદર દિવસે એકવાર ઊંડી વૈજ્ઞાનિક સમજણ સાથે ઉપવાસ અવશ્ય કરવો એવું મારું સર્વને નમ્ર સૂચન છે.
~ શિલ્પા શાહ,
ડીરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ