નાની બહું જ લાગી ઘરબારની ઉદાસી,
જોઈ રહ્યો છું હું તો સંસારની ઉદાસી.
“કોઈ ન આવતું “ની કેવી અસર પડી છે,
બારીએ જઈને બેઠી છે દ્વારની ઉદાસી.
મારો સ્વભાવ છે ના પાડી નથી હું શકતો,
આવી, તો મેં ઉછેરી બે-ચારની ઉદાસી.
આવીને એને પહેલા કરવું પડે છે સાબિત,
ઈશ્વર ઘણી બધી છે અવતારની ઉદાસી.
પ્રશ્નોથી ફર્ક એને પડતો નથી કશોયે,
જેણે સહન કરી છે ઉદગારની ઉદાસી.
લવ સિંહા