ઉચ્છવાસ…!!
હું નહીં હોઉં ત્યારે
હું તને યાદ આવીશ
તારો જમવાનો સમય થશે ત્યારે
દવા લેવાનાં સમયે
ચશ્મા શોધવા તને તારી આંખો નહીં જડે ત્યારે…
હું યાદ આવીશ
જ્યારે આછી સાંજ છવાઇ હશે
અને
આભનાં વાદળો મારાં ચહેરા જેવો
આકાર ધારણ કરી લેશે ત્યારે….
ઓફિસેથી પાછો ફરે ત્યારે
મારાં વિનાનાં ઘરમાં પ્રવેશતાં ડરતો નહીં
ત્યારે હું તને યાદ નહીં આવીશ
પણ દિવસભરનાં કોલાહલોને
બાજુ પર મૂકીને
રાત્રે તું-‘તારા’માં પ્રવેશતો હોઇશ
ત્યારે હું તને ચોક્કસ યાદ આવીશ
તારાં શ્વાસે-શ્વાસે ઘૂંટાયેલું મારું નામ
રબ્બરથી ભૂંસી શકાય એમ નથી
પણ તું ચિંતા નહીં કરતો
હું તારાં શ્વાસે-શ્વાસે તને યાદ નહીં આવું
હું તને યાદ આવીશ
તારાં ઉચ્છવાસે-ઉચ્છવાસે…!!
-એષા દાદાવાળા