અમારી કોલેજમાં ચાલતી સ્ટડી-સર્કલ એક્ટિવિટી અંતર્ગત એક દિવસ એક વિદ્યાર્થીએ અમારી વચ્ચે થઈ રહેલ આધ્યાત્મિક ચર્ચા અન્વયે પૂછ્યું કે મેડમ ઇશ્વર સાક્ષાત્કાર એટલે શું અને એ શક્ય છે ખરું? શું તમને કદી આવો સાક્ષાત્કાર થયો છે? એના જવાબમાં મેં એને કહ્યું તારા પ્રશ્નોના જવાબમાં જતાં પહેલા એ સમજવું પડે કે ઈશ્વર એટલે શું અને સાક્ષાત્કાર કોને કહેવાય?
સામાન્ય સમજણ અનુસાર સાક્ષાત્કાર એટલે પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભૂતિ. આમ પ્રત્યક્ષ અનુભૂતિ એટલે સાક્ષાત્કાર અને ઈશ્વર એટલે કોઈ વ્યક્તિ નહીં પરંતુ દિવ્યશક્તિ અને સનાતન અસ્તિત્વ. એ દૃષ્ટિએ શક્તિ અને અસ્તિત્વના પ્રત્યક્ષ દર્શન કે અનુભૂતિ તો દરેક ક્ષણે દરેક વ્યક્તિને અવિરત થતી જ હોય છે. માત્ર વાસ્તવિકતા આપણને સમજાતી નથી. બાકી સાક્ષાત્કાર વગરની તો જીવનની એક પણ ક્ષણ શક્ય નથી. બ્રહ્માંડના દરેક તત્વમાં કે અસ્તિત્વના દરેક જીવમાં અર્થાત દરેક સર્જનમાં જ્યારે ઈશ્વરનું અસ્તિત્વ દેખાય અને અનુભવાય ત્યારે સાક્ષાત્કાર થયો કહેવાય. આ દુનિયા કે સમગ્ર અસ્તિત્વ આપણી નજર સમક્ષ છે જે ખૂબ સુંદર છે જેમાં શક્તિનું અસ્તિત્વ છે જેનું દર્શન આપણે દરેક ક્ષણે કરીએ છીએ અને શક્તિની અનુભૂતિ પણ અવિરત થતી હોય છે. ટૂંકમાં સમગ્ર પ્રકૃતિના દરેક જીવમાં દરેક સર્જનમાં જ્યારે ઈશ્વરનું અસ્તિત્વ દેખાય તેને સાક્ષાત્કાર કહેવાય.
જો આપણી નજર સમક્ષ સર્જન છે તો એનો સર્જનહાર હોવો જ જોઈએ, સર્જનહાર વગર કોઈ સર્જન શક્ય નથી એ આપણે સૌ જાણીએ છીએ. જ્યારે દિવ્યચક્ષુ દ્વારા અર્થાત રાગ-દ્વેષ વગર અસ્તિત્વ નિરીક્ષણની આદત પાડીએ તો દરેક વસ્તુમાં સર્જનહારની શક્તિનો અહેસાસ થાય. ગુલાબના ફૂલમાં રહેલી સુગંધ ઈશ્વરનો સાક્ષાત્કાર નથી તો શું છે? કોયલના ટહુકામાં, વરસાદના બુંદમાં, સંગીતમાં મનુષ્યને જે શાંતિ અને આનંદ અનુભવાય છે એ શાંતિ અને આનંદનો ગુણ ઈશ્વરીય શક્તિનો સાક્ષાત્કાર નહી તો બીજું શું છે? ઈશ્વર એટલે દિવ્યઉર્જા કે સનાતન ચેતના જેના વગરનું અસ્તિત્વ હોઇ શકે ખરું? સમગ્ર સજીવ જગત શક્તિ કે ઊર્જાથી પૂર્ણ છે જો એવું ન હોય તો એ નિર્જીવ ગણાય. આમ સજીવતા કે ઊર્જાની અનુભૂતિ ઈશ્વરના સાક્ષાત્કારથી વિશેષ કંઈ જ નથી. દરેક જીવમાં શક્તિ રહેલી છે મનુષ્યમાં તો શારીરિક, માનસિક, આત્મિક અનેક પ્રકારની શક્તિ ધરબાયેલી છે. જે શક્તિની પ્રાપ્તિ, એના પ્રત્યક્ષ દર્શન કે અનુભૂતિ આપણે પળે-પળ કરીએ છીએ. જે વાસ્તવમાં ઈશ્વરનો સાક્ષાત્કાર જ છે. આપણે ઈશ્વરને દ્રશ્ય સ્વરૂપે કે વ્યક્તિ સ્વરૂપે શોધીએ છીએ અને એ પણ આપણા આરાધ્યદેવના રૂપમાં જેથી પ્રત્યક્ષ દર્શન કે અનુભૂતિ અશક્ય બને છે અને આપણે આપણી સમગ્ર જીવનયાત્રામાં અવિરત સતત ઈશ્વરને શોધ્યા જ કરીએ છીએ. જેમ હરણ સમગ્ર જીવન કસ્તુરી સુગંધ પાછળ તેને મેળવવા અર્થે ભાગતો રહે છે, પરંતુ જે વસ્તુ તમારી અંદર જ છે તે બહાર ભટકવાથી કેવી રીતે મળે.
આ સિવાય પણ અનેક નાના-મોટા પ્રસંગે જીવનમાં આપણને ઈશ્વરની શક્તિનો સાક્ષાત્કાર થતો જ હોય છે પરંતુ આપણે તેને સ્વીકારી શકતા નથી. ઘણીવાર આપણે ખૂબ મૂંઝાયેલા હોઈએ, સમસ્યાઓથી ઘેરાયેલા હોઈએ અને ઓચિંતું સમાધાન મળી જાય, રસ્તો મળી જાય અને આપણે ખુશ થઈ જઇએ શું તે સાક્ષાત્કાર ન કહેવાય? મારી સાથે ઘણીવાર એવું બને છે કે જાણે સાક્ષાત્કારની અનુભૂતિ થતી હોય એવું લાગે. થોડા દિવસો બાદ જે થવાનું હોય તે ઓચિંતું મારા માનસપટલ પર જબકી જાય અને થોડા દિવસ પછી એ ખરેખર થાય ત્યારે આપણે એને કોઇ ભ્રમ, સંયોગ કે સિક્સ્થ સેન્સ જેવા શબ્દોથી નવાજી ભૂલી જઈએ. એ વાસ્તવમાં ઈશ્વરીય શક્તિનો સાક્ષાત્કાર છે કેમકે ઈશ્વર અસીમ શક્તિનો માલિક છે અને એ જ શક્તિનો અંશ છે આપણો આત્મા. એટલે જ કહેવાય છે કે આત્મા પરમાત્માનો અંશ છે. જેની પાસે ભૂત-ભવિષ્ય દરેક સમયનું જ્ઞાન સંગ્રાહેલું છે. પરંતુ આપણે આપણી દૈનિક દોડધામ, દ્રવ્યપ્રાપ્તિની ઘેલછા, સ્વાર્થી લાભો અને અનેક ઈચ્છાઓની દોડમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે ઓચિંતા થતા ઝબકારને ઓળખી શકતા નથી.
હમણાં થોડા દિવસ પહેલાંનો જ એક કેસ છે. મારી કોલેજના એક અધ્યાપકને મેં કહ્યું કે મારી instinct એવું કહે છે કે તમેં બે-પાંચ દિવસમાં બીમાર પડશો. ઈશ્વર કરે એવું ના થાય પરંતુ મને એવા વિચાર વારંવાર આવે છે અને વાસ્તવમાં એ વાતના ત્રણ જ દિવસમાં અધ્યાપક બીમાર પડ્યા. આવા અનુભવો આપણા દરેકના જીવનમાં વારંવાર બનતા જ હશે. એ આપણી અંદર રહેલી અદ્રશ્ય શક્તિનું કાર્યક્ષેત્ર છે. જેને આપણે ઓળખી કે સમજી શક્તા નથી. બાકી આવી શક્તિનો સાક્ષાત્કાર થતો જ રહે છે. એક બીજો પ્રસંગ મને અહીં યાદ આવે છે, અમે વર્ષ 2019 માં આંદમાન-નિકોબાર ટાપુ ફરવા ગયેલા. સૂર્યાસ્તનો સમય હતો, દરિયા કિનારો ખૂબ આહલાદક અને દિવ્યતાથી ભરેલો અનુભવાતો હતો. અંધારું થતા દરેક સહેલાણીઓ પોતાના નિવાસસ્થાન તરફ જતા રહેલા અને ખબર નહીં કેમ પણ મને કોઈ અજાણી શક્તિ પોતાના તરફ ખેંચતી હોય એવું અનુભવાતું હતું. હું એકલી દરિયાકિનારે પાણીથી થોડી બે-ચાર ફૂટ દૂર ઊભેલી. આજુબાજુ દૂર સુધી કોઈ નહોતું. પરંતુ મને જાણે અંદરથી ઈશ્વર શક્તિ કે અસ્તિત્વ સાથે રૂબરૂ વાત કરવાની ઈચ્છા થતી હોય એવું લાગતું હતું. મને મારી આજુબાજુ કોઈ શક્તિ અનુભવાતી હતી. મેં મનોમન દિવ્ય શક્તિ સાથે વાત કરી કે મને અહીં તમારી હયાતી અનુભવાય છે. ખરેખર તમે મારી વાત સાંભળતા હોવ તો આ દરિયાનું મોજુ મારી પાસે આવી મારા પગ પલાળે તો હું સમજીશ કે તમે મારી લાગણીનો પ્રત્યુત્તર આપ્યો અને આશ્ચર્ય વચ્ચે તે સમયની ઓટની પરિસ્થિતિમાં પાણી અંદરની દિશામાં પ્રયાણ કરતું હતું છતાં એક સેકન્ડ માટે ઓચિંતું વિરુદ્ધ દિશામાં હું જ્યાં હતી ત્યાં એક નાનું મોજુ આવ્યુ અને મારા પગ પલાળી ગયુ. મને એ ક્ષણે ઈશ્વરના સાક્ષાત્કાર થવા જેવી અનુભૂતિ થઈ. જે ઓટની પરિસ્થિતિમાં અશક્ય હતું પરંતુ એ શક્ય બન્યું. મારી માટે આનાથી વિશેષ સાક્ષાત્કાર બીજો કોઈ ન હોઈ શકે.
આમ ઇશ્વર સાક્ષાત્કાર કે શક્તિની પ્રત્યક્ષતાના દર્શન એ અનુભૂતિનો વિષય છે. જે સમયે-સમયે દરેકને થતો જ રહે છે જે આપણે સમજી શકતા નથી અને જે સમજી શકે છે એને જનસમુદાય પાગલ સમજી બેસે છે જેથી ઘણીવાર વ્યક્તિ પોતાના આવા ચમત્કારીક અનુભવો કે સાક્ષાત્કારની વાત કરતાં ખચકાય છે અને કમનસીબે આપણે પૂર્ણતાના અનુભવ સુધી પહોંચી શકતા નથી. ટૂંકમાં ઈશ્વર એક વિશાળ અસ્તિત્વ છે જેના પ્રત્યક્ષ દર્શન આપણે રોજબરોજ કરીએ છીએ છતાં સાક્ષાત્કાર માટે તરસતા રહીએ છીએ. ઈશ્વર એક શક્તિ છે, ઊર્જા છે, ચેતના છે જેની અનુભૂતિ આપણે ક્ષણેક્ષણ કરીએ છે કેમકે શક્તિ વગરની ક્ષણ તો જીવનમાં હોઈ જ ન શકે, નહીં તો એ જીવન નહીં મૃત્યુ કહેવાય. તો હવે કહો ઈશ્વર સાક્ષાત્કાર શક્ય છે કે નહીં?
શિલ્પા શાહ