રામજી છેલ્લા ઘણા દિવસો થી ભગવાન પાસે નિરંતર કાંઈક ને કાંઈક પોતાના પરિવાર માટે માંગ્યા કરે છે, છોકરાની નોકરી, પત્નિની તબિયત, ધંધામાં અઢળક કમાણી, છોકરી માટે સ્કોલરશીપ, એવી કોઈ જ વસ્તુ માંગવા બાકી ના રાખી. પ્રસાદ ચડાવે, દાન કરે, ફાળો લખાવે પરંતું છતા તેની માંગ ભગવાન સાંભળતા નથી એટલે આખરે રામજી કંટાળીને બોલે છે,
“હે ભગવાન આજે તો મારી પ્રાર્થના સાંભળ, હું આટલાં દિવસથી તારી નિરંતર ભક્તિ કરું છું.”
મંદિરના પૂજારી બોલ્યા, ” ભાઈ, તારી ભક્તિમાં શ્રધ્ધા નથી. થોડી વધુ શ્રધ્ધા લાવીને ભગવાનની યાચના કર, ભગવાન જરૂર પ્રસન્ન થશે.”
પણ રામજી તો એની ધૂનમાં જ બસ યાચના માટે રોજ મંદિરે આંટા-ફેરા મારે રાખે અને એ યાચનાઓ ભગવાન સાંભળતા ના હતા.
રામજી એક દિવસે ખુબ જ ગુસ્સામાં ભગવાનને મેણા ટોણા મારવા લાગ્યો, “તું હાજરાહજુર છો જ નહીં, મારાં જેવા ભક્તો તારા દ્વારે હજારો ધક્કા ખાસે તે છતાં તું સાંભળવાનો છે જ નહીં. હું ગમે તેટલો ઘસાઈ જઈશ પણ તને કોઈ જ ફરક નહીં પડે.”
કદાચ ભગવાન ત્યારે હાજર હશે અને રામજીની આ વાત સાંભળી ગયા હશે. થોડીવાર પછી કંટાળીને મંદિરથી નીકળતો હતો. ત્યા રસ્તામાં રામજીનો અકસ્માત થયો અને ઘટનાસ્થળે તેનું મૃત્યુ થયું.
મૃત્યુ બાદ ભગવાનના દરબારમાં એ પહોંચ્યો, ત્યાં જઈને પણ તેણે ભગવાનને ખૂબ સંભળાવ્યું.
ભગવાને પ્રત્યુતરમાં એક જ વાત રામજીને કહી,
“રામજી, તું હંમેશા માંગવા જ આવ્યો છે, તે સ્વાર્થ ભાવ વિના મને કયારેય યાદ નથી કર્યો. સુખના સમયમાં તે ક્યારેય ભગવદ ભજન નથી કર્યું કે ન તો મારું સ્મરણ માત્ર પણ તે કર્યું છે. કયારેક એમ જ યાચના કરવાની બદલે એમ જ મળવા આવ્યો હોત તો હું કદાચ તને મળી જાત.”
આ સાંભળી રામજી મૌન થઈને ઊભો રહી જાય છે.
સુનિલ ગોહિલ “માસ્તર”
Related