“આ લંડન ક્યાં આવ્યું?” કમલા નાના માલિકનો રૂમ સાફ કરતાં કરતાં પપ્પુને પૂછતી હતી.
લંડનનું નામ આવતા પપ્પુ અચાનક જ કમલા સામે ધસી આવ્યો. આંખોના ડોળા જાણે હમણાં જ કૂદીને બહાર પડી જશે એમ કમલા સામે જોઈ રહ્યો, ડાઘિયો કૂતરો એક બચાળી કૂતરી સામે જોતો હોય એમ.
“આમ શું ડોળા ફાડી ફાડીને જોવે છે? અને આઘો ખસ, મારી આટલી નજીક નહીં આવવાનું.” કમલાએ જે કપડાથી ધૂળ ઝાપટતી હતી એનાથી પપ્પુને ઝાપટ્યો.
“લંડન કેમ બોલી તું?” પપ્પુના ભવા ચડયા.
“ગઈકાલે નાના માલિક લંડન જવાની વાત કરતાં હતા એટલે.” કમલા દૂર ખસીને બોલી.
“નાના માલિક તને પણ સાથે લઈ જવાના છે?”
“હા ફોનમાં બોલતા તો હતા કે એક નોકર સાથે આવશે તો એ નોકર તું તો હોવાનો નહીં, મારો તો મારા કાકાએ પાસપોરટ પણ કઢાવી નાખેલો.”
“પાસપોરટ નહીં પાસપોર્ટ બોલાય.” પપ્પુએ હાથે કરીને આંગળી નકુચામાં નાખી.
“એ ભલે, મને ભલે બોલતા ના આવડે પણ છે તો ખરા ને પણ મૂઆ તારી પાસે તો એ છે પણ નહીં, પાસપોરટ.” કમલા બગડી.
પપ્પુને આવા નાના અપમાનનું હવે જરા પણ ખોટું ના લાગતું. એ તો નાના માલિકની ગાળોથી ટેવાઇ ગયો હતો. એમ પણ કમલા એને જે બોલે એ એને સુંવાળું સુંવાળું જ લાગતું. કમલા એવી રૂપાળી નહોતી પણ નમણી હતી એટલે આકર્ષક લાગતી. રોજ સવારમાં સાડીનો કછોટો વાળે, કચકાઈને લીધેલો ચોટલો ફરી કચકાવે અને એક પછી એક કામ રાજધાની એક્સ્પ્રેસની જેમ પતાવે.
“એ તને શું ખાતરી છે કે નાના માલિક જે નોકરને લંડન લઈ જવાના છે એ તું જ છો?” પપ્પુનો જીવ હવે લંડનમાં હતો.
“તે તને થોડી લઈ જવાના? તારું મોઢું પણ તે કાંચમાં ક્યારેય જોયું છે? એમ પણ નાના માલિકને તું દીઠ્ઠો નથી ગમતો, એટલામાં સમજી જાવ પપ્પુકુમાર. અને હા, પપ્પુ નામવાળાને લંડન સપનામાં પણ ના શોભે.” કમલા મસ્તી મજાકમાં વધારે બોલી ગઈ.
પપ્પુનામવાળાને લંડન સપનામાં પણ ના શોભે આ શબ્દો પપ્પુને મનમાં ઘર કરી ગયા. કમલા મસ્તી મજાકમાં જ બોલતી હતી છતા કમલાને એ મનથી સમ્માન આપતો અને આજે કમલા જ આવું બોલી એટલે પપ્પુ ઉદાસ થઈ રૂમની બહાર નીકળ્યો.
“પપ્પુને નહીં પણ પરિમલને તો લંડન શોભે ને!” અચાનક પપ્પુ પૂરા જોશમાં બોલીને ગયો.
કમલા પપ્પુનો આવો જોશીલો અવાજ જોઈ અવાક થઈ ગઈ. થોડી ક્ષણ પહેલા પપ્પુ ઉદાસ હતો અને અચાનક આમ જોશમાં આવીને શું બોલી ગયો? પરિમલ.. આ પરિમલ કોણ છે? કમલાનું ધ્યાન હવે ઝાપટવામાં ના રહ્યું. એ રૂમની બહાર નીકળતા આત્મવિશ્વાશથી છલોછલ પપ્પુને જોતી રહીં.
***
“નાના માલિક, મને લંડન લઈ જશો ને?” કમલા વિશ્વરાજની બગલમાંથી ઉભી થતાં બોલી.
“તારી આદત પડી ગઈ છે.”
“એટલે જ તો પૂછું છું, મને પણ તમારી વગર હવે ગમતું નથી.” કમલાએ બ્લાઉઝનું હૂક બંધ કરવા વિશ્વરાજને ઈશારો કર્યો.
વિશ્વરાજ ઈશારો સમજી ગયો. એ ચાદર દૂર કરી, કમલાની નજીક ગયો. પેટ પાસેથી એને પકડી નજીક ખેંચી, વિશ્વરાજના ગરમ શ્વાસ કમલાની ડોક પર અથડાતાં હતા. વિશ્વરાજે બે આંગળી વડે બ્લાઉઝના હૂક બંધ કર્યા, કમલાને સામી ફેરવી અને ચૂમી લીધી.
“નાના માલિક, હું જાણું છું કે તમારું કે મારુ કોઈ ભવિષ્ય નથી. હું તમને ખુબ પ્રેમ કરું છું પણ તમે ફક્ત તમારી જરૂરિયાત સંતોષો છો. હું ક્યારેય તમારી પાસે પ્રેમની માંગણી નથી કરતી પણ તમે લંડન જતા રહેશો તો મારુ અહિયાં કોણ?” કમલા વિશ્વરાજનો હાથ પકડીને બોલી.
વિશ્વરાજ ખંધું હસી ગયો. એ હેવાન હતો. એને તો ફક્ત એની હવસ શાંત કરવા માટે કમલા જોતી હતી. પૈસાથી કમલાનું મોઢું બંધ રાખતો પણ આજે કમલા બોલી એ એને ના ગમવાની જગ્યાએ ખૂબ ગમ્યું.
“મને તારી નિખાલસતા ગમી. જો કમલા, મને મજા મળે છે તો સામે તને પણ સંતોષ તો મળે જ છે, તું જે કામ કરે છે ઘરનું એના પગાર ઉપરાંત પણ રૂપિયા મળે છે, અને મે કહ્યું તો છે કે હું નોકરને સાથે લઈ જઈશ.” વિશ્વરાજ હજી ઉખાણામાં જ બોલતો હતો.
“કોણ નોકર એ ચોખવટ કરી?”
“એમાં ચોખવટ શું? મે હમણાં જ તો કહ્યું કે મને તારી આદત પડી ગઈ છે.”
“તમારા પિતાનો લાડલો લંડનના સપના જોવે છે.” કમલાએ મૂળ વાત માંડી.
“કોણ ઓલો પપ્પુ?”
“હા, આજે જ મારી સાથે વાત કરતો હતો. અમે બન્ને એકલાં પડ્યા ત્યારે.”
એકલાં પડ્યા એ શબ્દ વિશ્વરાજના કાને પડતાં એ ધૂઆપુઆ થઈ ગયો. એની અંદરનો હેવાન જાગ્યો. કમલાને ચોટલેથી પકડીને એની સામે ડોળા ફાડીને બોલ્યો:
“&&##, તો તું ત્યાં પપ્પુ સાથે પણ મોઢા મારે છો! હવે મને સમજાયું કે તે દિવસે પપ્પુ બેભાન થયો ત્યારે તારો જીવ કેમ ઊંચો નીચો થતો હતો. &&##, મારી સાથે રમત રમે છે.”
કમલા વિશ્વરાજનું આવું વિકરાળ રૂપ જોઈ ડઘાઈ ગઈ. એની બદામી આંખોમાંથી ટપક્તા નળની જેમ આંસુ ટપ ટપ વહેવા લાગ્યા.
“હું.. હું.. હું.. ફક્ત તમારી છું. મે મારુ સર્વસ્વ તમને સોંપી દીધું છે. મે ક્યારેય તમારી પાસે કોઈ આશા નથી રાખી. પપ્પુ મારા માટે અજાણ્યો છે. તમે મારી પૂરી વાત તો સાંભળો.” કમલા રડતાં રડતાં આજીજી કરતી રહી.
“બોલ શું છે આખી વાત?” વિશ્વરાજ થોડો શાંત પડ્યો.
કમલાએ સવારે પપ્પુ સાથે થયેલી બધી વાત વિશ્વરાજને સંભળાવી. વિશ્વરાજને પણ પપ્પુ પરિમલ બોલ્યો એ વાત પર અચરજ થયું. આ પરિમલ વળી કોણ? એ વાત પર કમલા અને વિશ્વરાજ બહુ મોટો પ્રશ્નાર્થ મૂકી રહ્યા.
“વાગ્યું તો નથી ને?” વિશ્વરાજે કમલાને કમરેથી પકડીને પૂછ્યું.
“તમે મારી સાથે જે કરો એ મને ક્યારેય કાંઇ ના થાય.” કમલાએ મસ્તીભરેલા અવાજમાં કહ્યું.
વિશ્વરાજને આવો અવાજ કાયલ કરી દેતો. એણે કમલાને પકડી બાજુમાં સુવડાવી દિધી. બન્ને ગાઢ પ્રણયમાં લીન થઈ ગયા.
****
“હું તો કમલાને મારી સમજતો હતો પણ આ તો નાના માલિક સાથે આડ સંબંધ ધરાવે છે. હવે સમજાયું કે નાના માલિક કેમ કમલાની બધી વાત માને છે? પણ મારુ શું? કમલાએ મને અજાણ્યો કહ્યું, પણ એ તો તે દિવસે હું બેભાન થયો ત્યારે આક્રંદ કરતી હતી. તો શું એ બધુ નાટક હતું? કમલાને હું પસંદ નથી? શું હું કોઈને પસંદ નથી? આ દુનિયામાં મારુ કોઈ છે જ નહીં? મોટા માલિક હતા એ પણ જતા રહ્યા. હવે મારુ કોણ?”
પપ્પુએ દરવાજાની તિરાડમાંથી કમલા અને વિશ્વરાજને પ્રણયનો રાગ આલાપતા જોઈ લીધા. એ દુખી માણસ વધુ દુખી થઈ ગયો. મોટા માલિકના ગયા પછી કમલામાં એને થોડો સાથ દેખાયેલો પણ આજે એ સાથ પણ છીનવાઈ ગયો. પપ્પુ ઉદાસીમાં બબડતો રહ્યો, “મારુ કોણ? મારુ કોણ?”
પોતાના રૂમમાં આવ્યો. આંસુ ભરેલી આંખો ભારે લાગતી હતી. સુવાની કોશિશ કરી. જેવો સૂતો કે પેલું પુસ્તક યાદ આવ્યું. અચાનક જ બધો ભાર ઉતરી ગયો હોય એમ એ પુસ્તક એના હાથમાં લીધું.
પપ્પુએ બેડ પર બેઠી પુસ્તકનું સોળમું પાનું ખોલ્યું.
જેવું પાનું ખૂલ્યું કે તરત જ ફરી એ જ વંટોળિયો આવ્યો. બારી અચાનક ખુલ્લી ગઈ. ઝાડના સુકાઈ ગયેલા પાંદડા ઉડવા લાગ્યા. પપ્પુએ ધ્યાનથી વાંચ્યું. મથાળે એક વાક્ય લખેલું હતું:
“Love yourself first and everything else falls into line. You really have to love yourself to get anything done in this world.”
“ખુદને પહેલા પ્રેમ કરો, બીજું બધુ આપોઆપ સરખું થઈ જશે. આ દુનિયામાં કાંઇપણ કરવા માટે ખુદને પ્રેમ કરવો ખૂબ જ જરૂરી છે.”
સુનિલ ગોહિલ
“માસ્તર”.