“ઉઠ એ પપ્પુડા ઉઠ છાનો મનો. મારો બાપ ગયો પણ તને મૂકતો ગયો. આ બધા પુસ્તકના થોથાં ઘા કરી દે. હાલ, ઝડપથી મારા માટે લીંબુ સરબત બનાવીને લાવ. કાલે વધુ પડતું પીવાય ગયું એમાં માથું પકડાઈ ગયું છે.” વિશ્વએ પપ્પુને પાટુ મારી ઊભો કર્યો.
પપ્પુ થોડીવાર પુસ્તક સામે જોવે તો થોડીવાર વિશ્વ સામે. મન અને મગજમાં વિચારોએ તાંડવ મચાવ્યું હતું. લાલ, પીળો અને જાંબલી સૂટ ક્યાં ગયો? પેલી છોકરી મારી આસીસ્ટ્ન્ટ હતી? હું મહાન જાદુગર પરિમલ!
“ચાલ ને ઢીલા ઊભો થા નહિતર તને પણ મારો બાપ જ્યાં છે ત્યાં ઘા કરી દઇશ.” વિશ્વએ ફરી પાટુ માર્યું.
પપ્પુ પુસ્તકને બગલમાં દબાવીને રસોડા તરફ ચાલતો થયો. મગજ હજી ત્યાં જ અટવાયેલું છે. શું મને જાદુ કરતાં આવડે છે? શું હું પણ માલિકની જેમ જાદુગર છું? પણ માલિકે તો આ વિદ્યા એના છોકરા માટે રાખી હતી. વિશ્વ તો નપાવટ છે. માલિક જાણતા જ હતા ને, એટલે જ તો આ પુસ્તક મને હાથમાં આપ્યું. વિચારોમાં ને વિચારોમાં રસોડુ આવી ગયું.
ખાનામાંથી તપેલી કાઢી. પછી તરત જ વિચાર આવ્યો કે જો હું જાદુગર પરિમલ છું તો જાદુથી લીંબુ સરબત બનાવી જ શકુ ને!
“એ કમલા, આ જો માલિકે મને જાદુ શીખવાડ્યું એ તને બતાવું.” પપ્પુએ વાસણ ઉટકવવાવાળી કમલાને જાદુનો ઈશારો કરતો હોય એમ કહ્યું.
“હવે જાને નકામા, તારા જાદુ જોવા રહીશ તો મારે વાસણ કોણ ઉટકશે, તારી મા? હાલ આમ હાલતો થા. સસ્તો નશો કરીને કહે છે, જાદુ કરું.” કમલાએ વાસણની જેમ પપ્પુને માંજી નાખ્યો.
પપ્પુને થયું એ ઉતાવળ કરી ગયો. પેલા ખુદ તો તપાસી લે કે એને જાદુ કરતાં આવડે છે કે નહીં. કદાચ એવું પણ હોય શકે કે પુસ્તકમાં જાદુની એવી મજેદાર વાતો લખી હોય એ વાંચતાં વાંચતાં એ ભ્રમમાં પડી ગયો હોય કે એ ખુદ જાદુગર છે. પપ્પુએ કોશિશ કરી જાદુથી ફ્રિજનો દરવાજો ખોલવાની. ખૂબ હાથ આમથી તેમ કર્યા પણ ફ્રિજનો દરવાજો ના ખૂલ્યો. થોડો નજીક ગયો કદાચ હવે જાદુ કામ કરે, ફરી એ જ રીતે હાથ આમથી તેમ ફેરવ્યા. ફ્રિજનો દરવાજો ના ખૂલ્યો.
“એ પપ્પુડા, સરબત લાવે છો કે નહીં? અહિયાં તારા બાપને માથું ફાટે છે. ક્યાં ગયો &&&###.” વિશ્વએ ગાળ દઈને પપ્પુને બૂમ પાડી.
પપ્પુએ જાદુને પડતું મૂક્યું. ફટાફટ ફ્રિજમાંથી ઠંડુ પાણી અને લીંબુ લીધા. લીંબુ સરબત બનાવીને દોડાદોડ વિશ્વ પાસે પહોંચી ગયો.
“ક્યાં મરી ગયો હતો &&&###?” વિશ્વ બધા સાથે ગાળ દઈને જ વાત કરતો.
“માલિક, લીંબુ.. પાણી.. ખાંડ..” પપ્પુને ગેંગે ફેફે થઈ ગયું.
“મારો બાપ કેમ તને રાખતો હતો એ જ નથી સમજાતું. કામનો ના કાજનો દુશ્મન અનાજનો.” વિશ્વ લીંબુ સરબત એક ઝાટકે પી ગયો.
“માફ કરજો માલિક, હવેથી આવું નહીં થાય.” પપ્પુ હાથ જોડીને ઊભો હતો.
વિશ્વએ લીંબુ સરબત પી ને ગ્લાસ ટેબલ પર મૂક્યો. કાંઇક વિચારતો હોય એમ બે ઘડી ઊભો રહ્યો.
“માલિક, ગીઝર ચાલુ કરાવી દીધું છે. તમારો નાસ્તો પણ તૈયાર કરાવી નાખું છું. તમારા કપડાં ઇસ્ત્રી કરીને તૈયાર છે.” પપ્પુની નજર નીચી જ હતી.
“હા સરસ દોઢ ડાયો! પપ્પુ, એક વાત જાણવી છે મારે.” વિશ્વ પહેલીવાર આટલું શાંતિથી બોલ્યો હશે.
“શું માલિક?” પપ્પુને પણ આશ્ચર્ય થયું.
“મારા બાપે તને મિલકતમાં ભાગીદાર તો નથી બનાવ્યો ને? તને કાંઇ સોંપીને ગયો છે?” વિશ્વના નેણ સંકોચાયા.
“હા સોંપીને ગયા છે ને.” પપ્પુએ ખુલાસો કર્યો.
“ખબર જ હતી, મારો બાપ એના સગા દીકરાને નહીં પણ નોકરને ભાગ આપશે. શું શું આવ્યું છે તારા ભાગમાં?” વિશ્વની મુઠ્ઠી વળેલી હતી.
“બતાવું ઊભા રહો.” પપ્પુ દોડતા રસોડા તરફ ગયો અને પેલું પુસ્તક લઈને આવ્યો. “આ સોંપીને ગયા છે.” પપ્પુએ પુસ્તક બતાવ્યું.
વિશ્વએ પુસ્તક જોયું. એને મનમાં થોડી શાંતિ થઈ.
“કોઈ મિલકત કે રૂપિયા, દાગીનામાં ભાગ આપ્યો છે?” વિશ્વએ ખુલ્લી વાત કરી.
“ના, માલિકે આ પુસ્તક આપ્યું અને આટલું જ કહ્યું કે, ‘પપ્પુ, તું મારો વારસો સાચવી લે જે.’ બાકી બધુ તો માલિકના વકીલ પનારા સાહેબને ખબર. માલિકની વીલ એમની પાસે છે.” પપ્પુએ જે હતું એ કહી દીધું.
વીલની જાણકારી જ વિશ્વને જોતી હતી. ભૈરવ જીવતો હતો ત્યારે એણે ક્યારેય એની વીલની વાત નહોતી કરી. વિશ્વએ આડકતરી રીતે ઘણું પૂછ્યું પણ ભૈરવ કોઈ વાત ના કરતો. બધી વાત પપ્પુને ખબર રહેતી. એ ભૈરવનો સહારો અને ભરોસો બન્ને હતો.
“માલિક, આ પુસ્તક તમારો વારસો છે. તમે જ આ વાંચી, શીખીને મોટા માલિકની જગ્યાએ આવી જાવ ને.” પપ્પુએ ના કરવાની વાત કરી દિધી.
વિશ્વએ પપ્પુ સામે જોયું. એક નેણ ઊચો કર્યો. દાંત ભીંસ્યા અને પપ્પુને કોલરથી પકડ્યો. અચાનક જ દાનવની જેમ હસવા લાગ્યો. એના એ અટ્ટહાસ્યથી ઘરની પાળીએ બેઠેલા ઘૂ.. ઘૂ.. કરતાં કબૂતર ઊડી ગયા. પપ્પુ પણ જરા ડરી ગયો.
“હું મારો બાપ જીવતો હતો ત્યારે પણ ક્યારેય એના શો જોવા નથી ગયો. જીવતો હતો ત્યારે એકપણ વાર જાદુ શીખવા એની પાસે નથી બેઠો. જીવતો હતો ત્યારે બે ઘડી વાત કરવા પણ એની પાસે નથી બેઠો અને એનો આ &&&### વારસો સંભાળું. ભાડમાં ગયો મારો બાપ, ભાડમાં ગયું એનું જાદુ અને ભાડમાં જાય એનો વારસો.” વિશ્વએ ભ્રમર ચડાવીને પુસ્તક પપ્પુના હાથમાંથી ખેચી ઘા કરી દીધું.
પુસ્તક ફળીયામાં પડતાં વર્ષો જૂનું હોવાના કારણે એના પાના ઉડવા લાગ્યા. પપ્પુ પુસ્તક લેવા દોડ્યો. વધુ પાના ઊડી જાય એ પહેલા પુસ્તકને સાચવીને બગલમાં ખોસી દીધું.
“અને હા, એક વાત તો કહેવાની રહી ગઈ. ભાડમાં જાય પપ્પુ પણ. તું સાચવ મારા બાપનો વારસો, &&&###.” વિશ્વ ગાળ બોલી એના રૂમ તરફ ચાલતો થયો.
પપ્પુએ પુસ્તકને એના રૂમમાં સાચવીને મૂક્યું. મનોમન વિચારી રહ્યો કે માલિકની આત્મા કેટલી બોહાતી હશે. એનો સગો દીકરો બાપના મર્યા પછી પણ બાપનું અપમાન કરે છે, એની કળાનું અપમાન કરે છે. પપ્પુએ ભારે મને નાસ્તો તૈયાર કર્યો. ખુદ ચા નાસ્તો પતાવીને, વિશ્વનો નાસ્તો એના રૂમમાં મોકલાવીને પુસ્તક ખોલીને બેઠો.
એક.. બે.. ત્રણ.. ચાર.. પાંચ…. અને અગિયારમું પાનુ ખોલ્યું. સ્મશાનમાં બેઠો હતો ત્યારે જેમ વંટોળીયો આવેલો તેમ ફરી વંટોળિયો આવ્યો. બારી અચાનક ખુલ્લી ગઈ. ઝાડના સુકાઈ ગયેલા પાંદડા ઉડવા લાગ્યા. પપ્પુએ ધ્યાનથી વાંચ્યું. મથાળે એક વાક્ય લખેલું હતું,
“You can be everything. You can be the infinite amount of things that people actually are.” “તમે બધું જ બની શકો છો. તમે અનંત વસ્તુઓ બની શકો છો, જે હકીકતમાં લોકો છે.”
~ સુનિલ ગોહિલ “માસ્તર”