“સર, આજના આ તમારા ત્રણ કોસ્ચ્યુમ. સૌથી પહેલા આપ આ લાલ શુટમા એન્ટ્રી કરશો એમાં તમારે અડધી કલાક ઓડિયન્સને જાદુના ખેલ બતાવવાના છે, ત્યાર બાદ અચાનક જ સ્ટેજ પર ધુમાડો થશે અને તમે ગાયબ. એ પછી તમે ઓડિયન્સની વચ્ચેથી આવશો આ ચમકદાર જાંબલી શુટમાં. આ શુટમાં તમારે બીજી અડધી કલાક જાદુઈ ખેલ કરવાના છે અને પછી સ્ટેજ પર આગ લાગશે…”
“આગ.. શેની આગ? આ તો મારા માલિક ભૈરવનાથને અગ્નિદાહ આપવા આવ્યો છું. તમે કોણ છો? અને આ શું લાલ પીળા જાંબલી શુટનું બોલો છો?” પપ્પુએ સફેદ કુર્તુ પહેરેલી છોકરીને વચ્ચે જ અટકાવી.
“સર, પીળો નહીં છેલ્લે ગુલાબી આવશે. તમને પીળો ગમે તો એ કરી આપીએ.” એ છોકરી એની વાત પર અડી રહીં.
“પણ બેન તમે છો કોણ? મને કેમ સર..સર કરો છો? હું તો આ જાદુગર સમ્રાટ ભૈરવનાથનો નોકર છું પપ્પુ.” પપ્પુએ માથું ખંજવાળતા કહ્યુ.
“સર, મારા કામમાં શું ભુલ રહીં ગઈ? તમે કેમ આમ કહો છો? તમે મહાન જાદુગર પરિમલ છો અને કોણ ભૈરવનાથ? આ દુનિયામાં મહાન જાદુગર તમારી સીવાય કોઈ નથી.” એ છોકરી રડમસ થઈ ગઈ.
“એક ગ્લાસ પાણી મળશે?” પપ્પુએ હાથ જોડીને પુછ્યું.
સફેદ કુર્તાવાળી છોકરી દોડા દોડ પાણીનો ગ્લાસ ભરીને આવી. પરસેવાથી રેબઝેબ પપ્પુએ પાણી એક શ્વાસે પી લીધું.
“સર, મહેરબાની કરી આપ તૈયાર થઈ જાવ. શો હાઉસફુલ છે, એક કલાકમાં બધી જ ઓડિયન્સ આવી જશે.”
“હું શું કરીશ શો માં? હું તો પપ્પુ છું, હું તો સ્મશાનમાં હતો. મને ક્યાં કોઈ જાદુ આવડે છે? માલિક શીખવાડતા એ પણ હું ના શીખતો અને આજે તમે કહો છો કે હું મહાન જાદુગર પરિમલ છું!”
“સર, મારુ માથુ પણ હવે ચકરાવા લાગ્યુ છે. હું બાકીનું બધું આયોજન જોઈ આવું, આ તમારો લાલ શુટ. મહેરબાની કરી તૈયાર થઈ જા જો.” સફેદ કુર્તાવાળી છોકરી બોલીને જતી રહીં.
લાલ શુટ હાથમાં પકડી પપ્પુ વિચારમાં પડી ગયો કે આ શું ઘટનાક્રમ ઘટી રહ્યો છે? એ જાદુગર ક્યારે બન્યો? અચાનક એને પેલા પુસ્તક વિશે વિચાર્યું. એ પુસ્તકતો એના ખોળામાં જ હતું અચાનક ક્યા જતું રહ્યુ? પપ્પુ માથુ ખંજવાળતો લાલ શુટ લઈ ગ્રીન રુમમાં જતો રહ્યો. એને તૈયાર કરવા મેક અપ આર્ટીસ્ટ હાજર છે.
મોટા કાચ સામે પપ્પુ પરાણે તૈયાર થવા બેઠો. ત્યાં હાજર બધા જ પરિમલ સર.. પરિમલ સર.. બોલી રહ્યા છે. આ બાજુ પપ્પુને મનમાં એક જ સવાલ છે કે હમણાં બહાર જાહેર થશે મહાન જાદુગર પરિમલ તમારી સમક્ષ હાજર છે, ત્યારે એ સ્ટેજ પર શું કરશે? એ લાલ શુટમાં શરમનો લાલ લાલ થઈ જશે.
પપ્પુ લાલ શુટમાં તૈયાર છે. બહાર જાહેરાત થઈ.
“દર્શકો, તમારી આતુરતાનો અંત આવી ગયો છે. તાળીઓના ગડગડાટથી સ્વાગત કરો વિશ્વના એકમાત્ર મહાન જાદુગર પરિમલનું.”
રાજા મહારાજા જેવું સંગીત ગાજ્યુ, સ્ટેજ પર સફેદ ધૂમાડા થયાં અને સ્ટેજની વચ્ચો વચ્ચ લાલ શુટમાં હાજર હતો પપ્પુ ઉર્ફે મહાન જાદુગર પરિમલ. પપ્પુ વિચારમાં છે કે હવે શું થશે? હમણાં સ્ટેજ પર ચપ્પલ, ટમેટાનો વરસાદ.
પરિમલની એક સહયોગી આવી, એને એક ટોપી અને લાકડી આપી. પરિમલે ગભરાતા એ હાથમાં લીધી અને ક્ષણભરમાં એ ટોપી લાકડી બની ગઈ અને લાકડી ટોપી. એક પછી એક અડધી કલાક સુધી પપ્પુ ઉર્ફે પરિમલે જાદુના ખેલ કર્યા.
ઓડિયન્સ ખુશખુશાલ થઈ ગઈ. ફરી ધુમાડો થયો અને સ્ટેજ પરથી પપ્પુ જાંબલી શુટ પહેરવાં ગાયબ.
~ સુનિલ ગોહિલ “માસ્તર”