કેવી કર્મની કઠણાઇ? સગો છોકરો અંદર રૂમમાં છે છતાં પિતાના અંતિમ સંસ્કારમાં આવવાની ના પાડી છે. છતે દીકરે બાપનો અગ્નિસંસ્કાર એક નોકર કરશે. જો કે પપ્પુ તો ભૈરવને સગા દીકરા કરતાં પણ વ્હાલો હતો.
પપ્પુ બાર વર્ષનો હતો ત્યારે ભૈરવ એક જાદુનો ખેલ કરવા જામનગર ગયેલો. જાદુના ખેલના સ્પોન્સર ધામેચા સાહેબના નોકર હતાં પપ્પુના પિતા, “રઘુભાઈ”. ચાર દીકરામાંનો એક પપ્પુ. ખાખી ચડ્ડી, ઉપર સફેદ ગંજી, માથા પર ખોપરેલનું તેલ નાખી વચ્ચોવચ્ચ પેથી પાડેલી.
“ધામેચા સાહેબ, મને મારી ફીસ ઉપરાંત પણ આજે વધારે કાંઇક જોઈએ છે?” ભૈરવે માયાળું નજરે પપ્પુ સામે જોયું.
“બોલો તમે કહો એ તમારી સમક્ષ મૂકી દેશું, તમે આજે દિલ ખુશ કરી દીધું છે, જાદુગર સમ્રાટ.” ધામેચા સાહેબે પાન મોઢામાં નાખતા કહ્યું.
“તમારા નોકર રઘુનો છોકરો પપ્પુ મારે જોવે છે.”
રઘુ ભૈરવ સામે જોઈ રહ્યો, રઘુ માટે તો આ સ્વપ્ન સમાન હતું. ચાર ચાર દીકરાના પાલન પોષણમાં એમ પણ એને ફાંફાં પડતાં હતાં.
“સમ્રાટ, લઈ જાવ.. આ મારાથી પણ વધુ લાયક છે, તમે કહેશો એ કામ કરશે, રાત દિવસ તમારી સેવા કરશે.” રઘુ રઘવાયો થયો.
“રઘુ, તો આજથી પપ્પુ જાદુગર સમ્રાટ ભૈરવનાથને ત્યાં કામ કરશે.” ધામેચા સાહેબે જાહેર કર્યું.
પપ્પુ માત્ર બાર વર્ષનો, એને કશું ખબર પડે નહીં. મૂંગા મોઢે એ ભૈરવ સાથે રવાના થયો. પપ્પુને મનમાં એમ જ હતું કે ઘરના કામ કરવાના છે, રસોઈ, કચરા પોતા, બહારના નાના મોટા કામ પણ ભૈરવે તો ઊલટું કર્યું, એને એક નિશાળમાં દાખલ કર્યો, ભણવા મૂક્યો. પપ્પુ ભણતો જાય અને સાથે નાનું મોટું ઘરનું કામ કરતો જાય. ભૈરવ અમુક જાદુના ખેલ શીખવવાનું કહે ત્યારે એ હોંશે હોંશે બેસી જતો પણ અબુધ બાળક એ ખેલ શીખવાને જગ્યાએ એ જોવામાં જ મશગુલ બની જાય.
સમય આગળ વધતો ગયો અને પપ્પુ કોમર્સમાં ગ્રેજ્યુએટ થયો. ભણવામાં સામાન્ય હતો પણ એક સમયે અભણ રહેવાનો હતો એની જગ્યાએ આજે એ ગ્રેજ્યુએટ છે. આ બધા વિચારોમાં સ્મશાન આવી ગયું, લાકડા ગોઠવાય ગયા.
“બેટા, એ મટકી અહિયાં ફોડ અને પછી આ દિવંગત શરીરને અગ્નિદાહ આપી મોક્ષ આપ.” એક સંબંધીએ અચેતન પપ્પુને કહ્યું.
પપ્પુએ ભારે હ્રદયે અગ્નિદાહ આપ્યો. એક આંસુ પણ સાર્યો નહોતો. એ દિવંગત શરીર તો પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું. પપ્પુને જરા પણ ઈચ્છા નહોતી ઘરે જવાની. એ ભૈરવે આપેલું પુસ્તક નાના બાળકને જેમ કમરમાં તેડી રાખે એમ રાખીને ત્યાં જ બેસી ગયો.
“જય ભૈરવનાથ.” પપ્પુએ હુંકારો કર્યો અને પુસ્તકનું પેલું પન્નું ઉલટાવ્યું.
પન્નુ ઉલટાવતા જ સ્મશાનમાં જોરદાર પવન ફૂંકાયો, પુસ્તકના પન્ના આમથી આમ ઉડવા લાગ્યા. પપ્પુ એ પુસ્તકને લઈ એક છાપરા નીચે જતો રહ્યો.
પુસ્તકના પહેલા પન્નામાં એક લાઇન લખેલી હતી,
“Truth is stranger than fiction.” – Mark Twain.
“સત્ય એ કલ્પના કરતાં વધુ વિચિત્ર હોય શકે!” – માર્ક ટ્વેન.
પપ્પુને કશું સમજાયું નહીં. એ વિચારમાં પડી ગયો કે પુસ્તકના પહેલા જ પન્નામાં આવી લાઇન! આ પુસ્તકમાં ખરેખર છે શું? કોઈ કલ્પના કે હકીકત. શું કોઈ જાદુ વિશેની વાત છે? શું પપ્પુ ભૈરવનો વારસદાર બનવાનો છે? પપ્પુએ એ આગળ પુસ્તક વાંચવાનું શરૂ કર્યું..
~ સુનિલ ગોહિલ “માસ્તર”