PMએ કહ્યુ હતું કે, ભારતથી હજારો કિલોમીટર દૂર કેટલાય મહાસાગરો, મહાદ્વીપોની પેલે પાર એક દેશ છે. જેનું નામ છે, ચીલી. Chile ભારતથી ચીલી પહોંચતા ઘણો વધારે સમય લાગે છે. પરંતુ ભારતીય સંસ્કૃતિની ફોરમ ત્યાં ઘણા સમય પહેલાંથી જ પ્રસરેલી છે. વધુ એક ખાસ વાત એ છે કે, ત્યાં યોગ બહુ વધારે લોકપ્રિય છે. તમને એ જાણીને સારું લાગશે કે, ચીલીની રાજધાની સાન્ટીયાગોમાં 30થી વધારે યોગ વિદ્યાલય છે. ચીલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. મને જણાવવામાં આવ્યું છે કે, ત્યાંના House of Deputies માં યોગ દિવસને લઇને ખૂબ જ ઉષ્માભર્યું વાતાવરણ હોય છે. કોરોનાના આ સમયમાં રોગપ્રતિકાર શક્તિ પર ભાર અને રોગપ્રતિકાર શક્તિ વધારવામાં યોગની તાકાતને જોઇને હવે તે લોકો યોગને પહેલાં કરતાં ઘણું વધારે મહત્ત્વ આપી રહ્યા છે.
ચીલીની કોંગ્રેસ એટલે કે ત્યાંની સંસદે એક પ્રસ્તાવ પસાર કર્યો છે. ત્યાં ચાર નવેંબરે રાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. હવે તમે એ વિચારી શકો છો કે આખરે 4 નવેમ્બરમાં એવું શું છે? 4 નવેંબર, 1962ના દિવસે હોજે રાફાલ એસ્ટ્રાડા દ્વારા ચીલીની પહેલી યોગ સંસ્થા સ્થાપવામાં આવી હતી. તે દિવસને રાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરીને એસ્ટ્રાડાજીને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ચીલીની સંસદ દ્વારા અપાયેલું એક વિશેષ સન્માન છે. જેના પર દરેક ભારતીયને ગર્વ છે. આમ તો, ચીલીની સંસદ સાથે જોડાયેલી વધુ એક વાત પણ તમને રસપ્રદ લાગશે. ચીલીની સંસદના ઉપરાષ્ટ્રપતિનું નામ રબિન્દ્રનાથ ક્વિન્ટેરોસ છે. તેમનું આ નામ વિશ્વકવિ ગુરૂદેવ ટાગોરથી પ્રેરિત થઇને રાખવામાં આવ્યું છે.
VR Niti Sejpal