આવો આજે દેવઊઠી અગિયારસ નિમિત્તે એકાદશીનું વિજ્ઞાન સમજીએ
શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
સનાતન હિન્દુધર્મમાં એકાદશીનું અનેરૂ મહત્વ છે. ઊંડી વૈજ્ઞાનિક સમજણ ધરાવતા હિન્દુધર્મમાં અગિયારસને જો આટલું વિશેષ મહત્વ અપાયું હોય તો એક વાત તો નક્કી જ છે કે તેની વૈજ્ઞાનિક અગત્યતા અવશ્ય હોવી જોઈએ કેમકે હિન્દુધર્મના કોઈપણ વિધિ-વિધાન, ક્રિયાઓ કે તહેવારો વૈજ્ઞાનિક સમજણ વગરના છે જ નહીં. શાસ્ત્રો અનુસાર અતિ ફળદાયી અને પુણ્યદાયી તિથી જો કોઈ હોય તો તે એકાદશી છે. દરેક વ્રતમાં સર્વશ્રેષ્ઠ વ્રત એકાદશીને ગણવામાં આવ્યું છે. લાખો ગાયોના દાન કરતાં પણ વધુ પુણ્યશાળી એકાદશી મનાય છે. યજ્ઞ-દાન-જપ-તપ કરતા અનેકગણી વધુ ફળદાયી એકાદશીને માનવામાં આવી છે. એકાદશીને પૌરાણિક, ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વના સંદર્ભમાં સમજવી જોઈએ. શાસ્ત્રોમાં એકાદશીનું મહત્વ પૌરાણિક દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સરળતાથી મળી રહે છે પરંતુ આજનો આધુનિક યુગ વૈજ્ઞાનિક મહત્વના સંદર્ભમાં જ દરેક બાબતને સમજવા ઈચ્છે છે. જો તેવોને તેનું વૈજ્ઞાનિક મહત્વ ન સમજાય તો આધુનિક યુવાપેઢી અતિ મહત્વની ધાર્મિક ક્રિયાઓમાંથી રસ અને વિશ્વાસ ગુમાવી દે છે. એ દૃષ્ટિએ એકાદશીના મહાત્મ્યને આધુનિક યુગમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સમજવું અનિવાર્ય બને છે.
વર્ષમાં કુલ ૨૬ એકાદશી આવે છે. વર્ષના મહિના બાર અને દર મહિને બે એકાદશી એટલે વાર્ષિક કુલ ચોવીસ એકાદશીઓ ઉપરાંત અધિક માસની બે વધારાની એકાદશી આ રીતે કુલ છવ્વીસ એકાદશી તેના નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે. જેમ કે
૧) કારતકસુદ એકાદશીને પ્રબોધિની એકાદશી કહે છે – પ્રબોધ એટલે જાગૃતિ. મોહરૂપી સુષુપ્તિમાંથી જે અમૃતમયી જાગૃતિ તરફ લઇ જાય તેને પ્રબોધિની એકાદશી કહેવાય.
૨) કારતકવદ એકાદશીને ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે કેમ કે તે પુણ્યને ઉત્પન્ન કરતી એકાદશી છે.
૩) માગશરસુદ અગિયારસને મોક્ષદા એકાદશી કહે છે જે નામ પ્રમાણે મોક્ષદાયક છે.
૪) માગશરવદ અગિયારસને સફલા એકાદશી કહે છે કેમ કે તે દરેક પ્રકારની સફળતા બક્ષે છે.
૫) પોષસુદ અગિયારસને પુત્રદા એકાદશી કહે છે કેમ કે તે પુત્રપ્રાપ્તિ અને સંતાનસુખ આપનાર છે.
૬) પોષવદ અગિયારસને ષટતિલા એકાદશી કહે છે. “ષટ” સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે છ અને તિલા જે તલની વાત કરે છે. આમ આ એકાદશી તલના છ પ્રકારના ઉપયોગ અને તેના મહત્વને દર્શાવે છે. જે ઉતરાયણના તહેવારની આસપાસ આવે છે જયારે તલના ઉપયોગનું અનેરું વૈજ્ઞાનિક મહત્વ પણ છે.
૭) મહાસુદ અગિયારસને જયા એકાદશી કહે છે જે નામ પ્રમાણે વ્યક્તિનો તમામ ક્ષેત્રે જય કરાવે છે.
૮) મહાવદ અગિયારસને વિજયા એકાદશી કહે છે કેમ કે તે ઈચ્છિત ક્ષેત્રે વિજયને આપનાર છે.
૯) ફાગણસુદ અગિયારસને આમલકી એકાદશી કહે છે કેમ કે રાજા ચિત્રરથે આમળાના ઝાડ નીચે બેસી પૂજન કરેલું અને આમળાના ઝાડની પણ પૂજા કરેલી જેને સર્વસિદ્ધિ પ્રાપ્ત થયેલી.
૧૦) ફાગણવદ અગિયારસને પાપમોચિની એકાદશી કહે નામ પરથી જ ખબર પડે છે કે તે દરેક પ્રકારના પાપનું મોચન કરે છે.
૧૧) ચૈત્રસુદ અગિયારસને કામદા એકાદશી કહે છે જે મનુષ્યની સર્વ કામનાઓ પૂર્ણ કરનાર છે. તેમ જ જીવને કામપાશમાંથી મુક્ત કરવાની તાકાત ધરાવે છે.
૧૨) ચૈત્રવદ અગિયારસને વરુથિની એકાદશી કહે છે જે સૌભાગ્ય પ્રદાન કરનાર છે.
૧૩) વૈશાખસુદ અગિયારસને મોહિની એકાદશી કહે છે જે મોહજંજાળમાંથી છૂટકારો આપાવે છે.
૧૪) વૈશાખવદ અગિયારસને અપરા એકાદશી કહે છે જે અપાર ખુશી આપનાર છે.
૧૫) જેઠસુદ અગિયારસને નિર્જળા એકાદશી કે ભીમ અગિયારસ કહે છે કેમ કે તે દિવસે ભીમે ઉપવાસ કરેલો અને તે પણ નિર્જલા.
૧૬) જેઠવદ અગિયારસને યોગિની એકાદશી કહે છે જે યોગ અને યોગી જેવી શક્તિ પ્રદાન કરે છે તેમ જ પરમાત્માના વિયોગને દૂર કરી તેમની સાથે યોગ કરાવે છે.
૧૭) અષાઢસુદ અગિયારસને દેવશયની એકાદશી કહે છે જે સિદ્ધિદાત્રી છે. જે દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર શયન માટે પ્રયાણ કરે છે જેથી તેને દેવશયની એકાદશી કહે છે.
૧૮) અષાઢવદ અગિયારસને કામિકા એકાદશી કહે છે જે દરેક કામના પૂર્ણ કરનાર છે.
૧૯) શ્રાવણસુદ અગિયારસને પુત્રદા એકાદશી જે પુત્રસુખ આપનાર છે.
૨૦) શ્રાવણવદ અગિયારસ એટલે અજા એકાદશી જે અનંત પાપોનો નાશ કરનાર છે. આ એકાદશીની અન્નદા એકાદશી પણ કહે છે કેમ કે તેના વ્રતથી અન્નકોઠાર સદા ભરેલા રહે છે.
૨૧) ભાદરવાસુદ અગિયારસને વામન એકાદશી કહે છે કેમ કે ભગવાનના વામન અવતાર સાથે તે સંબંધ ધરાવે છે.
૨૨) ભાદરવાવદ અગિયારસને ઈન્દિરા એકાદશી કહે છે જે પિતૃપક્ષમાં આવે છે અને પિતૃઓની મુક્તિ માટે ઉત્તમ છે તેમ જ પિતૃકષ્ટમાંથી મનુષ્યને મુક્ત કરે છે.
૨૩) આસોસુદ અગિયારસને પાશાકુંશા એકાદશી તમામ પાપોનો નાશ કરી યમપાશમાથી મુક્તિ અપાવે છે.
૨૪) આસોવદ અગિયારસને રમા એકાદશી કહે છે. રમા એકાદશી ભગવાન વિષ્ણુની પ્રિય એકાદશી છે કેમ કે માતા લક્ષ્મીનું એક નામ રમા છે. આ દિવસે વ્રત કરનારે વિષ્ણુભગવાનનું પૂજન તુલસીદલથી કરવાનું સૂચવાયું છે.
૨૫) અધિકસુદ અગિયારસને કમલા કે પદ્મિની એકાદશી કહે છે જે પદ્મ કે કમળ જેવી ગુણવત્તા (અલિપ્તતા અને સ્થિતપ્રજ્ઞતા) બક્ષે છે કલિયુગરૂપી કીચડમાં રહીને પણ મનુષ્ય કમળની જેમ ખીલી શકે છે, સારાઈ અને સુંગંધ ફેલાવી શકે છે એવો બોધપાઠ આપે છે.
૨૬) અધિકવદ અગિયારસને પરમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, નામ પ્રમાણે જ પરમ એટલે દિવ્ય, આમ તે દિવ્યતા પ્રદાન કરે છે.
કોઇ વ્યક્તિના ગુણ જાણવા પ્રથમ તેને નામથી જાણવી પડે દા.ત. શિલ્પા શાહ કેવી છે, તેનામાં શું ક્વોલીટી છે, તેની શું ખાસિયત છે એ તો ત્યારે જ સમજાય જ્યારે પહેલા શિલ્પા કોણ છે તે નામથી પરિચિત થઈએ. આમ ગુણોથી પરિચિત થતા પહેલા નામથી પરિચિત થવું અનિવાર્ય છે. પછી ધીરે-ધીરે પરિચય વધતા ગુણ અંગે માહિતગાર થઇ શકાય, એ જ રીતે દરેક એકાદશીના ગુણ જાણવા પ્રથમ તેને નામથી ઓળખવી પડે. ધીરે-ધીરે સમજણ ઊભી કરી નામ અનુસાર ગુણપ્રાપ્તિ શક્ય બને. દરેક અગિયારસ તેના નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે જે ગુણપ્રાપ્તિ મનુષ્યજીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.
એકાદશી નામ પરથી જ સમજાય છે એક અને દસ એમ અગિયારની વાત છે, મનુષ્યની દસ ઇન્દ્રિયો અને એક મન એમ કુલ 11 ને સંયમમાં રાખવા એકાદશીના વ્રતનું મહત્વ છે. એકાદશીના દિવસે પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન દ્વારા યથાર્થ સંયમ થાય ત્યારે એકાદશી સફળ થઈ કહેવાય. વળી દર પંદર દિવસે જો આ અંગેનો અભ્યાસ નિયમિત થતો રહે (અગિયાર બાબતોને સંયમમાં રાખવાનો અભ્યાસ નિયમિત બને) તો તે મનમાં ઠસી જાય અને દુઃખમુક્તિ સરળ બને. ઈન્દ્રિયોને મનના વિષયોમાંથી વાળી, પોતાનું મનગમતું છોડી પ્રભુને ગમતું કરતા રહેવું એ જ એકાદશીનું મહાત્મ્ય. એકાદશી જીવનપર્યંત કરવાની હોય કેમ કે મનુષ્યજીવનમાં સંયમની જરૂરિયાત સતત અવિરત રહેતી હોય છે.
અગિયારસમાં ઉપવાસનું ખૂબ મહત્વ છે જે ત્રણ રીતે થઈ શકે ૧) નિર્જળા – જેમાં પાણી પણ પીવાની છૂટ નથી ૨) નકોડી કે જેમાં માત્ર પાણી પીવાની છૂટ છે પરંતુ ભોજન કે ફરાળ લઇ શકાતું નથી ૩) ફરાળી એકાદશી – જેમાં માત્ર દૂધ અને ફળફળાદી લેવાની છૂટ હોય છે. શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે અન્ન ગ્રહણ કરવું એ માંસ ખાવા બરાબર છે. કમ સે કમ અગિયારસના દિવસે અનાજ ન ખાવું અને ચોખાનો સદંતર ત્યાગ કરવાનું ભાગવત પુરાણ જણાવે છે. તે દિવસે ચોખાનો એક-એક દાણો એકએક ઈયળ ખાવા બરાબર છે એવું શાસ્ત્રોનું વિધાન છે. ઉપવાસ વાસ્તવમાં અતિ વૈજ્ઞાનિક ક્રિયા છે જે પ્રાચીન ઋષિમુનીયોએ ધર્મના નામે સૂચવી છે. વિજ્ઞાન સ્વીકારે છે કે જયારે શરીરમાં ખોરાક જતો નથી ત્યારે શરીરમાં રહેલા પાચકરસો ભોજન ન મળતા અન્ય વિષદ્રવ્યો અને ન પચેલા કચરાને સાફ કરે છે અને આપણે જાણીએ છીએ કે ના પચેલા ખોરાકમાંથી પેદા થતા વિષદ્રવ્યો (toxin) જ તમામ રોગોનુ મૂળ છે. આમ તંદુરસ્ત જીવવા તેમ જ તમામ રોગોથી મુક્તિ મેળવવા ઉપવાસ કરવા જરૂરી છે. અમેરિકાની ‘Institute of aging’ એ સાબિત કર્યું છે કે ઉપવાસ એક જાતની કસરતની ગરજ સારે છે.
ઉપવાસથી રુધિરાભિસરણ સુધરે છે,શરીરમાં ઉર્જાની બચત થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. હિંદુધર્મમાં અગિયારસ, પૂનમ, અમાસ વગેરે દિવસે ઉપવાસ કે એકટાણું કરવાની એટલે કે ઓછું ખાવાની સલાહ અપાય છે. આની પાછળ એક બીજું વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે આ દિવસોમાં પૃથ્વીથી સૂર્ય અને ચંદ્રની સ્થિતિ એવી બને છે કે જેની મહતમ અસર પાણી પર થાય છે અને મનુષ્ય શરીર ૭૦% પાણીથી બનેલું છે જેથી તેના પર સવિશેષ અસર જોવા મળે છે અને ઉપવાસ ઉપયોગી સાબિત થાય છે. ચોક્કસ તિથીઓમાં મગજ સૂર્ય ચંદ્રની વિશેષ સ્થિતિને કારણે લગભગ મદહોશ જેવું બને છે જેથી આવા દિવસોમાં કરેલું ભોજન રોગને નિમંત્રણ આપે છે. શિકાગોની ઈલીનોઈ યુની.ના વૈજ્ઞાનિક ડો.શલ્ફ મોરીસને તેમની બુક “Impact of moon on human being” માં લખ્યું છે કે પૂર્ણ ચંદ્ર એટલે પૂનમ મનુષ્યની શારીરિક અને માનસિક વેદના વધારવાનું કામ કરે છે. પૂનમ વ્યક્તિના BP, heart beats વધારે છે. વળી metabolism ફાસ્ટ કરે છે. મગજના રોગો વધારે છે. સ્વીડનના વૈજ્ઞાનિક સેન્ટી અરહેનીસે નોધ્યું છે કે અમાસને દિવસે સૂર્ય અને ચંદ્ર શૂન્ય ડીગ્રી પર હોય છે ત્યારે ફીટ આવવી, પાગલપન, મનના રોગો અને ચામડીના રોગો વધે છે અને જયારે સૂર્ય ચંદ્ર ૧૮૦ અંશ પર હોય ત્યારે પણ આ જ અસર થાય છે. આઠમથી પૂનમ કે અમાસ સુધીની પરિસ્થિતિ ચંદ્રની ખરાબ સ્થિતિ દર્શાવે છે જેની માનવીના તન અને મન પર વિશેષ અસર થાય છે. જે રોકવા માટે ઉપવાસનુ સૂચન છે.
એકાદશીના દિવસે જાગરણનો પણ મહિમા છે. જાગરણ કરવાની ધર્મની સલાહ પણ ખૂબ વૈજ્ઞાનિક છે. જેમ રાત્રે ખાંસી આવે તો આપણે સૂતેલા બેઠા થઈ જઈએ તો રાહત થાય છે કારણ કે છાતીમાં કફ મિશ્રિત વાયુ ગુરૂત્વાકર્ષણના કારણે નીચે ધકેલાય છે તેવી જ રીતે એકાદ રાત્રિનું જાગરણ આ જ કામ કરે છે. વળી કોઈ પણ તપ કે વ્રતમાં દાન-યજ્ઞ-પરોપકાર અનિવાર્ય છે કેમકે તે દ્વારા જ સમગ્ર સૃષ્ટિ સામ્યાવસ્થા પ્રાપ્ત કરે છે. જન્મ સાથે જ આપણે ત્રણ બાબતો સાથે સંકળાઈ જઈએ છીએ. શરીર, સૃષ્ટિ અને સંબંધો. આ ત્રણેનો આપણે રોજ ઉપભોગ કરીએ છીએ, તેમને ઘસારો પહોંચાડીએ છીએ, ત્રણેનું શોષણ કરીએ છીએ અને બદલામાં કશું જ આપતા નથી, માત્ર ખતમ જ કરીએ છીએ. જેનો ઈશ્વરના કાયદા અન્વયે આપણને અધિકાર નથી. ઈશ્વરના આદેશનો જયારે અનાદર થાય ત્યારે તેના ફળ ભોગવવા પડે છે અને ભોગવટા રૂપે જ આપણે રોગો, અશક્ત શરીર, સંબંધીઓ સાથે કડવાશ, પ્રકૃતિનો પ્રકોપ સહન કરીએ છીએ. આ ત્રણે તરફનું આપણું દેવું દિનપ્રતિદિન વધતું જ જાય છે. ધર્મમાં યજ્ઞ, દાન અને તપ જેવી વ્યવસ્થા આ દેવું ચૂકવવા માટેની જ વ્યવસ્થા છે. તપથી શરીરનું દેવું ચૂકવાય છે, દાનથી સમાજ અને સંબંધોનું જયારે યજ્ઞ અને પરોપકારથી સૃષ્ટીનું દેવું ચૂકવાય છે. આમ એકાદશીના દિવસે અપાતી ઉપવાસ, જાગરણ, તપ, દાન, યજ્ઞ, પરોપકારની સલાહ ખૂબ વૈજ્ઞાનિક છે જેમાં સર્વનું કલ્યાણ સમાયેલું છે.
એકાદશીના ઉદભવની કથા બ્રહ્મપુરાણ અને પદ્મપુરાણ અનુસાર આ પ્રમાણે છે. ચંદ્રાવતી નગરીના અસુર રાજાનો દીકરો મૂર જયારે રાજા બને છે ત્યારે મૃત્યુ પર વિજય મેળવવાની ઈચ્છાથી તપ શરૂ કરે છે અને તેના તપથી ખુશ થઇ બ્રહ્માજી તેને ઈચ્છિત વરદાન આપે છે કે સ્ત્રી અને પુરુષ દ્વારા ઉત્પન્ન થયેલ કોઈ દ્વારા તે મરી શકે નહીં. અસુર રાજા મૂરની સમજ એવી હતી કે અસ્તિત્વનું કોઇપણ તત્વ સ્ત્રી અને પુરુષ દ્વારા ઉત્પન્ન થયેલું જ હોય અને આવા વરદાન સાથે એ નક્કી છે કે હવે મને કોઈ મારી શકે નહિ. બ્રહ્મા પાસે આવા આશીર્વાદ મેળવ્યા બાદ 5000 વર્ષ સુધી રાજા મૂર દેવો સાથે લડ્યો અને અંતે થાકી પ્રભુ રણ છોડી હિમાલયની ગુફામાં ગયા. જ્યાં અસુરરાજા મૂર તેમની પાછળ પાછળ ગયો પ્રભુ ત્યાં સૂઈ ગયા, જે સમયે મૂર ભગવાનને મારવા ગયો ત્યારે પ્રભુમાંથી એક દિવ્ય સ્વરૂપ ધરાવતી કન્યા ઉત્પન્ન થઈ અને એ કન્યા દ્વારા અસુરરાજા મૂરનો નાશ થયો. જે કન્યા એકાદશીના નામે ઓળખાઈ. જેને ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું કે તારું નામ લેનાર અને વ્રત કરનારનું કલ્યાણ થશે અને તે વૈકુંઠ પામશે.
વિશ્રાંતિ અને પ્રવૃત્તિની ઘટમાળ જીવનમાં નિરંતર ચાલ્યા જ કરે છે. મોહનિંદ્રાની સુષુપ્તિમાંથી ચેતનાભરી જાગૃતિ તરફ જવાની યાત્રા એટલે અગિયારસ. જપ-તપ-વ્રત-નિયમ-સંયમ-સત્સંગ-યજ્ઞ-ભક્તિ, સત્કર્મ, પરોપકાર, પવિત્રતા જેવા અગિયાર પ્રભુના ગમતા કાર્યો સતત કરતાં રહેવાનો અભ્યાસ એટલે અગિયારસ. ઈશ્વર જોવે કે ના જોવે (કેમકે વર્ષમાં ચાર મહિના પ્રભુ શયન કરે છે જેને ચતુર્માસ કહે છે દેવપોઢી અગિયારસથી દેવઉઠી અગિયારસ સુધી) તેમના ગમતા કાર્યો અવિરત થવા જોઈએ. આ દ્વારા મનુષ્યોને બોધ મળે છે કે વ્યાવસાયિક જીવનમાં પણ આપણા માલિક-ઉપરીઓફિસર-બોસ ઊંઘી ગયા હોય, ફરજના સ્થળ પર હાજર હોય કે ન હોય આપણે આપણું કર્તવ્ય અને ફરજો ભૂલવા જોઈએ નહીં.
તો આવો આજના દેવઊઠી અગિયારસ જેવા પવિત્ર દિને એકાદશીના ઊંડા વિજ્ઞાનને વ્યાવહારિક દ્રષ્ટિએ સમજી, આચરણમાં મૂકી જીવનને સ્વસ્થ અને ધન્ય કરીએ.
~ શિલ્પા શાહ,
ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ