આવડતથી ઉગરી ગયા, જગતમાં દાખલા છે એવા અનેક,
અન આવડતે પછાડીયા, માણસ હતા ખૂબ નેક.
નજરે નિહાળ્યા રોળાય જતા, અમે લખપતી અનેક,
કંઇક લોકો જીવી ગયા,સિદ્ધાંત આવડત એક
આવડત આમ જોવા જઇએ તો એક પ્રકારની કલા અને સુદ્રઢ વિચારસરણી છે,જે ઘણા લોકોમાં વિશેષ હોય છે અને ઘણા લોકોમાં આવડતનો અભાવ ( અન આવડત )પણ જોવા મળે છે.
ઓછો અભ્યાસ, કોઇપણ પ્રકારની ડિગ્રી કે હોદ્દા વિના પણ જે લોકોમાં આવડત ભરપૂર છે એ વ્યક્તિ દરેકના હૃદયમાં સ્થાન ધરાવતા હોય છે.
નવા સબંધો કેળવવાની આવડત, હળીમળીને રહેવાની આવડત, સબન્ધો જીવન પર્યન્ત ખૂબ જ સારી રીતે જાળવી રાખી નિભાવવાની આવડત,એ વ્યક્તિ વિશેષ તરીકે જીવી જતા હોય છે, જે ખરેખર આવડતનો એક ભાગ છે.
બિલકુલ અભણ અને આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતા સાહસ, મહેનત ની સાથે આવડતનો સુમેળ થાય તો રોજગાર, વ્યવસાય અને ઉધોગ માં હરણફાળ પ્રગતિ કરી ટોચના સ્થાન પહોંચેલા લોકોનુ લિસ્ટ કરવા જઇએ તો ઘણુ લાંબુ બની શકે.
વિરોધાભાસ તરીકે જોઇએ તો હામ, દામ, ઠામ અને વ્યક્તિ તરીકે સારા બધુ જ હોવા છતા જે લોકોમાં આવડતનો અભાવ (અન આવડત ) હોય તો સમાજ, વ્યવસાય અને વહેવારમાં પછડાટ મળતી હોવાના પણ બનાવો જોવા મળતા હોય છે.
ટૂંકમાં કહીએ તો આવડત અને અન આવડત એ માનવ જીવનમાં ચડાવ ઉતાર માં ક્યાંકને ક્યાંક મહદઅંશે ભાગ ભજવતા હોવાનુ આપણને ઘણીવાર જોવા મળતુ હોય છે.
રાજેશભાઇ એસ વ્યાસ ” રાજ ”