“એય છોકરા તારું નામ શું છે? અને આ અર્ધી રાત્રે કેમ મારા ઘર પાસે, શું શોધી રહ્યો છે? ચોરી કરવા આવ્યો છે કે શું?” મે એક થિગડા મારેલ કપડાં પહેરેલા છોકરાને પૂછ્યું.
“મારુ નામ મલિક છે, હું કચરો વિણવાનું કામ કરું છું, ઘણીવાર અહી આજુબાજુમાં કાઈક ખાવાનું અને ઓઢવાનું મળી રહેતું એટલે આવ્યો છું.” કડકડતી ઠંડીમાં ધ્રૂજતો અને ઠરી ગયેલો મલિક બોલ્યો.
“કેમ આ ઉમરમાં તું આવું કામ કરે છે? તારે ભણવાનું કે એવું કાઇ નથી હોતું?”
“શું મજાક કરો છો સાહેબ, મારી જેવા છોકરાને કોણ ભણાવે? ઉમર જેવું કાઇ અમારે કયા હોવાનું સાહેબ? અમે તો જનમીએ કે તરત હાથ પગ તોડાવી નાખે ભીખ મંગાવા માટે. આ તો મારી મા સારી નિકળી સાહેબ કે મને બચાવીને ભાગી ગઈ બાકી આજે હું પણ તમને અપંગ કાઈક સિગ્નલ પર ભીખ માંગતો દેખાતો હોત.”
ખબર નહીં કેમ હું અર્ધી રાત્રે મલિક સાથે વાતુ કરવા લાગ્યો હતો, પણ એની વાતોમાં મને એક અજીબ જ આપણુંપણુ દેખાયું.
“તારા મા બાપ શું કરે? તમે અહિયાના જ છો કે બીજા દેશના?”
“બાપને તો સાહેબ દારૂ લઈ ગયો, અને મા ને હૈજાની બિમારી ખાઈ ગઈ. અમે મૂળ બાંગલાંદેશના રોહીનગ્યા મુસ્લમાન, ઢાકામાં અમારે ઘર જમીન બધુ હતું પણ ત્યાં પૂરને એ બધુ ખૂબ આવે એટલે હવે અમે આખા ભારતમાં જ્યાં આમને ઠીક લાગે એમ રઈએ.”
“આવી કડકડતી ઠંડીમાં તમને કોઈ કાઇ પહેરવાનું કે ઓઢવાનું નથી આપી જતાં? દાન નથી કરતાં?”
“અમે સાહેબ ના તો આ દેશના, એમાં હું તો મા બાપ વગરનો. આવે ને અમુક નેતા ને મોટા માણસો થોડીવાર માટે પોતાની સહાનુભૂતિ દર્શાવે, શાલ, કપડાં, ધાબળા આપે એક બે ફોટા પડાવે ને પછી આશ્વાશન આપે કે ગમે ત્યારે જરૂર પડે કહેજો પણ એ ગમે ત્યારે એ લોકોનું આજ સુધી અમને મળ્યું નથી. આ થિગડા મારેલો શર્ટ છે ને સાહેબ એ ગયા વર્ષે એક નેતા એ આપેલો આજ સુધી ચલાવું છે કારણ કે એ જ મારી કિસ્મત છે.”
“તું એટલો સમજદાર છે, સારું બોલે છે, દુનિયાદારી સમજે છે તો આવું કચરા વિણવાનું કામ બંધ કરી કાઈક કામ ધંધો કર ને.”
“ખૂબ કોશિશ કરી સાહેબ પણ જ્યાં નોકરી માંગવા જાવ ત્યાં બધા જ લોકો મને ચોરની નજરથી પહેલા જોવે, આ માણસ છે સાહેબ મારા કપડાં અને મોઢા પરથી ચરિત્ર નક્કી કરે.”
મને જરાક મારા પર પણ શરમ આવી કે મે પણ મલિકને જોતાં એને ચોર જ કહેલો ને. મલિક મારુ મન સમજી ગયો એણે કહ્યું,
“તમે ગ્લાનિ ના અનુભવો સાહેબ, તમે નહીં દરેક એવું જ વિચારે.”
“મારે તારા માટે કાઈક કરવું છે, શું હું તારી કાઇ મદદ કરી શકું?”
“હાલ તો બે દિવસ નો ભૂખ્યો છું જો કાઈક ખાવાનું હોય તો આપજો અને ઠંડીમાં અંદર બધુ લોહી જામ થઈ ગયું છે, આપની પરવાનગી હોય તો અહી તાપણું કરી શકું?”
“હા હા લે હું બાકસ ને એ આપું ને તારા માટે જમવાનું લઈ આવું.”
મલિક એ તાપણું તાપ્યું અને બેઠો બેઠો ત્યાં રોડ પર મે આપેલું જમતો તો.
“પેટ ભરાયું?”
“હા અને મન પણ ભરાઈ ગયું સાહેબ.”
“કેમ મન?”
“તમે આટલા મનથી મને જમાંડ્યું, મારી સાથે બેઠા વાતો કરી તો પેટ સાથે મનની ભૂખ પણ શાંત થઈ ગઈ.”
“તો કાલથી રોજ આવી જા જે આપણે રોજ વાતો કરશું.”
“અરે ના ના તમે મોટા સાહેબ છો, મારી જેવા સાથે તમને કોઈક જોઈ જશે તો તમારી આબરૂ જશે.”
“એમ એવું છે?”
“હા હકીકત છે સાહેબ,”
“સારું એક કામ કરે કાલે સવારે ૧૦ વાગે અહીં આવી જા જે, કાલે આપણે તારી પણ આબરૂ બનાવી લઈએ.”
“સારું સાહેબ, આવજો.”
બીજા દિવસે સવારે બરોબર ૧૦ ના ટકોરે મલિક બહાર ઊભો હતો, એ જ નાદાની અને માસુમિયત ચહેરા પર, મે એને મારી કારમાં બેસાડયો અને ગાડી લઈ ગયો સીધી સરકારી દત્તક કાર્યાલયમાં.
“સાહેબ, આ કયા આવ્યા?”
“તારી આબરૂ બનાવવા.”
“મને કાઇ સમજાતું નથી.”
“હમણાં બધુ જ સમજાઈ જશે.”
મેજિસ્ટ્રેટ સાહેબ આવ્યા મે એમણે બધી વિગતે વાત કરી અને મારા અને મલિકના બધા પુરાવા આપ્યા. થોડી જ વારમાં મલિકને અંદર બોલાવ્યો અને એને પૂછ્યું,
“તને ગોહિલ સાહેબ દત્તક લેવા માંગે છે? શું તું એને પિતા તરીકે સ્વીકારીશ?”
મલિક મારી સામે જોઈ જ રહ્યો અને તેની આંખોમાં એક નવી આબરૂ મળી એની ખુશી જલક્તી હતી. ત્યાં ઓફિસમાં રહેલા દરેકની આંખોના ખૂણા ભીના થયાં.
મે અને મલિકે અમારી નવી આબરૂ સાથે સમાજમાં ગૃહ પ્રવેશ કર્યો.
સુનિલ ગોહિલ “માસ્તર”
Related