પ્રતિક્ષણ કોઈ ને કોઈ નિર્ણય આપણે લેતા હોઈએ છીએ. નિર્ણય વગરની એક પણ ક્ષણ મનુષ્યજીવનમાં શક્ય નથી. શું કરું? શું ન કરું? ક્યાં જવું છે, ક્યારે જવું છે, અભ્યાસ કરું કે ન કરું, સાયન્સ ભણું કે કોમર્સ અને આર્ટ્સ, માતા-પિતા સાથે વધુ સમય વિતાવું કે મિત્રો સાથે, દેશમાં કારકિર્દી બનાવું કે વિદેશમાં? લગ્ન કરૂ કે ન કરૂ? કોની સાથે સંબંધ રાખુ અને કોની સાથે નહી? ક્યારે જાગુ ક્યારે ઊંઘવું વગેરે અનેક પ્રકારના નાણા-મોટા નિર્ણય જીવનમાં સતત અવિરત લેવા પડતા હોય છે. મોટાભાગના નિર્ણયો ખૂબ સામાન્ય પ્રકારના હોય છે જે જીવનને વિશેષ પ્રમાણમાં ખલેલ પહોંચાડવા સક્ષમ હોતા નથી અર્થાત જીવનને અસ્તવ્યસ્ત કે છિન્નભિન્ન કરી શકતા નથી પરંતુ નાની મોટી અસર ચોક્કસ કરે છે. પરંતુ કેટલાક નિર્ણયો ખૂબ અગત્યના હોય છે જે જીવનની દિશા નક્કી કરી તેને સફળ કે અસફળ બનાવે છે જેથી ગંભીર નિર્ણયો પ્રતિ કાળજી રાખવી અનિવાર્ય છે. ઓછાવત્તા પ્રમાણમાં નિર્ણય જીવનને અસર સો ટકા કરે છે જેથી નિર્ણયો લેતી વખતે સજાગતા જાગૃતતા આવશ્યક છે. એટલા માટે એ સમજવું પડે કે આપણો નિર્ણય સામાન્ય રીતે કયા ઘટકતત્વોને આધારે લેવાય છે. યુવાચાર્ય મહાપ્રભુજીએ તેમના પુસ્તક “અનેકાંત” માં લખ્યું છે કે તમામ નિર્ણયોના નિર્ણાયક ઘટક-તત્ત્વો માત્ર ચાર છે ૧) દ્રવ્ય ૨) ક્ષેત્ર ૩) કાળ ૪) ભાવ. આ ચાર તત્વોને આધારે જીવનમાં નિર્ણય બદલાતા રહે છે. જે નિર્ણય આ ચારને કારણે ન બદલાય તે નિર્ણય નહીં પરંતુ અનિર્ણય હોય છે. સામાન્ય રીતે મનુષ્ય દ્વારા લેવાતા નિર્ણયો અમુક અપેક્ષા સાથે લેવાતા હોય છે. અપેક્ષા બદલાતા નિર્ણય પણ બદલાય છે. દરેક નિર્ણય વ્યક્તિગત પરિસ્થિતિ અનુસાર યોગ્ય હોય છે. વળી એકનો નિર્ણય બીજા માટે ક્યારેક અયોગ્ય પણ બનતો હોય છે. પરંતુ નિર્ણય પાછળ જવાબદાર કારણ હંમેશા દરેક માટે આ ચાર જ હોય છે.
દ્રવ્યસાપેક્ષ નિર્ણય એટલે કોઈ દ્રવ્ય, વસ્તુ કે પદાર્થના સંદર્ભમાં લેવાયેલો નિર્ણય. કોઈ વ્યક્તિને ગળ્યું ખૂબ ભાવતું હોય તો તેના જીવનમાં કે દૈનિક રૂટિનમાં મીઠાઇ ખાવાનો નિર્ણય કરે પરંતુ ડાયાબિટીસ આવતાં ગળ્યું ન ખાવાનો નિર્ણય કરે. પરિસ્થિતિ સાથે નિર્ણય બદલાયો જે દ્રવ્યના સંદર્ભમાં બદલાયો. આજે પૈસાને પસંદ કરતો માણસ કાલે સંન્યાસી બની ધનસંપત્તિને છોડી શકે. આજે આપણને જે સાચું લાગે છે તે કાલે ખોટું લાગી શકે. પદાર્થની સંરચનામાં જેટલા ઘટકદ્રવ્ય છે તે તેની સ્વતંત્રતા છે. બે વ્યક્તિ એક સરખી હોતી નથી. એક પરમાણુના અસ્તિત્વમાં બીજો પરમાણુ હસ્તક્ષેપ નથી કરતો. એકબીજા પર આક્રમણ પણ નથી કરતો. આમ અસ્તિત્વનું પ્રત્યેક તત્વ સ્વતંત્ર જ છે. આત્માનું અસ્તિત્વ પણ સ્વતંત્ર છે તેમ છતાં દરેક એકબીજાથી ટકેલા છે, એકબીજાને આધીન છે. આ તમામ દ્રવ્યસાપેક્ષ નિર્ણય છે. એ જ રીતે આ સમગ્ર જગત માત્ર એટલું જ નથી જેટલું આપણે જાણીએ છીએ, અતિ વિશાળ છે જેમાં ઘણું ઘણું આપણી ઇન્દ્રિયોની પકડમાં આવતું નથી. આપણે જે ક્ષેત્રમાં હોઈએ તેના આધારે આપણા નિર્ણય ઘડાતા હોય છે. આપણને સૂર્ય ઉગતો અને આથમતો દેખાય છે જેથી આપણા નિર્ણય એ પ્રમાણે રહે છે. ગેલેલિયો નામક વૈજ્ઞાનિકે સંશોધનના અંતે જણાવ્યું કે સૂર્ય તો સ્થિર છે પૃથ્વી ફરે છે, ત્યારે આપણે આપણો ક્ષેત્ર આધારિત લીધેલો નિર્ણય બદલીએ છીએ. ભારતમાં લેવાતો નિર્ણય અમેરિકામાં લેવાતા નિર્ણયથી જુદો હોઈ શકે. જેને ક્ષેત્રસાપેક્ષ નિર્ણય કહેવાય. જે ક્ષેત્રની અપેક્ષાએ બદલાવાની સંભાવના છે. સ્થાન બદલવાની સાથે જે નિર્ણય બદલાય તે ક્ષેત્રસાપેક્ષ નિર્ણય કહેવાય. એવી જ રીતે મનુષ્ય કાળ સાથે જોડાયેલો છે. પદાર્થ પણ કાળ સાથે જોડાયેલો છે. વ્યક્તિ વર્તમાનને ધ્યાને રાખીને નિર્ણય લઈ શકે, ભૂતકાળના અનુભવને આધારે નિર્ણય લઇ શકે અને ભવિષ્યની ચિંતા અને સંભાવનાને આધારે પણ નિર્ણય લઇ શકે. જેને કાળસાપેક્ષ નિર્ણય કહેવાય. જે કાળ સાથે બદલાતા રહે. આજનો મિત્ર કાલનો દુશ્મન બની શકે, જેણે કાળ અનુસાર નિર્ણય બદલાયો કહેવાય. આજે જેને મૂર્ખ આપણે સમજતા હોઈએ તે કાલે વૈજ્ઞાનિક પણ બની શકે જેમ કે આઈન્સ્ટાઈન. બાળપણમાં આઈન્સ્ટાઈનના શિક્ષકે તેને મંદબુદ્ધિ કહેલો, જે તેમનો વર્તમાન પર્યાય અન્વયે નિર્ણય હતો. આજે તેઓ બુદ્ધિશાળી વૈજ્ઞાનિક તરીકે સ્વીકારાયા છે તો તેમના શિક્ષકે પણ તેમનો નિર્ણય બદલવો પડ્યો હશે. આજનો ચોર કાલનો શાહુકાર બની શકે. ભૂતકાળનો વાલિયો લૂંટારો ભવિષ્યનો વાલ્મિકી ઋષિ બની શકે વગેરે કાળસંપેક્ષ નિર્ણય છે.
મનુષ્ય ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળને આધારે સતત નિર્ણય લેતો કે બદલતો રહે છે આમ કાળ એક મહત્વનું ઘટકતત્વ છે, જે નિર્ણય લેવામાં ખૂબ નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને છેલ્લું ચોથું ઘટક છે ભાવઘટક એટલે વ્યક્તિ પોતાની ભાવાવસ્થા પોતાની માનસિક અવસ્થાને આધારે નિર્ણય લે છે જેમ કે કોઈ પ્રિય હોય તો તેમના અંગે તમામ નિર્ણયો હકારાત્મક રહે છે. પોતાના અને પારકા, મિત્ર અને દુશ્મન, ગમતા- અણગમતા, અનુકૂળ-પ્રતિકૂળ, હર્ષ-શોક વગેરે ભાવનાઓને આધારે લેવાતા નિર્ણયોને ભાવસાપેક્ષ નિર્ણય કહેવાય જેમાં મુખ્યત્વે રાગ-દ્વેષની ભૂમિકા વિશેષ જોવા મળે છે. વ્યક્તિગત સ્વાર્થ અનુસાર આ નિર્ણય બદલતા રહે છે. મનુષ્યનું ભાવજગત સતત પરિવર્તનશીલ છે જેથી તેના ભાવસાપેક્ષ નિર્ણયો અવિરત બદલાતા રહે છે. જે જીવનને સુખ કે દુઃખનો અનુભવ કરાવતા રહે છે. પ્રવૃત્તિ અને પરિણામને આધારે વ્યક્તિ પોતાના નિર્ણયો બદલતો રહે છે. આપણી પાસે કોઈએ આપણા પગ માંગ્યા હોય કે હું તને લાખ રૂપિયા આપું તું મને તારા પગ આપી દે તો આપણે સ્પષ્ટ ના પાડી દઈએ કે એ તો કેવી રીતે બને, હું તને મારા પગ આપી દઉં તો મારો જીવનનિર્વાહ કેવી રીતે ચલાવું. પરંતુ કમનસીબે કોઈ અકસ્માતમાં પગ કાપવા પડે તો લાખ રૂપિયા ડોક્ટરને આપીને પણ પગ આપી દેવા પડે. એક પરિસ્થિતિમાં પૈસા લઈને પણ આપણે પગ આપવા તૈયાર ન હતા જ્યારે બીજી પરિસ્થિતિમાં પૈસા ચૂકવીને આપણે ગુમાવવા તૈયાર થઈ ગયા. આ છે અવસ્થાને આધારે લેવાતા ભાવસાપેક્ષ કે માનસિક અવસ્થાને આધારે લેવાતા નિર્ણયો. ટૂંકમાં મનુષ્યના દરેક નિર્ણયોને નક્કી કરતા ચાર નિર્ણાયક પરિબળ છે. કાળ-દ્રવ્ય-ક્ષેત્ર અને ભાવ જેના દ્વારા જ જીવનમાં સતત નિર્ણય લેવાતા રહે છે અને બદલાતા રહે છે.
દુનિયાના કોઈપણ મનુષ્યના નિર્ણય કાયમી સ્થિર હોતા નથી. તે પરિસ્થિતિ, કાળ, ક્ષેત્ર, ભાવના અનુસાર બદલાતા રહે છે. જેથી માત્ર ક્ષણિક નિર્ણયને આધારે કોઈ વ્યક્તિને જજ કરવું યોગ્ય નથી કેમકે લીધેલો નિર્ણય કયા પરિબળો, કેવી પરિસ્થિતિ, કેવા અનુભવ અને કેવી માનસિકતાને આધારે લેવાયો હોય તે આપણે જાણતા નથી. માણસ ક્યારેક સંપૂર્ણ સાચો કે ખોટો હોતો નથી. તેના નિર્ણયો ક્યારેક સાચા તો ક્યારેક ખોટા હોઈ શકે. પરંતુ આપણે નિર્ણયને આધારે વ્યક્તિને સાચો કે ખોટો, યોગ્ય કે અયોગ્ય, સારો કે ખરાબ સાબિત કરતા હોઈએ છીએ અને એ અનુસાર અવિરત ઘર્ષણ સંઘર્ષ જેવી પ્રતિકૂળતાનું સર્જન કરી જીવનને મુશ્કેલ બનાવતા હોઈએ છીએ, જે માનવસમાજની સૌથી મોટી કરુણતા છે.
શિલ્પા શાહ પ્રોફેસર HKBBA કોલેજ