મનુષ્યનું જીવન કેવું હશે તેનો આધાર તેના દ્વારા લેવાયેલા નિર્ણયો પર છે. નિર્ણય યોગ્ય તો જીવન સુખી અન્યથા દુઃખી. નિર્ણય જો યોગ્ય સમજણ સાથે સત્યને ધ્યાનમાં રાખી લેવાય તો જીવનમાં સમસ્યા નહીવત રહે. પરંતુ આપણા નિર્ણયોમાં સત્યની દ્રષ્ટિ હોતી નથી જેથી યથાર્થ દર્શન થઈ શકતું નથી, વાસ્તવિકતા સમજાઈ શકતી નથી અને નિર્ણય ખોટા લેવાઈ જાય છે. જેના કારણે પસ્તાવાનું પ્રારબ્ધ બંધાઈ જાયર્છે. સત્યના દર્શન માટે સમ્યક થવું પડે, તટસ્થ થવું પડે, રાગ-દ્વેષ મુક્ત થવું પડે, જે આપણે થઈ શકતા નથી જેના કારણે નિર્ણય પણ યોગ્ય લઈ શકાતા નથી. નિર્ણય લેવાનું કામ સામાન્ય રીતે બુદ્ધિનું છે અને મોટાભાગના લોકોની બુદ્ધિમાં ગમાઅણગમા (રાગદ્વેષ) જેવા પરિબળોનું પ્રભુત્વ જોવા મળે છે. બુદ્ધિમાં તટસ્થતાનો અભાવ હોવાને કારણે બુદ્ધિ દ્વારા લેવાયેલા નિર્ણયો વિશેષ પરિણામલક્ષી, સફળ કે માન્ય બની શકતા નથી તેમ જ ક્યારેક અતિ ઘાતક અને વિનાશકારી સાબિત થાય છે. જીવનમાં તર્ક અને બુદ્ધિ આવશ્યક છે કેમકે આ બન્નેની મદદથી જ મનુષ્યે વિકાસ કર્યો છે. બુદ્ધિ અને તર્કબળની મદદથી મનુષ્યે પશુતાની મંઝિલને પાર કરી છે. પરંતુ સમસ્યા એ છે કે બુદ્ધિ અને તર્કનું ક્ષેત્ર પક્ષપાતથી ઘેરાયેલું છે. બૌદ્ધિક અને તાર્કિક મનુષ્ય હંમેશા પોતાનું સમર્થન અને બીજાનું ખંડન કરવામાં રસ લે છે, સતત દોષારોપણ કરતો રહે છે જેથી તટસ્થ રહી શકતો નથી અને જે નિર્ણય તટસ્થ રીતે લેવાતો નથી તે ક્યારેય હિતકર કે કલ્યાણકારી બની શકતો નથી. જ્યાં સુધી પોતાના વિચાર પ્રતિ રાગ અને બીજાના વિચાર પ્રતિ દ્વેષ રહે ત્યાં સુધી બુદ્ધિ નિર્મળ બની શકતી નથી અને બુદ્ધિ નિર્મળ ન હોય તો યોગ્ય નિર્ણય કેવી રીતે લઇ શકાય.
પતિની પત્ની પ્રતિ કામવાસનાની આસક્તિ અથવા માતાની પુત્ર પ્રતિ સ્નેહની આસક્તિ કરતા વિશેષ ખતરનાક આસક્તિ વ્યક્તિના પોતાના વિચારોની આસક્તિ છે. કામવાસનાની આસક્તિ કે સ્નેહની આસક્તિ પ્રયત્નપૂર્વક દૂર કરી શકાય પરંતુ પોતાના વિચારો પ્રતિ આસક્તિ દૂર કરવી કઠીન છે. જેમણે સંબંધો, સંસાર, ઘરબાર, ધનદોલત, સુખસાહિબી સર્વસ્વ છોડી દીધું હોય તેવા ત્યાગી વૈરાગી સન્યાસી માણસો પણ વિચારોના અનુરાગને તોડી શકતા નથી. દ્રષ્ટિરાગ એક ભયંકર પાશ છે, ભયંકર બંધન છે જે મનુષ્યની તર્કશક્તિ અને બુદ્ધિશક્તિને કુંઠિત કરી નાખે છે. જેથી લીધેલા નિર્ણયો જીવનમાં ક્યારેક અસહ્ય ઉપાધિઓ ઉત્પન્ન કરે છે. જન્મ મરણના બે જ બીજ છે રાગ અને દ્વેષ અને આ જ બંનેને કારણે નિર્ણયો પણ યોગ્ય લેવાતા નથી અને જીવાત્માએ અનેક જન્મોના ફેરા ફરવા પડે છે. એક વિચારને માન્ય કરવાથી અને બીજા વિચારને અમાન્ય કરવાથી સત્ય પકડી શકાતું નથી કેમ કે દરેક વાત સાપેક્ષ છે અને જે સાપેક્ષ છે એ જ સત્ય છે એટલે કે અન્યનો જેમાં વિચાર સ્વીકાર અને સમાવેશ છે તે જ સત્ય છે. જે નિરપેક્ષ છે જેમાં કોઈનો વિચાર સ્વીકાર સમાવેશ નથી તે હંમેશા અસહ્ય બને છે. સત્યના અનુસંધાન સાથે લેવાયેલ નિર્ણય હંમેશા યોગ્ય સાબિત થાય છે. જે પરિણામલક્ષી અને સફળ બને છે. જેને સમગ્ર સમાજ પ્રેમથી સ્વીકારે છે. પરંતુ એકાંકી સ્વાર્થી રાગ-દ્વેષ યુક્ત નિરપેક્ષ વિચાર, બુદ્ધિ કે નિર્ણય ક્યારેય માન્ય બનતો નથી કે કલ્યાણકારી સાબિત થઈ શકતો નથી.એ દ્રષ્ટિએ જો નિર્ણયને માન્ય અને પરિણામલક્ષી બનાવવો હોય નિર્ણય લેતા પહેલા આ તમામ બાબતનો વિચાર અવશ્ય કરી લેવો સલાહભરેલ છે.
એક માણસે તેના મિત્રને કહ્યું સૂર્ય કરતાં ચંદ્ર વધુ ઉપયોગી છે કેમકે તે અંધારામાં અજવાળું કરે છે. સૂરજ તો દિવસે જ ઊગે છે, દિવસે પ્રકાશની શું જરૂર? આવો એકાંકી, ગમાઅણગમા સાથેનો રાગદ્વેષયુક્ત એકને ઉપયોગી અને બીજાને નિરર્થક સાબિત કરતો વિચાર કે નિર્ણય કદી સ્વીકાર્ય કે પરિણામલક્ષી બની શકતો નથી. જે બુદ્ધિ જે વિચાર કે જે નિર્ણય જીવનના સત્યને સ્પર્શતો નથી, જીવનની સમસ્યાને સમજતો નથી, જીવનની સમસ્યાનો યથાર્થ રીતે ઉકેલ કરતો નથી તે કદાપિ યોગ્ય ન હોઈ શકે. કોઈપણ બાબતનું વિભાજન યોગ્ય નથી. સમગ્ર બ્રહ્માંડ એકબીજા સાથે સંકળાયેલું છે, એકબીજાથી અસર પામે છે, તેનું વિભાજન કરી એકને યોગ્ય અને બીજાને અયોગ્ય, એકને ઉપયોગી બીજાને નિરર્થક, એકને જરૂરી અને બીજાને બિનજરૂરી, એકને પ્રિય અને બીજાને અપ્રિય બનાવતી બુદ્ધિ-તર્ક-વિચાર કે નિર્ણય કદાપિ લાંબો ટકી શકે નહીં કારણ કે તે પ્રકૃતિના નિયમ વિરુદ્ધ છે. પરમાત્માની પ્રકૃતિને વિભાજન કરતી બુદ્ધિ કે નિર્ણય કદાપિ માન્ય હોતો નથી કેમ કે તે હિતકર નથી. મનુષ્યસૃષ્ટિમાં ડગલેને પગલે લેવાતા નિર્ણય મોટેભાગે વિભાજનયુક્ત, સ્વાર્થી અને રાગદ્વેષયુક્ત જોવા મળે છે જેના કારણે તે અસફળ રહે છે, સુખ-શાંતિ પેદા કરી શકતા નથી કેમ કે જીવનની સાચી સુખ-શાંતિ સફળતા વગેરે તમામનો આધાર અંતે તો આપણા દ્વારા ક્ષણે-ક્ષણે લેવાતા નિર્ણયો જ હોય છે. નિર્ણય યોગ્ય અને સત્યસભર તો જીવન સ્વર્ગ સમાન અને નિર્ણય અયોગ્ય ખોટા પ્રકૃતિથી વિરુદ્ધ તો જીવન નર્ક સમાન, એ તો આપણા સૌનો અનુભવ છે. રાગ-દ્વેષયુક્ત બુદ્ધિ સત્યનું દર્શન કરી શકતી નથી જેથી યોગ્ય સચોટ નિર્ણય પણ લઈ શકતી નથી. સમગ્ર સંસારના જીવોને સાથે રાખીને દરેકના હિતનો વિચાર કરીને લીધેલો નિર્ણય હંમેશા માનનીય બને છે. જે લાંબા સમય સુધી સંપૂર્ણ જનસમુદાય દ્વારા સ્વીકાર્ય રહે છે. જ્યારે કોઈ એકને મહત્વનો સાબિત કરવામાં આવે છે કે ચડિયાતો ગણવામાં આવે છે ત્યારે આપોઆપ સંઘર્ષ શરૂ થાય છે. એના બદલે બંનેના ગુણોને સ્વીકારવામાં આવે ત્યારે સહઅસ્તિત્વ શક્ય બને છે સમન્વય શક્ય બને છે.
ઈશ્વરની દુનિયાનો દરેક વ્યક્તિ દરેક જીવ પોતાનામાં ખાસ છે. જે એક પાસે છે તે બીજા પાસે નથી કેમકે બધા અપૂર્ણ છે. બધા સાથે મળીને જ પૂર્ણ થઈ શકે. બે અપૂર્ણ ભેગા થઈને જ પૂર્ણ બની શકે એ તો આપણે સમજી શકીએ એવી સરળ વાત છે. પરંતુ બે અપૂર્ણ પોતાની પૂર્ણતાને ઘર્ષણ દ્વારા કદાપિ સાબિત ન કરી શકે અને જો એવો વ્યર્થ પ્રયત્ન કરે તો બંનેનો વિનાશ નિશ્ચિત છે. આપણા બધા વિચારો આપણા બધા વ્યવહાર સાપેક્ષ હોય છે અને આવી સાપેક્ષતા ચાર પ્રકારની હોય છે ૧) દ્રવ્યસાપેક્ષતા ૨) ક્ષેત્રસાપેક્ષતા ૩) કાળસાપેક્ષતા અને ૪) ભાવસાપેક્ષતા. આપણે જે કોઈ નિર્ણય લઈએ છીએ તે કાં તો દ્રવ્યને ધ્યાનમાં રાખીને કાં તો ક્ષેત્રને ધ્યાનમાં રાખીને અથવા કાળ કે સમયને ધ્યાનમાં રાખીને તેમ જ ભાવને ધ્યાનમાં રાખીને કરીએ છીએ અર્થાત આપણા હૃદયમાં ઉઠતી ભાવનાઓને ધ્યાનમાં રાખીને લેતા હોઈએ છીએ. આપણે જ્યારે કોઈ વ્યક્તિને ભ્રષ્ટ કે અનૈતિક કહીએ છીએ ત્યારે વર્તમાન પરિસ્થિતિને આધારે નિર્ણય લેતા હોઈએ છીએ, ભૂતકાળ કે ભવિષ્યકાળને ધ્યાન પર લીધા વગર નિર્ણય જાહેર કરતા હોઈએ છીએ. આવો નિર્ણય એ કાળસાપેક્ષ નિર્ણય કહેવાય. જે સંપૂર્ણ સાચો ન હોઈ શકે. કોઈ એક વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય એટલે તે કાયમ માટે નબળો મૂર્ખ કે શીખવાને અસમર્થ બની જતો નથી. પરંતુ આપણે જ્યારે પણ નિર્ણય લઇએ ત્યારે માત્ર વર્તમાન પરિસ્થિતિ ધ્યાને રાખીને નિર્ણય લેતા હોઈએ છીએ. જો એક અધ્યાપક કોઈ વિદ્યાર્થી માટે એવો નિર્ણય કાયમી ધોરણે લઈ લે કે આ વિદ્યાર્થી મૂર્ખ છે, શીખવાને અસમર્થ છે તો તે વિદ્યાર્થીની વિકાસની તમામ સંભાવનાઓ જ નષ્ટ થઈ જાય. આવા નિર્ણયો કોઈ કાળે યોગ્ય કહી શકાય નહીં અને એટલા માટે તે ક્યારેય માન્ય પણ બને નહીં. એટલા માટે વર્તમાન પર્યાયના આધારે નિર્ણય ન લેતા ભવિષ્યની સંભાવનાઓને ધ્યાને રાખી નિર્ણય લેવામાં આવે ત્યારે તે વધુ યોગ્ય કલ્યાણકારી અને સ્વીકાર્ય બનતા હોય છે. આજે જે બીમાર છે તે કાલે સ્વસ્થ થઇ શકે છે અને આજે જે સ્વસ્થ છે તે કાલે બીમાર પણ થઈ શકે છે. જેથી નિર્ણય લેતી વખતે કાલચક્રની ગતિશીલતાના આધાર પર જીવનમાં અનંત પર્યાયને ધ્યાને રાખી નિર્ણય લેવા જોઈએ તો હંમેશા તે ઉત્તમ અને લાભદાયી નીવડે છે.
જે વ્યક્તિ આવી ઊંડી સમજણ સાથે નિર્ણય લે છે તે સામાન્ય રીતે જ અસામાન્ય બની જતો હોય છે. ભવિષ્યની સંભાવનાઓનો સંસાર બહુ વિશાળ છે. જે વ્યક્તિ આ તમામ સંભાવનાઓને આધારે નિર્ણય લે છે તે નિર્ણય હમેશા સાચો અને પરિણામલક્ષી બને છે. સામાન્ય રીતે પરિસ્થિતિ બદલાતાં નિર્ણયો પણ બદલાતા હોય છે એ આપણે જાણીએ છીએ જેમકે આજનો મિત્ર કાલનો દુશ્મન બની શકે છે. આવી અનંત સંભાવનાઓને જે ધ્યાન પર રાખે છે, નિર્ણયોમાં તટસ્થ રહે છે, રાગ-દ્વેષના તત્વોની લીધેલા નિર્ણયમાં ગેરહાજરી રાખે છે તે વ્યક્તિ અવશ્ય વિશેષ બને છે. અસામાન્ય બને છે, સમગ્ર રીતે સ્વીકાર્ય બને છે, લોકોનો પ્રેમ પ્રાપ્ત કરે છે અને એનું જીવન વૈકુંઠ સમાન બને છે. જીવનની દરેક પરિસ્થિતિનો આધાર મનુષ્ય દ્વારા લેવાતા નિર્ણયો ઉપર જ છે જે નક્કી કરતા પરિબળો છે બુદ્ધિ, તર્ક, વિચારો. સાપેક્ષતાના સૂત્રને તોડી (અર્થાત નિર્ણયોમાં જગતના તમામ તત્ત્વોનું અનુસંધાનને ત્યજી) નિરપેક્ષ થઈ અતિ સ્વાર્થી બની કોઈની ચિંતા કર્યા વગર તમામ સંભાવનાઓના અસ્વીકાર સાથે રાગ-દ્વેષપૂર્ણ લીધેલો નિર્ણય હંમેશા પીડાદાયક જ રહે છે. નિર્ણય જ્યારે વ્યવહારિક ભૂમિકા ઉપર સાપેક્ષતાને આધારે લેવાય તે હમેશા ઉત્કૃષ્ટ હોય છે. બધાને સાથે લઈને ચાલવામાં ગતિ છે વિકાસ છે અન્યથા માત્ર જડ સ્થિતિ પ્રાપ્ત થાય છે. નિર્ણયોમાં જ્યારે બધાનું અનુસંધાન હોય ત્યારે તેમાં ગતિ છે વિકાસ છે. દાખલા તરીકે બે પગને તમે ક્યારેય ચાલતા જોયા છે? એક આગળ વધે ત્યારે બીજો પાછળ રહે છે અને બીજો આગળ આવે ત્યારે પહેલો સહજતાથી પાછળ જવાનું સ્વીકારી લે છે. જેથી ગતિ સંભવે છે. બંને જો પોતાના અહંકારમાં સમાનતાના ખોટા ખ્યાલો સાથે એમ કહે કે હું પાછળ નહીં રહું, હું કઈ તારાથી ઉતરતો નથી શા માટે પાછળ રહું? તો શું ગતિ કે વિકાસ સંભવે ખરો? આ જ તર્ક પતિ-પત્નીના સંબંધોમાં, અધિકારી અને કર્મચારીઓના સંબંધોમાં, સરકાર અને પ્રજાના સંબંધોમાં લાગુ પાડી શકાય. મનુષ્ય નિર્ણય લેતા પહેલા થોડું સાપેક્ષતા અંગે વિચારે તો જીવનને વિકસિત અને ગતિશીલ બનતા કોઇ રોકી શકે નહિ.
સારો નિર્ણય એને કહેવાય કે જે ભૂતકાળમાંથી બોધપાઠ લઇ, વર્તમાન પર્યાયને આધારે ભવિષ્યને સુરક્ષિત કરે. વર્તમાન પરિસ્થિતિને આધારે નિર્ણય અવશ્ય લેવાય પરંતુ તે નિર્ણયોની આસક્તિ ન હોવી જોઈએ. ભવિષ્યની સંભાવનાઓના સ્વીકાર સાથે નિર્ણય બદલવાની તત્પરતા રાખવી જોઈએ. ભૂલોને સમજી બને તેટલી ઝડપે સુધારવાની વૃત્તિ હોવી જોઈએ. સારો નિર્ણય એ જ છે જેમાં આ તમામ તત્વોનું ધ્યાન રાખવામાં આવે. અતીતને છોડી વર્તમાનની વ્યાખ્યા કરી શકાતી નથી અને વર્તમાનને છોડી ભવિષ્યની વ્યાખ્યા કરી શકાતી નથી. વર્તમાન પરિણામનો કાળ છે, વર્તમાન સંરચના અને નિર્માણનો કાળ છે. પરંતુ તે અતીતથી પ્રભાવિત છે અને ભવિષ્યને પ્રભાવિત કરે છે. આમ અતીત અને ભવિષ્ય વચ્ચેની કડી વર્તમાન છે એટલે તો મનોચિકિત્સકો અતીતની ઘટનાઓને સાંભળી ઈલાજ કરે છે અને ચિકિત્સાક નિર્ણય લે છે. જે પરિણામલક્ષી બને છે. તો આવો આવી ઊંડી સમજણ સાથે યથાર્થ નિર્ણય લેતા શીખીએ.
શિલ્પા શાહ પ્રોફેસર HKBBA કોલેજ