આપણે સૌ જાણીએ છીએ કે જીવ માત્રની એક મહત્વની ઝંખના એટલે અવિરત આનંદની પ્રાપ્તિ. જેના માટે પાંચ કોષોને સમજવા અનિવાર્ય છે. માનવશરીર પંચકોષોનું બનેલું છે તેમજ બ્રહ્માંડ પણ પાંચ કોષોનું બનેલું છે. બ્રહ્માંડ વિશાલ અને અનંત હોવાને કારણે તેને સમજવું અશક્ય છે પરંતુ રચનાની દ્રષ્ટિએ સમાનતા ધરાવતા મનુષ્યશરીરને સમજી બ્રહ્માંડને પણ સમજી શકાય. જેથી પંચકોષ વિશે જાણવું અતિ આવશ્યક છે. પંચકોષમા અન્નકોષ, પ્રાણમયકોષ, મનમયકોષ, વિજ્ઞાનમયકોષ અને આનંદમય કોષનો સમાવેશ થાય છે. આવો સમજીયે પાંચ કોષની જીવનમાં ઉપયોગિતા.
૧)અન્નમયકોષ – અન્ન એટલે બધા જ ભૌતિક પદાર્થ કે જેમાંથી ભૌતિક શરીર બન્યું છે. બ્રહ્માંડનો પણ અન્નમયકોષ છે, જેનાથી સજીવસૃષ્ટિનું પાલન-પોષણ થાય છે. ભૌતિક વિજ્ઞાનમાં તેને કાર્બનચક્ર કે નાઈટ્રોજનચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ચક્રો જો સંતુલિત રહે તો પૃથ્વી રસકસ અને અન્નથી ભરપૂર રહે, નહીં તો ભૂખમરો આવે. જેથી આપણા ત્યાં દૈવીશક્તિ અન્નપૂર્ણા તરીકે ઓળખાય છે અને તેની પૂજા થાય છે. હિન્દુશાસ્ત્રમાં અન્નનો ખૂબ મહિમા છે. કેવું ખાવું? કેવી રીતે ખાવું? ઈશ્વરની દયા વગર ન ખાવું, અન્ય જીવોનો હક કાઢ્યા બાદ ભોજન લેવું વગેરે વગેરે. અન્ન શબ્દ મૂળ “અત્તિ” ધાતુ પરથી આવેલ છે. જેનો અર્થ થાય છે જે સર્વ પ્રાણીઓનો આહાર છે અને સર્વ અંતે જેમાં વિલીન થાય છે તે અન્ન. એટલે આપણા ત્યાં “અન્ન એવું મન” કહેવત છે. કારણ કે શરીર ઘડનારા અન્ય તમામ કોષો મોટેભાગે અન્નકોષમાંથી તૈયાર થાય છે જેથી અન્નકોષ બાબતે સજાગ રહેવું જરૂરી છે. ભોજનની ક્રિયા યજ્ઞ બનવી જોઇએ, તે ક્યારે બને? જ્યારે કોઈ પણ કાર્યમાં પ્રકૃતિનું સંતુલન ખોરવાયા વિના શરીરનું રક્ષણ થાય ત્યારે, જે કાર્યમાં પારમાર્થિક અગ્રતા, કર્તવ્યશીલતા અને પ્રેય-શ્રેયના વિવેકનો ત્રિવેણી સંગમ થાય તેનું નામ યજ્ઞ. યજ્ઞ એટલે જ્યાંથી લઈએ ત્યાં થોડું પાછું વાળીએ અને વધેલું સૌ સાથે વહેંચીને ખાઈએ. આવી ભોજનક્રિયાને વૈશ્વાનર યજ્ઞ કહેવાય. આ દ્રષ્ટિએ ઈશ્વરને સમર્પિત કર્યા વગર ભોજન ગ્રહણ ન કરાય. બીજુ જ્યારે ભાવપૂર્વક ઈશ્વરનું એટલે કે પ્રકૃતિએ આપેલું તેને પુનઃ સમર્પિત કરવામાં આવે ત્યારે ઈશ્વર તેમાં માનવમિશ્રિત ઝેરીતત્વો દૂર કરી પ્રસાદરૂપે શુદ્ધ અન્ન જીવને પ્રદાન કરે છે. જેનાથી તેની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. દરેક ધર્મોમાં અન્નદાનનું અનેરૂ મહત્વ છે. કારણ પંચકોષોમાંનો સૌથી મહત્વનો શરીર અને બ્રહ્માંડનો કોષ તે અન્નકોષ છે.
૨) પ્રાણમયકોષ – એટલે વિજ્ઞાનની ભાષામાં જીવનું ઉર્જાશરીર કે પ્રાણશરીર. જે હાજર હોય ત્યાં સુધી સજીવ જીવે નહીં તો તેનું મૃત્યુ થાય. એ જ રીતે બ્રહ્માંડનો પ્રાણમયકોષ એટલે આપણું વાતાવરણ, જેમાં ઈશ્વરે એટલી સુંદર વ્યવસ્થા કરી છે કે ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બનડાયોક્સાઇડ તમામ સમતોલ છે. અમુક જીવ કાર્બનડાયોક્સાઇડ શ્વાસમાં લઈ ઉચ્છવાસમાં ઓક્સીજન આપે છે. કેટલાક ઓક્સીજન લઇ કાર્બન આપે છે. પરંતુ આપણે અતિ પ્રદૂષણથી પર્યાવરણીય સમતુલાને ખોરવી ગ્લોબલ વોર્મિંગ જેવી અનેક પરિસ્થિતિનું સર્જન કરી બ્રહ્માંડના આ પ્રાણમયકોષને ખોરવી નાખ્યો છે. જેથી જીવસૃષ્ટિના આરોગ્યના ઘણા પ્રશ્નો સર્જાયા છે. વૃક્ષો વાવી સૃષ્ટિના પ્રાણમયકોષને તરોતાજા કરીએ તે જ આપણો સાચો પ્રાણયજ્ઞ. કમ સે કમ એક પીપળો અવશ્ય વાવીએ કેમ કે પુખ્ત પીપળો કલાકના ૧૭૦૦ કિલો ઓક્સીજન આપે છે અને તેનું સરેરાશ આયુષ્ય 100 થી 200 વર્ષ જેટલું છે. આમ એક પીપળા દ્વારા સરેરાશ 15 લાખ ટન ઓક્સિજન મળે. કેમ કે તે દિવસ-રાત ઓક્સીજન આપે છે. પ્રાણમય કોષને તરોતાજા રાખવા માટે પ્રાણાયામ પણ અતિ મહત્વનું છે. પ્રાણાયામ પ્રાણની ગતિનું નિયમન છે. આસુરી શક્તિની સંભાવના ધરાવતી શક્તિનું દૈવીઉર્જામાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એટલે પ્રાણાયામ. કેમકે પ્રાણ (O૨) શરીરમાં જવાની સાથે તેના ઘટકો શરીરને વૃદ્ધત્વ તરફ લઈ જાય છે એટલે કે aging fast કરે છે જેથી ઓક્સિજન યોગ્ય માત્રામાં શરીરમાં જાય તેવું નિયમન અતિ આવશ્યક છે. આયુષ્યનો આધાર પ્રાણગતિ પર છે, જેટલી ઝડપી શ્વાસ લેવાય તેટલું આયુષ્ય ઓછું થાય. માણસ એક મિનિટમાં 15 વાર શ્વાસ લે તો આયુષ્ય સો વર્ષનું થાય. કૂતરા આઠ-દસ વર્ષ જીવે છે કેમ કે મિનિટના 20થી 30 શ્વાસ લે છે. જ્યારે કાચબો હજાર વર્ષ જીવે છે કેમ કે તે મિનિટના માત્ર ચારથી પાંચ શ્વાસ લે છે.
૩) મનમયકોષ – સંકલ્પ, વિકલ્પ, વૃત્તિઓ એટલે મન. વ્યક્તિનું મન શાંત થશે તો વ્યક્તિ શાંત અવશ્ય થશે અને જો વ્યક્તિ શાંત થશે તો જગત પણ શાંત થશે. કળિયુગની મોટી સમસ્યા માનસિક અશાંતિ છે. કળિયુગની લગભગ 70 ટકા બીમારી માનસિક છે. તમામ કષાયો કે દુર્ગુણો જેવા કે કામ, ક્રોધ, લોભ, અહંકાર અને ઈર્ષા વગેરે માનસિક છે. જેથી મનોમયકોષ તંદુરસ્ત અને શાંત રહે તે વ્યક્તિ, કુટુંબ તેમજ સમાજ માટે ખુબ જરૂરી છે. એટલા માટે જ શાસ્ત્રોમાં “મારું મન કલ્યાણકારી સંકલ્પોવાળું થાવ” એવી પ્રાર્થનાનું સૂચન છે. સંકલ્પોનું કલ્પવૃક્ષ એટલે મન. જેવું મન તેવો સંકલ્પ, જેવો સંકલ્પ તેવું આચરણ અને જેવું આચરણ તેવું ફળ. આમ તમામ પીડા અને દુઃખમાંથી બચવા મનને શાંત અને સ્વસ્થ બનાવવું જરૂરી છે. મનના રક્ષણ માટેનું વિજ્ઞાન એટલે મંત્રશાસ્ત્ર. મંત્રજપથી મન એકાગ્ર થાય છે. સંકલ્પો શુદ્ધ અને બળવાન બને છે. આચરણ પવિત્ર બને છે. જેથી સુખશાંતિ પ્રાપ્ત થાય છે. મંત્ર ઉપાસના જ્યારે તપ અને સંયમના પાયા પર રચાય ત્યારે પૂરું ફળ આપે છે. મનથી બ્રહ્માંડ સુધીની સૃષ્ટિને શાંત કરવાનો સરળ ઉપાય સામૂહિક પ્રાર્થના છે અને સરળ મંત્ર “ઓમ શાંતિ શાંતિ શાંતિ” છે. બ્રહ્માંડનો પણ મનોમયકોષ હોય છે જેને આપણે global mind કહીએ છીએ. જે મીડિયા, ફેશન તેમ જ સામૂહિક પ્રાર્થનાથી ઘડાય છે.
૪) વિજ્ઞાનમયકોષ – અહીં વિજ્ઞાનનો અર્થ થાય છે વિવેક. જેને અંગ્રેજીમાં conscious કહે છે. વિવેક જાગૃત કરવાની બે રીત છે. ૧) સ્વાનુભવદર્શન અને ૨) સત્વશીલવાંચન. મનોમયકોષ કે મનના ડહોળાયેલા પાણીને સ્વચ્છ, શાંત અને નિર્મળ બનાવવા વિવેકની ફટકડી આવશ્યક છે. ટૂંકમાં વિજ્ઞાનમયકોષ એટલે મૌલિક અથવા વાંચેલા, સાંભળેલા બોધવચનોનો સંગ્રહ, તેનું મનોમંથન અને આચરણ. આ કોષના વિકાસ માટે શ્રવણ, મનન અને નિધિધ્યાનાસન ખૂબ ઉપયોગી છે. એટલે કે સારું વાંચન તેના પર મંથન (એટલે વારંવાર વાગોળવું) અને સુપાચ્ય વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવું. કેમકે શ્રેય(હિતકર) અને પ્રેય(રુચિકર) વચ્ચે હંમેશા પસંદગી કરવાની હોય છે જે સામાન્ય રીતે અઘરી બાબત છે જેના માટે વિવેક જરૂરી છે. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા(એટલે ખરાબીઓ પરથી ધ્યાન ખસેડવું) તેમજ દુખીયાના દર્શને કરુણા ઉપજે તો સમજવું વિજ્ઞાનમયકોષ તંદુરસ્ત છે. બ્રહ્માંડનો પણ આવો વિજ્ઞાનમય કોષ છે. જેને આપણે કલેક્ટિવ કોન્સિયસ તરીકે ઓળખીએ છીએ. ગુલામીપ્રથા, અંધશ્રદ્ધા, સામંતશાહી, અસ્પૃશ્યતા વગેરે આ કોષના વિકાસથી દૂર થઈ શકે છે.
૫) આનંદમયકોષ – તપ, સ્વાધ્યાય, પવિત્રતા જેવી ધારામાં સ્નાન કરી શુદ્ધ અને હલકુ ફૂલ જેવું અંતઃકરણ એ જ સાચો આનંદ. જ્યારે સત્કર્મથી મળેલ કૃતજ્ઞતાના વિમાનમાં બેસી સ્વાર્થના સીમાડા લાંઘી જ્યારે જીવ આનંદલોકમાં આવી પહોંચે ત્યારે ના કોઈ સંકલ્પ કે વિકલ્પ, ના કોઈ પીડા કે દુઃખ, ન કોઈ શત્રુ કે વિવાદ માત્ર પૂર્ણતયા આનંદ. પરમાત્મા પોતે જ સમષ્ટિનો આનંદદેહ છે. વ્યક્તિની આનંદ સમાધિ એ પ્રકૃતિના આનંદકોષને સમર્પિત એક અંજલિ છે. વ્યક્તિનો અંતરતમ ભાગ એટલે આનંદમય કોષ. જીવનનો સૌથી મોટો મૌલિક અધિકાર એ આનંદ જ છે. જેમ-જેમ મનુષ્ય વ્યક્તિત્વના સૂક્ષ્મતર આકાશમાં પ્રવાસ કરે છે તેમ-તેમ આનંદની અવધિ વધતી રહે છે. ઇન્દ્રિયજન્ય આનંદ કરતા માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્તરે ઉપજતી પ્રસન્નતાનો મહિમા વધારે છે. તપ, સાધના, સ્વાધ્યાયના જોરે હલકુ બનેલું અંતઃકરણ બ્રહ્મત્વની દિશામાં ગતિ કરે ત્યારે વધુને વધુ ચિરસ્થાયી આનંદ પ્રાપ્ત થતો રહે છે.
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ