સાંજના આછા અજવાળે જ્યારે આંગણે બેઠી હતી, ત્યાં જ શેરી નાં રમતા છોકરાઓનો અવાજ સંભળાયો.
મન જાણે ફરી બાળપણ માં ખોવાયું, બધી યાદો ઉભરાઈ ને જાણે બહાર આવી હોય એમ આખો સમક્ષ તરી રહી હતી પછી તરત જ મન ત્યાંથી પાછું વળી અત્યાર ની જવાબદારી નાં ઘર્ષણ તરફ આવી ગયું.
સૂરજ આથમવા નો સમય થઈ રહ્યો હતો, સંધ્યા ની સાથે ઘરે પાછા વળતા પંખીઓ જાણે ટકોર કરતા ગયા કે જો સુરજ આથમી રહ્યો છે, હું સૂરજ ની લાલાશ ને એકધારી નજર થી નિહાળી રહી હતી.
સૂરજ મારી સામે કટુ હાસ્ય કરી રહ્યો હતો, મે મારી આંખોથી જ એને કહ્યુ, ‘ કે તું આથમ નહીં, મને તારા પછી નાં અંધારા બહુ ડરાવે છે.’ એણે જાણે સાંભળ્યું જ ના હોય એમ એના અજવાળા ને પાછા વાળી આથમી ગયો અને હું એને જોતી જ રહી..
“આથમતા અજવાળા ની લાલાશ ફેલાતી રહી
રોકી લઉ તને પણ બસ તને નિહાળતી જ રહી
આંખોની ભાષાને શબ્દો તો ના આપી શકી,
પણ શબ્દો ની ભાષા માં તને સમાવતી રહી..!”