આટલો બધો દફતરનો બોજ ?
રમવાનું હોય નહીં, ફરવાનું હોય નહીં,
ભણભણ કરવાનું રોજ ….
આટલો બધો દફતરનો બોજ ?
નાજુકશા વાંસા પર મણમણનો ભાર ઝીલી સપનાઓ સેવે પતંગના
પાંખોને કાપીને આપે આકાશ એવા કર્યા છે હાલ આ વિહંગના
મુક્તિનો શ્વાસ મળે એવી કોઈ શાળાની ક્યારે થવાની છે ખોજ ? …..
આટલો બધો દફતરનો બોજ ?
જાતજાતના વિષયોનું વિષ જાણે ઘોળીને બાળપણું છીનવી લીધું છે
કોચિંગ ક્લાસ ટ્યૂશનની બોલબાલા હાય એવું કોણે આ ભણતર દીધું છે ?
વેકેશન બેચ અને સન્ડે પણ ટેસ્ટ પછી કેમ કરી કરવાની મોજ ?
આટલો બધો દફતરનો બોજ ?
કમ્પ્યુટર મોબાઈલ ને ટીવીના ચસકામાં, ભૂલે છે રમતો એ કેટલી ?
હોમવર્ક ને પ્રોજેકટને વીકલી અસેસમેન્ટની, યાદી સમજાય નહીં એટલી
પોતાની ફરિયાદો પોતાના આંસુ લઈ ક્યાં જાશે બચ્ચાંની ફોજ ? …….
આટલો બધો દફતરનો બોજ ?”
– આશા પુરોહિત