ગાંધીયુગના આ સાહિત્યીજીવી પ્રાધ્યાપક પ્રેમશંકર ભટ્ટનો જન્મ ધાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે 30:ઓગસ્ટ, ૧૯૧૪ના વર્ષે થયો હતો. તેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધાંગધ્રા અને હળવદમાં લીધું. શામળદાસ કોલેજમાં સ્નાતકમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવવા બદલ ગુજરાતી સાહિત્ય પરિષદનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. પ્રેમશંકર વિનયન અનુસ્નાતક થઇ બર્મા શેલ કમ્પનીમાં પબ્લિક રીલેશન અધિકારી તરીકે કાર્યરત રહી સમાંતરે ગુજરાતી સાહિત્ય અને વિવેચનની પ્રવુતિઓમાં પણ સક્રિય રહ્યા હતા.
તેમણે મુંબઈની સિદ્ધાર્થ કોલેજ, અમદાવાદની સ્વામીનારાયણ કોલેજ અને દહેગામ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક અને દહેગામ કોલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. વિશાળ વાંચન ધરાવતા પ્રેમશંકર ભટ્ટે ગાંધીયુગના આ કવિએ
‘ધરિત્રી’ (1943),
‘તીર્થોદક’ (1957),
‘મહારથી કર્ણ’ (1969),
‘અગ્નિજ્યોત’ (1972) અને
‘દીપ બુઝાયો’ (મરણોત્તર : 1977) એ કાવ્યસંગ્રહો આપ્યા છે.
એમની કવિતામાં એમની હૃદયસંવેદના કુશળતાથી નિરૂપાયેલી છે. એમની ભાષામાં કોમળતા છે અને કલ્પના તરંગો ઠીક ઠીક જોવા મળે છે. છંદોબદ્ધ કાવ્યો ઉપરાંત ગેય ઢાળોની એમને વિશેષ ફાવટ છે. કર્ણના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંને ઉઠાવ આપતું એમનું સુદીર્ઘ કાવ્ય ‘મહારથી કર્ણ’ યુધિષ્ઠિરની વેદનાને વાચા આપી એમના આત્મદર્શનને અને માનસશ્રાદ્ધને સરસ રીતે નિરૂપે છે. ‘અગ્નિજ્યોત’માં દ્રૌપદી, દ્રોણ અને ભીષ્મની કરુણતાને કવિએ સંસ્કૃત વૃત્તોમાં સુરેખ રીતે આલેખી છે.
‘શ્રીમંગલ’ (1954)માં એમનાં પદ્યરૂપકો ગ્રંથસ્થ થયાં છે અને શ્રીમંગલનાં 6 નાટ્ય રૂપાંતરો મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં વારંવાર ભજવાયાં પણ છે.
‘બીજલ’ (1948) નામે એમણે નવલકથા પણ લખી છે અને 1973માં એ ‘આછા ઉજાસ, ઘેરા અંધકાર’ નામે પુનર્મુદ્રિત પણ થઈ હતી. અધ્યાપન નિમિત્તે એમણે કેટલુંક વિવેચનકાર્ય પણ કર્યું છે. કર્તા, કૃતિ અને સાહિત્યસ્વરૂપ વિષયક એમના અભ્યાસલેખો ‘મધુપર્ક’ (1947), ‘આચમન’ (1967) અને મરણોત્તર ‘પ્રેમામૃત’(1978)માં સંગ્રહાયા છે. એમાં એમની અભ્યાસ નિષ્ઠાનો સારો પરિચય મળે છે. જૂના અને નવા સાહિત્યની એમણે વિવેકબુદ્ધિથી મુલવણી કરી છે. પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર’ (1963)નું એમણે સંપાદન પણ કર્યું હતું. ‘ચયનિકા’ (1942) પણ એમનું કાવ્યસંપાદન છે. ‘જીવનવિકાસ માટેનું શિક્ષણ’(1972)ના તેઓ સહઅનુવાદક છે. તેમના સર્જન અને વિવેચનની બળવંતરાય ઠાકોર, ડોલરરાય માંકડ અને વિજયરાય વૈધ જેવા દિગ્ગજ વિવેચકોએ પ્રશંશા કરી છે. “નચિકેત” અને “જનક ” ઉપનામથી સાહિત્ય સર્જન કરતા પ્રેમશંકર હ. ભટ્ટનું ૩૦ જુલાઈ ૧૯૭૬ના રોજ અવસાન થયું
દેસાઈ માનસી