ઉમ્મીદોના બાંધુ છું હું વાદળો, સંબંધો વચાળે,
આજ નહિ તો કાલ કામે આવશે દુઃખો વચાળે!
વગર માંગ્યે ભગવાન પણ કંઈ નથી આપતો. એવામાં વગર માંગ્યે સંબંધો નિભાવવા દોડી તો કંઈ મળે ખરું? જેવા આપણે એવા સામેવાળા. સમય વિતે ‘ને ખુશી સમાચાર માટે આજે કોઈ યાદ કરે તો ભાગ્ય ખુલ્લી ગયા કહેવાય! પણ શું આજે આવું થાય છે ખરું? કોઈનો ફોન રીસિવ કરીએ અને તરત પૂછીએ, કેમ છો? આ બધું કેમ છો?, સારું છે.. ની માથાકૂટો મીઠી વાણીએ પતે એટલે માણસ આવે મુખ્ય વાત ઉપર. અરે ભાઈ, મારે જોને આમ થયું, હવે શું કરવું? તારે કોઇ વ્યક્તિ સાથે સંપર્ક છે? મારે આ કામ છે પણ મારા ખુદથી એ થઈ શકે એમ નથી. ભાઈ બની શકે તો થોડા પૈસાની મદદ કરને.. આવા તો અઢળક ઉદાહરણો છે.
કામ પડ્યે ત્યારે યાદ કરતા હોય એવા સો સંબંધો કરતા, ફૂટપાથ ઉપર પડેલ ગરીબડા વ્યક્તિ સાથે નિસ્વાર્થ રીતે બંધાયેલ એક સંબંધ ખૂબ મજબૂત હોય છે. પરંતુ આવા સંબંધ આજે થોડા કંઈ પોસાય! ચિતા સુધી જવા માટે ચાર ખભા કોણ આપશે? એટલે ચાલ આજે થોડાક સંબંધો બાંધી લઉં પછી ભલે એ સ્વાર્થી હોય. જેથી, મારા અંતિમ શ્વાસે પણ એ કામ આવે. મનુષ્ય એટલે એક એવું જીવ જે જીવતો હોય ત્યારનું તો ઠીક પણ પોતાના મરણ પછીની પણ સુવિધા કરતો જાય. વસિયત ક્યાં દીકરાને આપવી એની ચિંતામાં જીવતો પરિવારનો વડીલ પણ પહેલો વિચાર તો એ જ કરે કે મને વૃદ્ધાવસ્થામાં સાચવશે કોણ? અને જ્યારે શ્વાસ ખુદના શરીરમાંથી વિદાય લેય પછી મારી પિંડવિધી કરશે કોણ? સાહેબ, સાચું કહું તો શાંતિથી મરણ પામવા માટે પણ જિંદગીભર કેટકેટલા પ્લાનો કરવા પડે છે, કેટકેટલા સંબંધો સાચવવા પડે છે!
ઘણીવાર બને એવું કે ઉચનીચનો ભેદભાવ આવી જાય. હવે એક બાજુ વિચારીએ તો માણસ ભલે ગમે તે જ્ઞાતિ, ગમે તે રંગરૂપ, ગમે તે ઈજ્જતનો હોય પણ બધામાં એક જ હૃદય ધબકતું હોય છે! હરેક વ્યક્તિ શ્વસનવાયુ તરીકે ઓકિસજન જ પચાવે છે. તો પછી ઉચનીચ, જ્ઞાતિજાતિના ભેદભાવે સંસારના ચોકઠાં કેમ પાડવામાં આવે છે? અને વાત એવી છે કે, કોઇ ઉચ્ચ માણસ દ્વારા જો ખુદનું અપમાન થયું હોય તો, એક પણ શબ્દના ઉચ્ચારણ વગર એને સહી લેવું પડે છે. કારણ કે, વાત તો આખરે કાંધની જ છે ને! કે કંઇક પગલાં ભરીશ તેમની સામે, અને કંઇક થયું તો મારી ખુદની જ ઈજ્જત ડગી જશે અને ત્યાં ચિતા ઉપર બળતો હઈશ ત્યારે લોકોના હૃદયે રુદન નહિ હોય.
એક વખતની વાત છે, યોગેશ નામના મારા એક મિત્રએ મને ફોન કર્યો. હેલો, કેમ છે? આજ કામ ક્યાં છે તું? આવા પ્રશ્નોનો મારો મારા ઉપર યોગેશે ચલાવ્યો. હું વિચારમાં પડ્યો કે, કોઇ દિવસ યાદ ના કરતો માણસ આજે મને યાદ કર્યો, આટલા બધા વર્ષો પછી! બધા પ્રશ્નો જવાબો પૂર્ણ થયા બાદ મુદ્દાની વાત આવી. યોગેશ ઝીણા અચકાયેલા અવાજે બોલ્યો, ભાઈ.. થોડા પૈસાની જરૂર હતી. તારી પાસે હોય તો કંઇક કરી આપને! આવું સાંભળી એક બાજુ મને એવો વિચાર આવ્યો કે, આ યોગલાને વર્ષો પછી મારી યાદ આવી! અને એ પણ એને કંઇક કામ છે એટલે. તો એને મદદ કરીને મને શું મળવાનું? ચલ કંઇક બહાનું બનાવી દઉં. પણ બીજી બાજુ એવો પણ વિચાર આવ્યો કે, ના..ના.. યોગેશ તો જુનો મિત્ર છે, સંબંધ તો સંબંધ કહેવાય ભલેને પછી વર્ષો પછી યાદ કરે. આખરે સ્મશાને તો સંબંધી જ ઊભા હશે ને! આ પૈસો શું ચીઝ છે સંબંધ સામે? ચાલ આપી દઉં. આવું વિચારીને મારાથી પુછાય ગયું, બોલ બોલ એમાં શું.. કેટલાં જોઈએ છે? આ રીતે અમારી વાત પૂરી થઈ અને એને પૈસા મળી ગયાં. હું પણ એટલો ડરપોક કે જીવતે જીવતા ખુદની ચિતાની ચિંતા કરવા બેસ્યો.
કાંધ એટલે મરણ પામ્યા પછી ચિતા સુધી જઈએ એવું જ નહિ! એકવાર અમારી શેરીના છેડે રહેતા પુરુષોત્તમભાઈ મારા બાપુજીને વાત કરતા હતા, કે મણીલાલ તમારો દીકરો આવી સારી કંપનીમાં છે તો મારા દીકરાનું કંઇક કરાવી દો ને!
માણસ પોતાને કાંધ મળે એ માટે તો જીવનભર ખૂબ દોડા કરે, પણ ખુદના પરિવારને પણ કાંધ મળી રહે એ માટે હંમેશા ઝંખતો રહે છે. સંબંધોની સાંકળ એક એવું ઘૂંચળું છે જેમાં ઈર્ષ્યા, અભિમાનરૂપી કાટ લાગ્યો હોય તો પણ એ સાંકળને નવેનવી કહેવી પડે અને વખાણ કરવા પડે. આવી મીઠાશ જીભે રાખીને જો જીવી જઈએ તો યમરાજ સાહેબ સાથે વિદાય વેળાએ ખુદને યોગ્ય કાંધ મળી રહે!