“મમ્મી , આજે પ્રેમાનો બર્થડે છે , હું સાંજે આપણાં ઘરે લાવીશ, તૈયારી કરી રાખજે. “
વિશ્વની વાત સાંભળી એના મમ્મી બોલ્યા, “હા, તૈયારી રાખીશ .”
વિશ્વ બોલ્યો, ” તને ખબર છે.. મમ્મી.. “
વિશ્વની વાત કાપતાં એના મમ્મી બોલ્યા, “હા, ખબર છે, એ ખૂબ સુંદર છે, મૃગનયની જેવી આંખો, લાંબા કાળા વાળ, નમણાં ગુલાબી હોઠ.. વગેરે વગેરે.. કેટલી વખત કહીશ કે એ દુનિયાની આઠમી અજાયબી છે. “
વિશ્વ હસવા લાગ્યો.એનાં મમ્મી લાડથી વિશ્વનો કાન ખેંચી બોલ્યા, ” મારો દીકરો પણ કોઈ હીરોથી કમ નથી , એકથી એક ઉત્તમ માગા તૈયાર છે, સમજ્યો. “
પ્રેમા સાંજે ઘરે આવી અને એ ખૂબ જ પ્રભાવિત થઈ, અને એને પણ વિશ્વને એક જીવનસાથી તરીકે સ્વીકારવાનું નક્કી કર્યું.
હવે બંને ખૂબ સાથે ફરતાં એક દિવસ બાઈકનું એક્સિડન્ટ થયું, પ્રેમાને તો સામાન્ય ઈજા થઈ, પણ વિશ્વનાં મગજ પર તીવ્ર ઈજા થઈ,
ડોક્ટરનાં કહેવા મુજબ વિશ્વ કેટલી હદે અપાહિઝ થશે કહેવાય નહીં, અને આ વાત થતાં જ પ્રેમાનો પ્રેમ ગાયબ થઈ ગયો.
પણ વિશ્વની એક મિત્ર હતી, શ્યામા..ભણવામાં હોશિયાર, દરેક પ્રવૃત્તિમાં હોનહાર પણ દેખાવે થોડી શ્યામ. એ વિશ્વનાં પરિવાર સાથે હિંમત બની ઊભી રહી , ઈશ્વર કૃપાએ હવે વિશ્વ સ્વસ્થ હતો. થોડા મહિનાઓનાં હોસ્પિટલના રોકાણ પછી આજે વિશ્વ ઘરે આવ્યો.
હોસ્પિટલમાંથી રજા મળતાં પ્રેમા ઘરે ફૂલનું બુકે લઈ આવી પહોંચી, એ વિશ્વ પાસે આવી એટલે વિશ્વ બોલ્યો કે, “સુંદરતા પ્રત્યેનો મારો ગમો અણગમો બદલાઈ ગયો છે , પ્રેમા આ સુંદર ફૂલ તું જ રાખ.”
પ્રેમા ઊભી થઈ એટલે વિશ્વ બોલ્યો, “અને હા.. ટૂંક સમયમાં હું આ ખૂબ સુંદર શ્યામા સાથે લગ્ન કરવાનો છું.. આવી જજે. “
અને શ્યામા આમ અણધાર્યા પ્રપોઝલથી ખૂબ આનંદ સાથે આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિશ્વ એ એક સુંદર ગીત ગણગણ્યું, “જબ કોઈ બાત બિગડ જાએ …”
જાગૃતિ કૈલા
Related