મારું અંગત મંતવ્ય એવું છે કે દુનિયામાં કોઈ પણ બાબત, વસ્તુ કે ઘટના સંપૂર્ણપણે સારી કે ખરાબ હોઇ જ ન શકે. દરેકના બે પાસા હોય, હોય અને હોય. જેને આપણે વ્યક્તિગત અભિગમ તરીકે ઓળખીએ છીએ વળી અંગત અભિગમ એ બીજું કાંઈ જ નહીં આપણા અહંકારનું પ્રતિબિંબ છે. દા.ત. આપણને કોઈ વાત સારી લાગે અથવા ખરાબ લાગે (કેમ કે આ સિવાયનું ત્રીજુ પરિણામ શક્ય નથી) તે વાસ્તવમાં અહંકારને આધિન છે કેમ કે વ્યક્તિગત રીતે હું જ્યારે એમ કહું કે “આ જ નીતિ છે” કે “આ જ ધર્મ છે” કે “આ જ સત્ય છે” ત્યારે મેં મારો અભિગમ રજૂ કર્યો એનો અર્થ એ થયો કે અન્યના અભિગમનો અસ્વીકાર કર્યો. આ જે અસ્વીકાર છે તે વાસ્તવમાં વ્યક્તિગત અહંકારને આધિન છે કેમકે આપણે દરેક પોતાની જાતને એટલા સારા, યોગ્ય અને ઉત્તમ સમજીએ છીએ કે આપોઆપ આપણને અન્ય ખોટા, અયોગ્ય અને હલકા લાગવા માંડે છે. દૈનિક જીવનમાં આપણે જ્યાં-જ્યાં સુખ-દુઃખ, હાર કે જીતનો અનુભવ કરીએ છીએ તે વાસ્તવમાં અહંકારનું જ પરિણામ છે. સુખ કે દુઃખનો અનુભવ વ્યક્તિગત હાર કે જીતને કારણે છે એટલે કે કોઈ બાબતમાં આપણને સફળતા મળે તો સુખ અનુભવાય અને નિષ્ફળતા મળે તો દુઃખનો અહેસાસ થાય. આ જે માનસિક અનુભવ છે (સારો કે ખરાબ) તે અહંકારને આભારી છે. દા.ત. એક રાજા યુદ્ધમાં હારે તો દુઃખી થાય અને જીતે તો ખુશ થાય. અહી હાર- જીત કે સુખ-દુખ વાસ્તવમાં તેના અહંકારને પોષે છે અથવા તેના અહંકારને ઠેસ પહોંચાડે છે. જ્યારે આપણા અહંકારને ઠેસ પહોંચે ત્યારે દુઃખ થાય અને અહંકારને પોષણ મળે ત્યારે ખુશી અનુભવાય. મારા એક મિત્ર હંમેશા કહે કે મને એવી જગ્યાએ રહેવામાં કોઈ રસ નહીં જ્યાં આપણા મંતવ્યનું મહત્વ ન હોય. જ્યાં વ્યક્તિનું મંતવ્ય સંભળાય, સ્વીકારાય કે વખાણાય ત્યાં વ્યક્તિના અહંકારને પોષણ મળે જેથી ખુશી અનુભવાય અને જ્યાં તમારા મંતવ્યોનો અસ્વીકાર કરવામાં આવે ત્યાં અહંકારને ઠેસ પહોંચે એટલે વ્યક્તિ દુઃખી થઈ જાય કે મને કોઇ સમજતું જ નથી, આ દુનિયા જ ખરાબ છે, સારાની કોઈ વેલ્યુ જ નથી, આ તમામ લાગણી કે વિધાનો બીજું કાંઇ નહીં પરંતુ અહંકારની નિશાની છે. આપણા અભિગમને સ્વીકારનાર જ શા માટે આપણને પ્રિય લાગે છે? કેમ કે આપણે આપણા વર્તનમાં સમતા રાખતા નથી. સાક્ષીભાવ રાખતા નથી. હંમેશા અહંકારને જ કેન્દ્રમાં રાખીએ છીએ.
કોઈ રાજા યુદ્ધમાં જીતે તેનો અહંકાર જો તલવાર કરે તો કેટલું યોગ્ય છે? અથવા રાજા હારે અને તલવાર નિરાશ થઈ જાય તો કેવું લાગે? એ જ રીતે સંસારમાં પળે-પળે જે કંઇ થાય છે તે પરમાત્માના નિર્દેશનમાં અને તેની ઈચ્છાનુસાર થાય છે. એમાં તમારી ઈચ્છા તો ક્યાંય આવતી જ નથી. તલવારનો ઉપયોગ કેવી રીતે કરવો તે રાજા નક્કી કરે. તલવાર એ નક્કી કરી જ ન શકે કે રાજા મારી ઇચ્છાથી ચાલે પરંતુ આપણે તલવાર હોવા છતાં એટલે કે ઈશ્વરના હાથનું સાધન હોવા છતાં હંમેશા વ્યક્તિગત અહંકારને કારણે રાજા બનવાનો વ્યર્થ પ્રયત્ન કરીએ છીએ. જેથી દુઃખી થઈએ છીએ અને હતાશા અનુભવીએ છીએ. પરંતુ વાસ્તવમાં યથાર્થ સમજણ સાથે માત્ર રાજાની ઈચ્છા (પ્રભુની ઈચ્છા) અનુસાર ઉત્તમ સાધન બનવાનો પ્રયત્ન કરીએ તો હર-હંમેશ ખુશી અને આનંદની પ્રાપ્તિ થતી રહે. ઘણીવાર એવું બને છે કે આપણે કોઈ કાર્યમાં થોડા આગળ વધ્યા પછી તેને છોડી દઈએ, ત્યારે લોકો પોતાની સમજણ અનુસાર કહેતા હોય છે કે જોયું કેવા ડરી ગયા એટલે કામ કરવાનું બંધ કરી દીધુ અથવા કહે કે રહેવા દો આ કાર્ય કરવું તમારી તાકાત બહારની વાત છે. આવા પ્રકારના વિધાનો વાસ્તવમાં વ્યક્તિના અહંકારને ઉત્તેજિત કરવાની યુક્તિઓ છે. જેને વશ થનાર ઘણી મુશ્કેલીમાં ફસાય જતો હોય છે કેમ કે આવું સાંભળ્યા બાદ વ્યક્તિ પૂર્ણ જોશ સાથે કાર્ય કરવાનો અને જીતવાનો પ્રયત્ન કરતો હોય છે આ પણ અહંકારનું જ પરિણામ છે. વ્યક્તિને તેનો અહંકાર જગાડે કે લોકો તેને ડરપોક સમજે છે અને પછી વ્યક્તિ માત્ર અહંકારપૂર્તિ અર્થે ન કરવાનાં કાર્ય કરે અને સંઘર્ષમય જીવન જીવે છે. ટૂંકમાં “હું કહું એમ જ થવું જોઈએ”, “લોકો બધા ખોટા છે અને હું જ સાચો છો”, “દુનિયા આખી ખરાબ છે”, “હું તો કદી ખરાબ કામ કરૂ જ નહીં”, “અમારા તો સંસ્કાર જ નથી આવા કાર્યો કરવાના” વગેરે લાગણીઓ કે વિધાનો અહંકારનું દર્શન કરાવે છે. પરંતુ આપણે સહજ રીતે સતત આવું બોલતા હોઈએ છીએ અને કહેતા હોઈએ છીએ કે “મારામાં તો અહંકાર છે જ નહીં” આમ અહંકાર નથી એવું સમજવું કે પણ સૂક્ષ્મ અહંકાર છે. પરંતુ આપણે અહંકારને યોગ્ય રીતે ઓળખી ન શકવાને કારણે તેની સામે હારી જઈએ છીએ કેમ કે દુશ્મનને ઓળખ્યા વગર તેની સામે લડી કે જીતી કેવી રીતે શકાય?
ક્યારેક આપણને થાય કે અહંકાર માત્રથી જીવનમાં સંઘર્ષ, પીડા કે સમસ્યા સર્જાતી હોય તો ઈશ્વરે અહંકારનું સર્જન શા માટે કર્યું હશે? કેમ કે જેમ આપણું સ્થૂળશરીર પંચમહાભૂતોથી બન્યું છે તે રીતે આપણું સૂક્ષ્મશરીર મન, બુદ્ધિ અને અહંકારનું મિશ્રણ છે. વળી સૂક્ષ્મશરીરની તાકાત સ્થૂળશરીર કરતા અનેકગણી વધારે છે. આ સૂક્ષ્મશરીરના ત્રણ તત્વો (મન, બુદ્ધિ અને અહંકાર) મા પ્રથમ બે (મન અને બુદ્ધિ) વાસ્તવમાં અહંકારથી જ પ્રેરિત છે. એટલે કે અહંકાર જ આ બંનેનું ચાલક બળ છે. અહંકાર જ મન અને બુદ્ધિને નચાવે છે અને એ અનુસાર વ્યક્તિ નાચ્યા કરીયે છીએ પરિણામે સુખ કે દુઃખ મેળવતા રહીયે છીએ. આમ પ્રકૃતિના આઠેય તત્વોમાં સૌથી અગત્યનો અહંકાર છે. એટલા માટે પ્રશ્ન થાય કે ઈશ્વરે આવું ખતરનાક તત્વ મનુષ્યમાત્રને આપ્યું શું કામ? જેના દ્વારા તેનું જીવન દુઃખ, પીડા અને સંઘર્ષમય બન્યું. વાસ્તવમાં દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ અહંકારની માત્ર ખરાબ જ બાજુ છે એવું નથી પરંતુ સારી બાબત પણ છે. અહંકાર વાસ્તવમાં જીવનનું ચાલક બળ છે એટલે કે જીવનને ગતિ અહંકારથી જ મળે છે. જો અહંકાર ન હોય તો મનુષ્ય જીવનમાં સ્થિરતા, જડતા અને નિર્જીવતા આવી જાય. મનુષ્યની સક્રિયતા પાછળ એક માત્ર મહત્વનું પરિબળ કે કારણ અહંકાર છે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આપણી મન અને બુદ્ધિનું ચાલક બળ અહંકાર છે. જો તે ન હોય તો મન વિચારે નહીં અને બુદ્ધિ નિર્ણય લઈ શકે નહીં. સંકલ્પ-વિકલ્પ કરવો એ મનનું કાર્ય છે અને નિર્ણય કરવાનું કાર્ય બુદ્ધિનો છે પરંતુ સંકલ્પ-વિકલ્પ, વિચાર કે નિર્ણય આપણે આપણો અહંકાર સંતોષાય એ રીતે જ લઈએ છીએ. “હું આ કરીશ અને આ નહીં કરું” એવો સામાન્ય નિર્ણય પણ અહંકાર પ્રેરિત જ હોય છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ ગમવી કે ન ગમવી એ શું છે? આપણા અહંકારને પોષતી વસ્તુ, વ્યક્તિ કે ઘટના આપણને ગમે છે બાકીની આપણને ગમતી નથી. એ જ રીતે જો કોઈ આપણને કહે કે રહેવા દે આ કામ કરવું તમારા સામર્થ્ય બહારની વાત છે ત્યારે આપણામાં એક અજીબ જુસ્સો આવે છે અને અશક્ય મા અશક્ય કામ આપણે કરી બતાવીએ છીએ. આ શું છે? અહંકાર જ તો છે. અસાધ્ય રોગોમાંથી મુક્તિ કે કોઈપણ બાબતમાં જ્વલંત વિજય મેળવવો વગેરે શક્ય ત્યારે જ બને છે જ્યારે અહંકારને ઠેસ પહોંચે છે. ભૂતકાળમાં દલિતોની લાગણીઓ દુભાતી, અહંકારને ઠેસ પહોંચી એટલે તો તેઓમાં અકલ્પનીય ગતિ આવી અને તેમણે પોતાની પરિસ્થિતિ બદલી નાખી. ગાંધીજીને ગોરિયાએ ટ્રેનના ડબ્બામાં ફેંકી દીધા તેમનો અહંકાર ઘવાયો અને ક્રાંતિ થઈ. ઘણા એવા દ્રષ્ટાંતો છે કે વ્યક્તિનો પગ કપાયા પછી સ્વિમિંગ જેવી સ્પર્ધામાં તે પ્રથમ આવ્યો હોય, અંધ વ્યક્તિએ અકલ્પનીય સફળતા માત્ર એ કારણે મેળવી હોય કે “તું કંઈ જ ન કરી શકે” તે સાંભળવાથી તેનો અહંકાર ઘવાયો હોય. ટૂંકમાં જીવમાત્રના જીવનમાં ગતિ લાવવાના નેક ઈરાદા સાથે ઈશ્વરે અહંકારનું નિર્માણ કર્યું હશે. વળી વ્યક્તિની સફળતા ઉપરાંત સલામતીના પણ જેટલા પ્રયત્નો વ્યક્તિ જીવનભર કરે છે તે તમામ પાછળ અહં કે સ્વનો ખ્યાલ જ મૂળભૂત જવાબદાર પરિબળ છે. જો અહંકારનું અસ્તિત્વ ન હોય તો જીવનમાં કોઈ ગતિ જ ન હોય, કોઈ સલામતી ન હોય કે ન સફળતા હોય. એનો અર્થ એ થયો કે અહંની ગેરહાજરીમાં ગતિ, સલામતી કે સફળતા વગરનું જીવન વ્યક્તિએ જીવવું પડત. આપણે જીવનભર અન્યથી જુદા અને વિશેષ દેખાવાના પ્રયત્નોને કારણે જ તો પૈસા, વ્યક્તિત્વ, જ્ઞાન, પ્રતિષ્ઠા, વગેરે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. વિચારો અહંકાર જ ન હોય તો આ તમામ દોડ બંધ થઈ જાય અને એક પ્રકારની સ્થિરતા કે નિર્જીવતા આવી જાય. આમ ઈશ્વરે તો ખૂબ ઉત્તમ ઇરાદા સાથે અહંકારનું સર્જન કર્યું કે જેથી જીવ સતત ગતિશીલ અને સક્રિય રહે, સલામતી અને સફળતા મેળવવા પ્રયત્ન કરે, પોતાની શક્તિને ઓળખે અને પોતાની પસંદગી પ્રમાણેની દુનિયા બનાવે. જેમાં સુખ-શાંતિ અને તમામ પ્રકારની સફળતાનો આનંદ મેળવે કેમ કે એ બધું જ તો આપણને જોઈએ છીએ જે પરમાત્મા જાણે છે. એટલા માટે તે સર્વેની પ્રાપ્તિ માટેના ઉત્તમ સાધન તરીકે આપણને તેમણે શરીર, મન, બુદ્ધિ અને અહંકાર આપ્યા છે. તેણે પોતાના બાળકને (આપણને) તથાસ્તુ કહી દુનિયામાં મોકલ્યા છે કે જ્યાં આપણે આપણી ઇચ્છા પ્રમાણેનું સ્વર્ગ ઉભું કરી શકીએ. પરંતુ આપણે પોતાની દુનિયા ઉભી કરવામાં અન્યની દુનિયાને ખતમ કરવા માંડ્યા છીએ એટલા માટે પીડાઓ અને સમસ્યાઓ વધી રહી છે.
ટૂંકમાં અહંકાર સારો કે ખરાબ નથી, તેને સમજવાની અને ઉપયોગ કરવાની આપણી રીત કે અભિગમ કદાચ અયોગ્ય હોઇ શકે. હા, જેને જીવનમાં સફળતા, પૈસો, માન-પ્રતિષ્ઠા, પદ, સત્તા, સંબંધો વગેરેની ઈચ્છા નથી તેને માટે અહંકારની કોઈ આવશ્યકતા નથી. અહંકારની ગેરહાજરીમાં આ તમામની પ્રાપ્તિ શક્ય જ નથી. અહંકારથી મુક્તિ માત્ર પરમાત્માની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. જેથી જેને ઈશ્વરપ્રાપ્તિ કે મોક્ષની ઈચ્છા છે (એટલે કે સાંસારિક ઇચ્છાઓમાંથી મુક્તિ મેળવવાની ઈચ્છા છે) તેમણે અહંકારનો ત્યાગ કરવો આવશ્યક છે. બાકી જેના અનેક સપનાઓ છે, ઇચ્છાઓ છે પદ-પૈસો-પાવર મેળવવાની એના માટે તો અહંકાર આશીર્વાદરૂપ છે. અહંકારના યોગ્ય ઉપયોગ દ્વારા આ તમામ પ્રાપ્તિ શક્ય છે. વળી ઈશ્વર તો મૂળભૂત રીતે સ્વતંત્રતાના સિદ્ધાંતને સ્વીકારે છે એટલે કે જીવમાત્રને તેની ઈચ્છા અનુસાર પૂર્ણ સ્વતંત્રતા સાથે જીવવાનો અબાધિત હક પ્રભુએ સર્વને આપેલો જ છે. વળી તેના માટે જરૂરી સાધનો શરીર (મન, બુદ્ધિ અહંકાર) પણ પ્રોવાઇડ કર્યા છે. હવે આપણે જો આપણા હેતુને, સાધનોને, જીવનને સમજી ન શકીએ કે ઇશ્વરની આપેલી સોગંધ કે સાધનોનો યથાર્થ ઉપયોગ ન કરી શકીયે તો એ તો આપણી કમનશીબી કહેવાય. સાધન કદી સારું કે ખરાબ ન હોઈ શકે તેનો ઉપયોગ સારો કે ખરાબ હોઈ શકે. જે સંપૂર્ણપણે આપણી વિવેકબુદ્ધિ પર આધારિત છે. એટલા માટે જીવનમાં સફળતા, સુખ-શાંતિ, સલામતી વગેરેની પ્રાપ્તિ કરવી હોય તો વિવેકબુદ્ધિ કેળવવી જ પડે.
ટૂંકમાં જેને જીવનમાં ભૌતિક સુખ-સાહીબીની તમન્ના છે તેના માટે અહંકાર ઉત્તમ સાધનની ગરજ સારે છે કેમ કે તે તમામ પ્રાપ્તિનું ચાલકબળ છે. જે જીવનમાં ગતિ આપી સર્વ પ્રકારની પ્રાપ્તિમાં સહાયભૂત થાય છે. પરંતુ જેને આવી ભૌતિક સુખસાહ્યબીની માયાજાળમાં નથી ફસાવવું અને વાસ્તવિક શક્તિ અને અસ્તિત્વને પામવું છે તેને માટે આ અહંકાર નિરર્થક અને બિનઉપયોગી છે. આમ અહંકાર પોતે સારો કે ખરાબ નથી, તેનો ઉપયોગ સારો કે ખરાબ હોઈ શકે. જે વ્યક્તિની પોતાની ઈચ્છા અને વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે. પરંતુ અહંકારરૂપી સાધનનો વિવેકપૂર્ણ અને વિધાયક ઉપયોગ થાય એ જ સર્વના હિતમાં છે.