તમામ પ્રકારની અશુદ્ધિથી છૂટકારો સંપૂર્ણ સ્વસ્થ, સફળ અને સક્ષમ જીવનની પૂર્વશરત છે. તન મન કે આત્મા જ્યાં સુધી અશુદ્ધ હશે ત્યાં સુધી જીવનમાં રોગ, બીમારી, તકલીફ અને સમસ્યા રહેવાની ઉપરાંત જીવન પણ આધિ-વ્યાધિ-ઉપાધિથી ગ્રસ્ત રહેવાનું જ. હા એ વાત જુદી છે કે કોઈને જીવનમાં આધિ-વ્યાધિ-ઉપાધિ પસંદ નથી. દરેકની હરહંમેશની કાયમી ઈચ્છા આધિ-વ્યાધિ-ઉપાધિમુક્ત જીવનની જ રહી છે. જે પ્રાપ્ત પણ અવશ્ય કરી શકાય પરંતુ તે માટે અશુદ્ધિઓને તેના યથાર્થ રૂપમાં સમજી તેનાથી છૂટવાનો પ્રામાણિક અને નિયમિત પ્રયત્ન કરવો પડે. કઠિન પુરુષાર્થ વગર અશુદ્ધિથી મુક્ત થવું અશક્ય છે એ તો સમજવું જ રહ્યું.
અશુદ્ધિઓ ત્રણ પ્રકારની હોય છે 1) તનની અશુદ્ધિ એટલે કે શારીરિક અશુદ્ધિ ૨) મનની શુદ્ધિ એટલે માનસિક અશુદ્ધિ અને ૩) આત્માની અશુદ્ધિ કે આત્મિક અશુદ્ધિ. તનની અશુદ્ધિ એટલે શરીર સાથે જોડાયેલ અશુદ્ધિઓ જે અનેક પ્રકારની બીમારીઓ અને રોગ માટે જવાબદાર છે. વિજ્ઞાન તેને ટોક્સિનના નામે ઓળખે છે જ્યારે આયુર્વેદ તેને વિષદ્રવ્યો કહે છે. શરીરમાં અપચો, કબજિયાત વગેરેને કારણે તેમ જ અયોગ્ય જીવનશૈલી (જેવી કે ગમે તે સમયે ઉઠવું, ગમે તે સમયે સૂવું, ગમે તેવું ખાવું, ગમે તે સમયે ખાવું વગેરે) પ્રાકૃતિક જીવન તરફની બેદરકારી (એટલે કે પ્રકૃતિના પંચમહાભૂતોથી વિરક્ત જીવન જીવવું) ને લીધે શરીરમાં વિષદ્રવ્યોનું પ્રમાણ વધતું હોય છે, જે અનેક રોગોને જીવનમાં આમંત્રણ આપે છે. તનની અશુદ્ધિ બે રીતે દૂર કરી શકાય ૧) સ્નાન દ્વારા અને ૨) યોગ્ય પૌષ્ટિક સાત્વિક આહાર દ્વારા. પરંતુ આપણે junk food (જંક એટલે કચરો) ખાઈ શરીરમાંથી અશુદ્ધિ દૂર કરવાને બદલે અશુદ્ધિ વધારીએ છીએ અને પછી બીમાર પડી અનેક એલોપેથીની દવા દ્વારા શરીરને વધુ ને વધુ અશક્ત બનાવી મૂકીએ છીએ. ટૂંકમાં જીવનભર ન કરવાના કાર્યો જ આપણે અવિરતપણે કર્યા કરીએ છીએ, કોઈ પ્રકારની સભાનતા કેળવતા જ નથી અને પછી જીવનભર કર્મ અને પ્રારબ્ધને દોષ દઈ સ્વહસ્તે ઊભી કરેલી અશુદ્ધિઓના પરિણામરૂપ અનેક તકલીફો અને પીડાઓને સહન કરતાં રહીએ છીએ. છતાં શુધ્ધિ તરફ અગ્રેસર થતાં નથી કે સમસ્યાના મૂળભૂત કારણ સમાન અશુદ્ધિને સમજી તેને દૂર કરવાનો પ્રયત્ન કરતા નથી. આનાથી મોટી કમનસીબી બીજી કઈ હોય શકે? આપણું શરીર શુદ્ધ હોય, આપણું ઘર શુદ્ધ હોય, આપણી આજુબાજુનું પર્યાવરણ સ્વચ્છ હોય તો આપોઆપ જીવન અનેક તકલીફો મુશ્કેલીઓ બીમારીઓ રોગોથી મુક્ત થઈ જાય. સ્વચ્છતાપૂર્ણ જીવનશૈલી એ જ સાચું સંસ્કારી જીવન છે. પરંતુ આપણે બધા કહેવાતા બુદ્ધિશાળી અને ભણેલાગણેલા લોકો બધું સમજતા હોવા છતાં અણસમજુ જ રહી ગયા છીએ. સમસ્યાના મૂળ સુધી પહોંચી જ શકતા નથી અથવા કદાચ પહોંચવા માગતા જ નથી. સમસ્યાનું કારણ સમજી તેને દૂર કરવાનો પ્રયન્ત ન કરીએ તો સમાધાન કે મુક્તિ મળે કેવી રીતે? શારીરિક શુદ્ધિ માટે શરીર સાથે જોડાયેલ અનેક પ્રકારની અશુદ્ધિઓને સમજવી પડે તે વગર સમસ્યામુક્ત જીવન શક્ય ન બની શકે અને સાચી સુખ-શાંતિ પણ ન મેળવી શકાય.
અશુદ્ધિઓનો બીજો પ્રકાર છે મનની અશુદ્ધિ. મન એક વૈશ્વિક ચેતના છે. મનની શક્તિ અગાધ છે. જે માત્ર મનુષ્ય પાસે છે. તેના ઉત્તમ ઉપયોગ દ્વારા જીવન સ્વર્ગ બની શકે અને તેનો અયોગ્ય ઉપયોગ જીવનને નર્ક સમાન પણ બનાવી શકે. મનની શુદ્ધિ જીવનની દરેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે. મનની અશુદ્ધિ એટલે નકારાત્મકતા, સ્વાર્થ, હતાશા, અસંતોષ, નિરાશા, ભય અને તણાવ. વ્યક્તિના જેવા વિચારો તેવું તેનું જીવન. એવું કહેવાય છે કે વ્યક્તિ સાથે શું થાય છે તે એટલું મહત્વનું નથી જેટલું તે પરિસ્થિતિને કેવી રીતે લે છે તેનું મહત્વ વધુ છે એટલે કે “what happens to you is not that important but how you take it is very much important” ઘણાને માથે આભ તૂટી પડે તો પણ તે સ્વસ્થ હોય છે અને ઘણાને નાની એવી તકલીફ તોડી નાખે છે. અરે થોડી ગરમી વાતાવરણમાં વધી જાય તો પણ ઘણા લોકો ડિસ્ટર્બ અને પરેશાન થઇ જતા હોય છે. આમ મનની સ્થિતિ વ્યક્તિના જીવનની દિશા નક્કી કરે છે. કોઈને અતિ મોટું દુઃખ પણ દુઃખી નથી કરી શકાતું જ્યારે કોઈને નાની એવી મુશ્કેલી પણ અતિશય પીડાદાયક લાગે છે. વ્યક્તિ કેટલું સુખ મેળવશે કે કેટલું સુખ ભોગવી શકશે તેનો સંપૂર્ણ આધાર વ્યક્તિના મનની સ્થિતિ પર રહેલો છે. ઘણા લોકો પાસે તમામ પ્રકારના ભૌતિક સુખ-સગવડના સાધનો અને સાહિબી હોવા છતાં તેના જીવનમાં બિલકુલ આનંદ પ્રસન્નતા કે શાંતિ જોવા મળતી નથી. આજીવન ફરિયાદો સાથે જ તે જીવન પસાર કરે છે કેમ કે જીવનમાં સંતોષ નામનું તત્વ જ નથી. ઉપરાંત વ્યક્તિનો સ્વાર્થ હંમેશા એ હાઈટનો રહેતો હોય છે કે તેને બીજાની તકલીફ તો ક્યારેય દેખાતી જ નથી પરંતુ સૃષ્ટિ પરનું જીવન તો સહિયારું છે જેથી એક ને દુઃખી કરી અન્ય કદાપિ ખુશ રહી શકે નહી કેમ કે પ્રકૃતિના દરેક તત્વો એકબીજા સાથે જોડાયેલા છે. વળી મનુષ્ય સતત કોઈ અજ્ઞાત ભયની જાળમાં કેદ રહે છે જેમ કે ભવિષ્યમાં શું થશે, હું બીમાર પડીશ તો શું થશે, વૃદ્ધાવસ્થામાં સંતાનો સેવા નહીં કરે તો મારું શું થશે વગેરે જેવી મનોદશા જીવનમાં ચિંતા નિરાશા હતાશાનો માહોલ સર્જે છે. વ્યક્તિની કોઈ નાની એવી ઇચ્છા કે અપેક્ષા પણ પૂર્ણ ન થતાં તે અતિશય ચિંતિત નિરાશ કે હતાશ થઈ જતો હોય છે. જીવનમાં સફળતા અને ધન પાછળની દોડ (materialistic success) એટલી તીવ્ર બની છે કે દેખાદેખી અને અન્યથી આગળ નીકળવાની ઇચ્છામાં તે સતત તણાવયુક્ત જીવન જીવે છે. જે તેની નિરાશા હતાશા ચિંતા ભય તનાવ અસંતોષમાં વધારો કરે છે. અનેક નિષ્ફળતાઓ કે કડવા અનુભવોને લીધે તેને થાય છે દુનિયામાં કોઈ સારું છે જ નહીં, બધા સ્વાર્થી છે, કોઈ ઉપયોગી નથી, બધા સ્વાર્થના અને લાભના સગા છે, આવી અનેક પ્રકારની નકારાત્મકતા તે જાણે-અજાણે અવિરત સર્જે છે. આજીવન આવી અનેક નકારાત્મકતા વચ્ચે વ્યક્તિ જીવે છે જે તેને આંતરિક રીતે ખતમ કરી નાખે છે. પરંતુ કમનસીબે તેને જીવનપર્યંત એ સમજાતું જ નથી કે નકારાત્મકતા કે અશુદ્ધિની સમગ્ર જાળ તેણે પોતે જ રચી છે. એમાંથી બહાર નીકળવા માટે શુદ્ધિપૂર્ણ પ્રયત્નો એણે પોતે જ કરવા પડશે. તે કોઈ અજ્ઞાતશક્તિ કે ભગવાનના ભરોસે બેઠો રહે છે પરંતુ ભગવાન પણ એને જ મદદ કરે છે જે પોતાના માટે કંઈક કરે, જાગૃત બને. ટૂંકમાં બીજા પ્રકારની અશુદ્ધિ એ માનસિક અશુદ્ધિ છે મનની અશુધ્ધિ છે જેને દૂર કર્યા વગર સમસ્યામુક્ત પ્રસન્ન જીવન શક્ય નથી.
ત્રીજી અશુદ્ધિ છે આત્માની અશુદ્ધિ. આત્માનું વાસ્તવિક સ્વરૂપ મૂળભૂત રીતે અતિ શુદ્ધ સ્વસ્થ અને સુઘડ છે. પરંતુ આત્માને યુગોથી (જન્મોથી) વળગેલી કામ-ક્રોધ-લોભ-મોહ-અહંકાર અને ઈર્ષારૂપી અશુધ્ધિઓએ તેની અસીમ શક્તિને હણી લીધી છે. હજારો વોટનો કોઈ બલ્બ હોય, જેનો પ્રકાશ ખૂબ તેજ હોય પરંતુ તેની આજુબાજુ સખત જાડા અને કાળા કપડાં વીંટી દેવામાં આવે તો તીવ્ર પ્રકાશ ધરાવતો તે બલ્બ શક્તિશાળી હોવા છતાં તેના વાસ્તવિક સ્વરૂપનો અને શક્તિનો લાભ લઇ શકે નહીં એટલે કે પોતાના પ્રકાશિત સ્વરૂપમાં રહી શકે નહીં. એ જ રીતે મનુષ્યના આત્માને કામ-ક્રોધ-લોભ-મોહ-અહંકાર-ઈર્ષા જેવી અશુદ્ધિઓ વળગેલી છે. જેથી તે અસીમ શક્તિશાળી હોવા છતાં કંઈ જ કરવા સક્ષમ રહ્યો નથી. મનુષ્યની અમર્યાદિત ઇચ્છાઓ કામનાઓ વાસનાઓ તેને લોભી બનાવે છે, ઈચ્છા પૂર્ણ ન થતા ક્રોધ જન્મે છે, ઈચ્છાપૂર્તિમાં સાથ આપનાર પર આસક્તિ અને રાગ વધે છે, ઈચ્છાપૂર્તિમાં નડનાર અને વિઘ્નો પેદા કરનાર શત્રુ સમાન જણાય છે, જેના માટે અણગમો અને દ્વેષ ઉદભવે છે. આ રીતે અશુદ્ધિઓ સતત વધતી જાય છે. અશુદ્ધિની આ યાત્રામાં વ્યક્તિગત અહંકાર એટલો બધો વધી જાય છે કે વ્યક્તિ પરમાત્મામાંથી વિખુટો પડતો જાય છે. પરમાત્મા એટલે બીજું કાંઈ જ નહીં અસીમ દિવ્યશક્તિ અને સનાતન અસ્તિત્વ. જેની સાથે જોડાયેલા રહીને જ વ્યક્તિ સમસ્યામુક્ત, સ્વસ્થ અને શુદ્ધ રહી શકે. પરંતુ વ્યક્તિગત અહંકાર મનુષ્યને શુદ્ધ સ્વસ્થ અને સમસ્યામુક્ત રહેવા દેતો નથી. સમુદ્રનું કોઈ ટીપુ અહંકારયુક્ત થઈ સમુદ્રથી છુટું પડે તો તેનો વિનાશ તો નક્કી જ છે. કેમ કે તેણે પોતે જ પોતાની જાતને અસીમ શક્તિ અને અસ્તિત્વથી છુટી પાડી દીધી છે. એ જ રીતે જીવમાત્ર દિવ્યશક્તિથી પરમાત્માથી દૂર રહી સ્વસ્થ શુદ્ધ અને સમસ્યામુક્ત જીવન જીવી શકે જ નહીં, એટલું તો બુદ્ધિશાળી પ્રાણી તરીકે ઓળખાતા મનુષ્યે સમજવું જ રહ્યું.
ટૂંકમાં જીવનમાં સુખ-શાંતિની અપેક્ષા રાખનાર, દરેક પ્રકારની સફળતા ઇચ્છનાર, આનંદપ્રમોદ વાળી જીંદગી જીવવાની ઇચ્છા ધરાવનાર, કષ્ટ અને સમસ્યાની જીવનમાંથી બાદબાકી કરવા ઇચ્છનાર વ્યક્તિએ સંપૂર્ણ શુધ્ધિ કેળવવી જ પડે. સંપૂર્ણ શુધ્ધિ એટલે શારીરિક, માનસિક અને આત્મિક શુદ્ધિ. શારીરિક શુદ્ધિ માટે પ્રાકૃતિક જીવનના નિયમોનું પાલન કરવું પડે, સ્નાન-આહાર અંગે જાગૃતતા કેળવવી પડે, શરીરમાંથી વિષદ્રવ્યો (ટોક્સિન) દૂર કરવા પડે. ઉપરાંત મનને અશક્ત અને અશુદ્ધ કરનાર નકારાત્મકતા, ચિંતા, ભય, હતાશા, નિરાશા, સ્વાર્થ, અસંતોષ, દેખાદેખી, તણાવ જેવી અનેક અશુદ્ધિથી મુક્ત થવું પડે. તેમજ ષડરિપુ જેવા કે કામ-ક્રોધ-મોહ-લોભ-મદ-મત્સરને જીવનમાંથી તિલાંજલિ આપવી પડે. જેનાથી તન-મન આત્મા ત્રણે શુદ્ધ બને, શક્તિશાળી બને અને જીવન પીડામુક્ત બને.
તન મન અને આત્મા ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે. સશક્ત અને શુદ્ધ આત્મા દ્વારા આપોઆપ મન સશક્ત શુદ્ધ શક્તિશાળી બને છે. જે તનને પણ સ્વસ્થ શુદ્ધ શક્તિશાળી અને રોગમુક્ત બનાવે છે ટૂંકમાં જીવનના દરેક સુખ સામે મોટો અવરોધ બીજો કોઈ નહીં પરંતુ અશુધ્ધિ છે અને શુદ્ધિપ્રાપ્તિના પ્રમાણિક નિયમિત પ્રયત્નો વગર અશુદ્ધિ દૂર થઈ શકે નહીં. જ્યાં સુધી જીવનમાં અશુદ્ધિઓનું સામ્રાજ્ય છે ત્યાં સુધી સક્ષમ સમર્થ સફળ શક્તિશાળી સુખી અને પ્રસન્ન થવું શક્ય નથી. શુદ્ધિની ઈચ્છા રાખનારે અશુદ્ધિના મૂળને ઓળખી તેનો ત્યાગ કરવો અનિવાર્ય છે. તો આવો આજે જ ત્રણે પ્રકારની અશુદ્ધિનો ખાત્મો કરવાનું પ્રણ લઈએ અને જીવનને અસ્તિત્વને શુદ્ધ બનાવી આજે જ શુદ્ધિપ્રાપ્તિની પ્રતિજ્ઞા કરીએ. એકવાર શુદ્ધિ પ્રાપ્તિની પ્રતિજ્ઞા તો કરો પછી જુઓ જીવન ખુશીઓથી છલકાઈ જાય છે કે નહીં ! કદાચ તમે કહેશો કે આ બધું તો અમને ખબર જ છે વળી કહેવું સહેલું છે કરવું અઘરું છે. તો હું એટલું તો અવશ્ય કહીશ કે આપણને જન્મથી બધું આવડતું નહોતું. પ્રયત્ન અને પ્રેક્ટિસ દ્વારા જ આપણે બધું શીખ્યા છીએ અને આજે પણ દરરોજ કંઈક નવું નવું શીખ્યા જ કરીએ છીએ. (પરંતુ જે ખરેખર શીખવાનું છે તે નથી શીખી શકતા એ જ કરુણતા છે) આમ દ્રઢ સંકલ્પ અને નિયમિત પ્રયત્નો દ્વારા અશક્ય તો કશું જ નથી. સંકલ્પ તો કરો, તે અંગે અગ્રસર તો બનો પછી જુઓ બધું સહજ અને સરળ બની જાય છે કે નહીં. ઇશ્વર દરેકને તેના પવિત્ર સંકલ્પની પૂર્તિમાં મદદ કરે એ જ અભ્યર્થના.