“ચાલો ચાલો, આજે આપણે આ ઘરમાં જઈએ મજા આવશે ત્યાં રમવાની આપણને.” સાપસીડીની રમત બોલી.
“કેમ, એવું તો ત્યાં શું છે એ ઘરમાં?” સંતાકૂકડીએ સંતાઈને પૂછ્યું.
“અરે ત્યાં નાના બાળકો છે, વૃદ્ધ છે, માતા – પિતા છે લગભગ સોળ સત્તર જણાનો પરિવાર છે.”
“ના હોય, જો આટલા બધા લોકો હોય તો અવાજ તો આવે ને અહિયાં તો એકદમ શાંતિ છે.” નવો વેપાર અદેખાઈથી બોલ્યો.
“આપણે અંદર જઈએ તો ખરા જોઈએ.” ખો – ખો એ ખો પુરાવી.
“હું હળવેક થી પેલા અંદર જઈને જોઈ આવું, અંદર શું માહોલ છે એ કહું તમને.” એક લખોટી બોલી.
“હા, તું અમસ્તા જીણી છો, જા જોઈ આવ કે આ ઘરમાં આપણને આશરો મળશે કે નહીં.” બધાએ એકસાથે કીધું.
લખોટી અંદર સરકીને ગઈ જોયું તો, સન્નાટે કો ચિરતી હુઈ શાંતિ. લખોટી રડતાં રડતાં બહાર આવી.
“શું થયું? અહિયાં તો મજા આવશે જ ને?” અંતાક્ષરીએ આશ લગાવી પૂછ્યું.
“આપણે રમત રમતા રમતા જે અવાજ હતો, મસ્તી હતી, મજા હતી એ હવે મૌનએ લઈ લીધી છે, એક બાળકના હાથમાં મોબાઈલ છે અને એમાં પબ જી શરૂ છે, એક છોકરી છે એના હાથમાં લેપટોપ છે અને વેબ સીરિઝ જોવે છે, વૃદ્ધ દાદા – દાદી ટીવીમાં આમદેવ બાબા જોવે છે અને માતા – પિતા, કાકા – કાકી પોત પોતાના રૂમમાં ટીવી અને મોબાઇલમાં વ્યસ્ત છે. કોઈ કોઈને બોલાવતું નથી, બધા એક સાથે મૌનની મજા માણે છે.” લખોટી આટલું બોલતા બોલતા સરકી ગઈ અને સાથે બાકીની રમતો પણ તેનો આશરો શોધવા મથવા લાગ્યા.
સુનિલ ગોહિલ “માસ્તર”