ટાઇટલ જોઈને જ અંદાજો આવી ગયો હશે કે લેખ શાના વિશે છે અને ના આવ્યો હોય તો કડવી દવા પીવાની આદત હોય તો જ આગળ વાંચજો કારણકે આ લેખ વાંચ્યા પછી ઘણા માતા પિતાનો ઈગો હર્ટ થશે અને તેઓ મને મણ મણની ગાળો આપવાના છે પણ જે પણ લખું છું એ સદંતર સાચું જ લખું છું અને સત્ય હંમેશા કડવું જ લાગે છે. આગળની વાત રજૂ કરું એ પહેલા અમુક કેસ રજૂ કરું છું.
કેસ ૧ :
આલોક અને અનાહિતા બંને એક કોર્પોરેટ ગ્રૂપમાં મિત્ર બનેલા. આલોક એક ખૂબ ધનાઢ્ય પરિવારનું સંતાન. નાનપણથી મા બાપે પાણી માંગે તો દૂધ પીરસેલું. અનાહિતા એ આપણા સમાજ દ્વારા બનાવેલની વર્ણ વ્યવસ્થાના સૌથી નિમ્ન વર્ણમાં જન્મેલી અને માધ્યમ વર્ગ કરતા નીચી કક્ષાની આર્થિક વ્યવસ્થામાં જન્મેલી અને જીવેલી દીકરી. આલોક અને અનાહિતા બંને એવા સંજોગોમાં એકબીજાના સંપર્કમાં આવેલા જયારે તે બંને અંગત કારણોસર નર્વસ હતા. બંનેએ એકબીજા સાથે વાત કરવાની શરુ કરી અને દિવસો જતા એ વાતો દોસ્તી અને પછી પ્રેમમાં પરિણમી. અહીં સુધી બધું સારું જ હતું પણ બંનેના જીવનમાં જે તોફાન આવવાનું હતું એ હવે પોતાની ચરમસીમાએ આવાનું હતું. આલોકે પોતાના પરિવારમાં પોતાની મમ્મીને અનાહિતા વિશે વાત કરી. મમ્મી નો સૌથી પહેલો સવાલ : છોકરીની જાત કઈ છે ? આલોકનો જવાબ સાંભળતા જ તેના મમ્મીએ કહી દીધું કે આ જાતની છોકરીના ત્યાં અપને પાણી પણ ના પીએ અને તું એને ઘરમાં લાવવાની વાતો કરે છે. છતાં આલોકના આગ્રહને વશ થઈને તેમને અનાહિતાની માહિતી માંગી અને કુંડલીની તપાસ કરાવી. કુંડલીની તપાસ વખતે આલોકે પણ તેમની સાથે જવાની જીદ કરી એટલે તેમને પહેલેથી જ મહારાજને ફોડી લીધો કે હું જયારે આલોકને લઈને આવું ત્યારે તમારે એને હું તમને જે કહું છું એ જ કહેવાનું.
કેસ ૨ :
પલાશ એક મેડીકલમાં અભ્યાસ કરતો છોકરો છે. સાહિત્યમાં પણ થોડો રસ ખરા. એને એનું સંપૂર્ણ બાળપણ અને અર્ધી યુવાની પોતાના ભણતર પાછળ લગાવી. શાળા કે કોલેજના વર્ષો દરમ્યાન કોઈ છોકરી સાથે કોઈ જ સંબંધ કે નજદીકી રાખી નહોતી. પ્રાપ્તિ એ એક મેડિકલ શિક્ષકની દીકરી જે કોઈ અલગ જ શહેરમાં રહેતી. યોગાનુયોગે પ્રાપ્તિ અને પલાશનું મળવાનું થયું અને મિત્રતા થઈ. ત્રણ વર્ષની દોસ્તી પછી મનમાં દોસ્તી ગુમાવવાના ડર સાથે પલાશે પ્રાપ્તિને પ્રપોઝ કર્યું અને પ્રાપ્તિનો જવાબ ના આવ્યો. કારણ એ હતું કે થોડા વર્ષો પહેલા જયારે પ્રાપ્તિની કઝિને લવ મેરેજ કર્યા ત્યારે જ પ્રાપ્તિના પપ્પાએ તેની પાસેથી પ્રોમિસ લઇ લીધું કે એ ભવિષ્યમાં પોતે જ્યાં કહેશે ત્યાં જ પ્રાપ્તિએ લગ્ન કરવા પડશે. એ વખતે પ્રાપ્તિએ હા પણ પાડી દીધી હતી.
કેસ ૩ :
અશ્મિ પોતે એક ફિઝિઓથેરેપીસ્ટ છે અને છેલ્લા દોઢ વર્ષથી કેનેડા જઈને ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે પણ આ વર્ષે કોવીડના લીધે તેને વિઝા મળ્યા નહિ. હવે તે ખૂબ ડિપ્રેશનમાં છે કારણ કે તેના પરિવારે તેને ફક્ત બે વિકલ્પ આપ્યા છે : કા તો વિદેશ જઈને અભ્યાસ કરો કા તો લગ્ન કરી લો. અશ્મિને લગ્ન કરવામાં તકલીફ નથી પણ તેને એ સવાલ છે કે તે લગ્ન પછી પોતે જોબ કરી શકશે કે નહિ. કારણ કે તેને પોતાની બહેનોને લગ્ન બાદ જોબ ફરજીયાત રીતે મૂકી દેવા માટે તેના સાસરા પક્ષ તરફથી દબાણ કરતા જોયા છે અને એ વાતને લઈને તે લગ્ન માટે તૈયાર નથી જયારે બીજી તરફ તેનો પરિવાર તેની વ્યથા સમજવા તૈયાર નથી.
હવે મુદ્દાની વાત…
શું તમે ખરેખર પોતાને મા બાપ કહેવા લાયક છો ? આલોકના કેસમાં પોતાના પરિવારનું સ્ટેટસ જાળવી રાખવા આલોકના મા બાપ એ હદ સુધી નીચે જઈ રહ્યા છે કે તેમણે પોતાનો ઈગો સંતોષવા એક બ્રાહ્મણને ફોડી લીધો. આલોકને એ પણ ડર છે કે તેના પપ્પા અનાહિતા સાથેના તેના સંપર્કો તોડવા માટે તેને આપેલો ફોને પણ લઇ લેશે. અરે આ તો કઈ વાત છે ?! આલોક એક 25 વર્ષનો નવયુવાન છે અને તેનામાં એટલી તો બુદ્ધિ હોય કે તે પોતાનું સારું નરસું વિચારી શકે. નો ડાઉટ, દરેક મા બાપ પોતાના સંતાનોનું ઉજ્જવળ ભવિષ્ય જ વિચારતા હોય પણ શું તમે એક વાર વિચાર્યું કે તમારું સંતાન શુ ઈચ્છે છે ?? એ તમારી સામે જે પ્રસ્તાવ લઈને આવ્યો છે એને નિષ્પક્ષ રીતે જોવાની તસ્દી લીધી ખરા ?? પ્રાપ્તિ પોતાના પિતાને આઘાતના માર્યા કઈ થઇ ના જાય બસ એ વાતના લીધે પોતાના પિતા સમક્ષ પોતાની વાત રજૂ નથી કરી શકતી. અશ્મિ પહેલેથી સ્વતંત્ર વાતાવરણમાં ઉછરેલી છોકરી છે પણ ફક્ત પરિવારના દબાવને લીધે તણાવમાં છે અને પોતાના જીવનને કઈ દિશામાં વાળવું એ દ્વિધામાં છે.
ફક્ત સંતાન પેદા કરવાથી મા બાપ નથી બની જવાતું. નાનાથી મોટા કરવું, સ્કૂલોની ફી ભરવી, સંતાનને જરૂરી હોય એ બધું પૂરું કરવું – એ દરેક મા બાપની મૂળભૂત ફરજ અને સંતાનનો હક છે. ખરા અર્થમાં તમે મા બાપ ત્યારે બનો છો જયારે તમારું સંતાન ખુલ્લા દિલે તમારી સાથે વાત કરી શકે. એ પોતાનો પ્રસ્તાવ તમારી સામે મૂકતા ડરે નહિ. એને પરિણામની ખબર હોવા છતાં પણ એ નિર્ભય થઈને પોતાની વાત તમને કહે પણ તેમ છતાં જો તમારા માટે તમારો સમાજ, તમારો ઈગો અને તમારું સ્ટેટસ મહત્વનું જ હોય તો એક મા બાપ તરીકે તમે ચોક્કસ નિષ્ફળ છો. કોઈ પણ વાતને જાણ્યા કે સમજ્યા વગર તમે નિર્ણય કઈ રીતે લઇ શકો કે તમારા સંતાનનો નિર્ણય ખોટો જ છે. લગ્નની બાબતે શું આલોકના માતાપિતા એ ગેરંટી આપી શકશે કે એ આલોકને જ્યાં પરણાવશે ત્યાં આલોક ખુશ જ રહેશે. અરે લગ્ન કરવો એટલે બાળક પેદા થવાના જ છે પરંતુ એનો અર્થ એ નથી કે આલોક આવનારી વ્યક્તિ સાથે જીવન નિભાવી લેશે. એ આવનારી છોકરીને એટલો તો પ્રેમ નહિ જ કરી શકે જેટલો એ અનાહિતાને કરે છે અને જો અનાહિતા જેટલો પ્રેમ એ છોકરીને નહિ કરી શકે તો એક મા બાપ તરીકે તમે ત્રણ જિન્દગીને અન્યાય કરી રહ્યા છો, એ સમજી લેજો. પ્રાપ્તિના પિતા ચોક્કસ છે કે પોતે પોતાની દીકરીને જ્યાં પરણાવશે ત્યાં એ ખુશ જ રહેશે. શું ખાતરી કે એમનો જમાઈ પ્રાપ્તિને એ બધી જ ખુશીઓ આપી શકશે જે પ્રાપ્તિ પલાશ પાસેથી ઝંખે છે. ફક્ત ભૌતિક સુખ કે શારીરિક સુખ કે સંતાનો પેદા થઇ જવા એ સુખી ગૃહસ્થ જીવનની નિશાની નથી હોતી. અશ્મિને પૂરેપૂરો હક છે કે તે પોતાને ગમતા પાત્ર સાથે લગ્ન કરે, ભલે સમાજમાં જ કરે કે માતાપિતા બતાવે ત્યાં કરે પણ એના જીવનસાથીને પસંદ કરવાનો હક તો સંપૂર્ણ રીતે તેનો જ હોવો જોઈએ. હું અરેન્જ મેરેજની વિરુદ્ધમાં જરા પણ નથી પણ અરેન્જ મેરેજના નામે આજકાલ માતાપિતા જે રીતે પોતાનો નિર્ણય પોતાના સંતાનોની ઈચ્છા જાણ્યા વિના જ તેમના પાર થોપે છે તેના માટે છે.
આ વાંચનારા ઘણા વિચારતા હશે કે આ ભાઈને સંતાન શુ એ ખબર નથી અને જ્ઞાન ઝાડવા નીકળ્યા છે તો એમને જરૂર કહીશ કે એક વાર મારી મુલાકાત લે. કદાચ હું તમને સારા માતાપિતા બનતા શીખવાડી શકું. જો તમે તમારા સંતાનોના સારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લો છો તો તમે ચોક્કસ આદર્શ માતાપિતા છો પણ જો તમે તમારા નિર્ણય તેમના પર થોપો છો તો તમે ચોક્સપણે તમારા સંતાન પાસેથી તેમને પેદા કરવાની, ઉછેરવાની અને મોટા કરવાની રેવન્યુ જ માંગો છો.
આદિત શાહ