અરણેજ બુટભવાની માતાજીનું મંદિર ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલું છે.
બુટભવાની માતાજીના ઈતિહાસ વિશે એમ કહેવાય છે કે બુટભવાની માતાજી ચારણ કુળમાં પ્રગટ થયેલાં. સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડામાં બાપલ દેથા ચારણ કુટુંબના હતા અને હિંગળાજ માતાજીના ભક્ત હતા અને આઈશ્રી દેવળબાને ત્યાં એમ ચારેય દીકરીઓ પ્રગટ થયેલાં તેમાં બુટભવાની માતાજી, બલાડ માતાજી, બાલવી માતાજી તેમજ બહુચર માતાજી. એ રીતે જોવા જઈએ તો બુટભવાની માતાજી ભાલ પંથકમાં પ્રગટ થયેલાં. સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે જેઠવાની ધારે આશરે રપ૦ વર્ષ પહેલાં બુટભવાની માતાજી પ્રગટ થયેલાં.
તે સમયે મા જગદંબા બુટભવાની માતાજીનો ઉપાસક મેરિયો ભુવો થઈ ગયો. મેરિયો ભુવો માતાજીની તન, મન અને ધનથી ભક્તિ કરતો અને બુટભવાની માતાજી તેની સાથે પડદે વાતો કરતાં, ત્યારે મેરિયો ભુવો કહેલું કે મા તું મને પડદે વાતો કરે છે પણ તમે મને સન્મુખ દર્શન આપો. ત્યારે માતાજીએ કહેલું કે દીકરા મને તું નહીં ઓળખી શકે. અમો ચારણનાં દીકરીના જગદંબા છીએ. છતાં પણ મેરિયો ભુવો વારંવાર માતાજી આગળ પ્રાર્થના કરે છે. માતાજીએ કહેલું કે ઠીક છે દીકરા હું તને સન્મુખ દર્શન આપીશ. તે જ સમયગાળામાં નવરાત્રિ શરૂ થવાના પ્રારંભે મેરિયો ભુવો માતાજીના નવરાત્રિનો પૂજાપો લેવા સાપકડા ગામેથી હળવદ સૂર્ય ઉદય થતા પોતાનું બળદ ગાડું લઈને જતો હતો. તે જ સમયે રસ્તામાં જગદંબા બુટભવાની માતાજી ડોશીના સ્વરૂપમાં પાસે, પરંતુ તેમજ કંગાળ તેમજ વૃદ્ધ ડોશીના સ્વરૂપે ઊભેલાં હતાં. તે સમયે મેરિયા ભુવાને માતાજી કહે છે કે મને તારા બળદ ગાડામાં હળવદ સુધી લઈ જા. મારી તબિયત સારી નથી અને હું ચાલી શકતી નથી. ત્યારે મેરિયા ભૂવાએ કહેલ આઘી જા ડોશી મારું ગાડું અભડાઈ જાય. હું તો હળવદ બુટભવાની માતાજીનો પૂજાપો લેવા જાઉં છું. તે જ સમયે સૂર્ય આથમતાની વેળાએ હળવદથી સાપકડા માતાજીનો નવરાત્રિનો પૂજાપો લઈને બળદ ગાડામાં મેરિયો ભુવો સાપકડા ગામે આવતો હતો. હળવદ અને સાપકડા વચ્ચે મા જગદંબા બુટભવાની માતાજી સોળ વર્ષની સુંદરીના રૂપમાં ઊભાં હતાં ત્યારે મેરિયા ભુવાને માતાજીએ કહ્યું એ ભાઈ મને તારા બળદ ગાડામાં સાપકડા ગામ સુધી બેસાડને. ત્યારે માતાજીને મેરિયા ભુવાએ કહેલું બેન મારા બળદ ગાડામાં બેસી જાઓ. ત્યારે બળદ ગાડું દસથી પંદર -વીસ ડગલાં ચાલતા મેરિયા ભુવાએ બુટભવાની માતાજી પર કુદૃષ્ટિ કરતા જ બુટભવાની માતાજીએ મેરિયા ભુવાને હળવદ અને સાપકડા વચ્ચે જેઠવા ધારના કાંઠે મારી નાખ્યો ત્યાંથી માતાજી રુદ્ર સ્વરૂપે અરણેજ ગામે આવ્યાં. એ સમયે અરણેજ ગામ ઘટાટોપ જંગલથી લદાયેલું હતંુ અને તે સમયે અરણેજ ગામના કારડિયા રાજપૂત સમાજમાં થઈ ગયેલ કાળાબાપા તેમજ ધોળાબાપા બંને ભાઈઓ માતાજીના ઉપાસક હતા. તે સમયે બંને ભાઈઓને માતાજી રાત્રિના સ્વપ્નમાં આવેલા અને કહેલું કે આ ગામના પાદરે આ વડમાં મારી મૂર્તિ અને ચોખા- ચુંદડી છે અને અમે ચારણનાં દીકરી છીએ. તે સમયે ત્રણ રાત્રિ સુધી બંને ભાઈઓને માતાજી સ્વપ્નમાં આવતા હતાં. તેમજ કાળાબાપા તેમજ ધોળાબાપાએ કહેલું, માડી એ વડ નીચે બ્રિટિશ સરકારના સૈનિકો અહીંયા રાત-દિવસ આરામ કરે છે. જો આ વડને કાપીએ તો અમારા રાઈ-રાઈ જેવા કટકા કરી નાખે. તે સમયે માતાજીની કૃપાથી આપોઆપ વડ સુકાઈ ગયો.
તે સમયે બુટભવાની માતાજીની મૂર્તિ અને ચોખા, ચુંદડી નીકળ્યાં. તે સમયે માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. બ્રિટિશ સરકારના સૈનિકોએ કાળાબાપા તેમજ ધોળાબાપાને શિક્ષા કરવા માટે માથે મોભડાં લટકાવ્યા ત્યારે માતાજીની કૃપાથી બંને ભાઈઓના મોભડા ઊંચા રહ્યા. તે જ સમયગાળામાં વડોદરા ગાયકવાડ સ્ટેટ, દામાજી રાજા અમરેલી પાસે ખાંભા જીતવા જતા હતા ત્યારે માતાજી દામાજી રાજાને સ્વપ્નમાં આવ્યાં અને કહેલું કે તારે ત્યાં દીકરો જન્મશે અને તારી ઘોડીને વછેરો આવશે અને તારા દીકરાને લાખાનું નિશાન હશે અને તારા ભાલા પર ચકલી ફરકતી હશે અને તું ખાંભા જીતીને આવીશ. બુટભવાની માતાજીની કૃપાથી દામાજી, ગાયકવાડ સ્ટેટ, વડોદરાએ સાણંદ અને ગાંગડ સ્ટેટ ભઈયાત પાસેથી અરણેજ ગામ વેચાતું લઈને બુટભવાની માતાજીને કાપડા તરીકે અર્પણ કર્યું. તે અરસામાં અમદાવાદથી ભાવનગર રેલવે લાઈન નખાતી હતી. તે સમયે બ્રિટિશ સરકારના રેલવે ઈજનેરોએ રેલવે લાઈન નાખી દીધી ત્યારે ગાડી ચાલુ કરતા જ તે સમયે રેલવેના ડબ્બા તેમજ પાટા વેરવિખેર થઈ ગયા. એવું બે-ત્રણ વાર બનતા બ્રિટિશ સરકારના ઈજનેરોને લાગ્યું કે અહીં કોઈ દૈવી શક્તિનો વાસ છે. તે સમયે અરણેજ બુટભવાની માતાજીને સવા રૂપિયો, નાળિયેર અને ચુંદડી- દીવાના લેખે બ્રિટિશ સરકારના વખતથી વર્ષાસન આપવામાં આવે છે. હાલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ (ભારત સરકાર) તરફથી આ પ્રથા ચાલુ છે. અરણેજ ગામના સીમાડેથી રેલવે ગાડી નીકળે ત્યારે સલામ (વ્હીસલ વગાડીને) કરીને જાય છે તેમજ બુટભવાની માતાજી સોની, દરજી, બ્રાહ્મણ, વાણિયા, કારડિયા રાજપૂત, તુરખિયા, પટેલ, પંચાલ, સુથાર અને વાળંદ વગેરે ૬૪ જ્ઞાતિના મા જગદંબા બુટભવાની માતાજી કુળદેવી છે.
બુટભવાની માતાજી તરફથી બંને ટાઈમ સાત્વિક ભોજનની (અન્નક્ષેત્ર) ની સુંદર સુવિધા છે. ટોકન રૂ. પાંચ લેખે દરેક યાત્રાળુઓને જમાડવામાં આવે છે તેમજ દર રવિવારે મિષ્ટાન પણ જમાડવામાં આવે છે. આ મંદિરે દર રવિવાર તથા દર મંગળવાર અને પૂનમ તેમજ દર સંકટ ચોથના દિવસે અર્ચના કરવા યાત્રાળુઓની માનવમેદની ઉમટે છે. આ મંદિર શક્તિપીઠ તરીકે પૂજાય છે. તેમજ બુટભવાની માતજીની આખા દિવસમાં પાંચ વખત આરતી થાય છે. આ મંદિરે ચૈત્ર સુદ પૂનમનો માતાજીનો મેળો ભરાય છે. ચૈત્ર સુદ તેરસ માતાજીના જન્મદિન તરીકે ઊજવાય છે. આ મંદિરે આવવા માટે અમદાવાદ તથા બાવળા, ધંધુકાથી એસટી બસોની સવલત છે તેમજ અમદાવાદથી બોટાદ જતી તમામ લોકલ ટ્રેનો અરણેજ રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવેલ છે.
જય શ્રી બુટ ભવાની મા…