જયંતિ લાલ શેઠ આમ તો સમાજ અને ગામમાં પાંચમા પૂછાતા માણસ.ગામના પરબડી ચોકમાં એમની કરિયાણાની દુકાન વર્ષોથી ચાલે પણ ઉધાર ન આપવું તે એમનો જીવનમંત્ર.
એક દિવસ ગામના જીવણ મુખીનો દીકરો રઘલો ,તેમની દુકાને કરિયાણું લેવા આવ્યો.
રઘલાને ઘેર સીમંતનો પ્રસંગ હતો અને આડોશ પાડોશ અને સગા સંબંધિઓમાં એનો વટ પડે એવી રીતે પ્રસંગ ઉજવવો હતો.
તેના બાપે તો રઘલાને ઘેરથી જુદો મુકી દીધો હતો.કારણ કે રઘલાની ગણના ,ગામના માથા ભારે માણસ તરીકે હતી.મુખી આબરૂદાર હતા, પણ આવો વંઠેલ દીકરો કંઈ આડુઅવળુ કરે તો પોતાની આબરૂનું શું ? એટલે રઘલાને તેના ઘેર આવેલો પ્રસંગ એવી રીતે ઉજવવો હતો કે એના બાપને પણ ખબર પડે..
શેઠ હોંશિયાર. રઘલાની વાત સાંભળી, સાપ મરે નહીં ને લાકડી ભાગે નહીં એમ રઘલાને પ્રેમથી પાસે બેસાડ્યો.અને વાતને મમળાવતા મમળાવતા કહી રહ્યા.
“અરે, હોય રઘાભાઈ તમને ઉધાર માલ ન આપું એવું બને,? પણ એક કામ કરો, જીવણભાઈ મુખી કાકાને જરા બોલાવતા આવો, એટલે હું તમને માલ તોલીને તમારા ઘરે વેળાસર પહોંચાડી દઉં..”
અને રઘલો લાલ પીળો થઈ શેઠની દુકાનનાં પગથિયાં ઉતરી ગયો.
રઘલો, માથા ફરેલ તો હતો. જેની તેની સામે સરકારી વિભાગોમાં ખોટી ફરિયાદ કરવામાં માહેર હતો.
દીકરાને બાપ સાથે બનતી ન હતી એ શેઠ જાણતા હોવા છતાં તેને ઉધાર ન આપવું પડે એટલે શેઠે તરકીબ અજમાવી.તે રઘલો સમજી ગયો.
આ વાત ને બરાબર એક મહિનો વીત્યો હશે અને જયંતિ લાલ શેઠના ઘરે દીકરીની સગાઈ માટે મહેમાનો આવેલા.કુટુંબીઓ ને પણ આ પ્રસંગે તેડાવ્યા હતા.શેઠની હવેલીમાં સગાઈ પ્રસંગના વ્યવહાર થતાં હતાં.એજ સમયે બીટ જમાદાર અન્ય એક પોલીસકર્મી સાથે મોટર સાયકલ પર ત્યાં આવ્યા.
ખાખી વર્દીમાં પોલીસને જોઈ મહેમાનો સાથે શેઠ પણ ચોંકી ઉઠ્યા.બધાના મનમાં એક જ સવાલ કે આવા પ્રસંગે પોલીસ કેમ આવી હશે ?
આ પ્રશ્ન કોઈ આવનાર પોલીસ જમાદાર ને પૂછે એ પહેલાં એ જ બોલ્યા કે શેઠ તમે , કરિયાણાની દુકાનમાં પ્રતિબંધિત મહુડાં અને રસકટ ગોળ નું વેચાણ પણ કરો છો.જે દેશીદારૂ બનાવવામાં આસપાસના ગામોમાં વપરાય છે એવી અરજી પોલીસમાં થઈ છે. અમે તમારો જવાબ લેવા આવ્યા છીએ.બસ આટલું સાંભળતાં , શેઠના મોતિયામરી ગયા.
જો કે શેઠ, અરજી કોણે કરી હશે. એ સમજી ગયા.
એટલામાં શેઠના ઘર આગળથી મુખી નીકળ્યા..શેઠને ઘેર પોલીસ જોઈ સીધા ત્યાં આવ્યા.
” સાહેબ ગામમાં આવી ખોટી અરજી કરી આબરૂદાર માણસને પજવવાનું કામ કરતા ઈસમનું નામ રઘલો છે..એની સામે કાયદેસર કાર્યવાહી થાય એવી, મુખી તરીકે મારી આપને અરજ છે
શેઠની આબરૂ બચી ગઈ..
રઘલાની અરજી ફાઈલ કરી તેની સામે કડક કાર્યવાહી થઈ.. ત્યારથી હવે કોઈ ખોટી અરજી કરતું નથી..
-દિનેશ નાયક “અક્ષર”