આ જ ચિંતામાં ઝૂલા પર બેઠી હતી એટલામાં સુરભિનો અવાજ આવ્યો અને સીધી મારી પાસે આવીને બેસી પડી.
“મમ્મા, આઈ મિસ્ડ યુ સો મચ.”
“આઈ લવ યુ”, આવતાની સાથે જ કહેવા લાગી.
“આઈ લવ યુ ટુ માય બચ્ચા”, અને તરત જ પુછવા લાગી કે હું અહી એકલી કેમ બેઠી છું. હવે એને કેવી રીતે કહું કે હું કઈ ચિંતામાં છું !?!
“બસ કઇ નહી બેટા, હું તો એમ જ બેઠી છું. તું બોલ, તારો સફર કેવો રહ્યો રહ્યો અને આવતા કોઈ તકલીફ તો નથી થઈ ને ??”
“મમ્મા, હું ફક્ત બે જ કલાકનો સફર કરીને આવી છું અને હવે આદત પડી ગઈ છે. પણ બહુ ભૂખ લાગી છે. મમ્મા, ચાલોને જમી લઇએ”, કહેતા મને ખેંચીને રસોડામાં લઈ ગઈ.
જમતા જમતા ઘણી વાતો શેર કરી,ઘણું બધુ પૂછી પણ લીધું અને ઘણી વાતો યાદ કરવી. જૂની યાદો કદાચ જેણે મનના કોઈ ખૂણામાં સંતાઈને બેઠી હતી. એ બધી જ બહાર આવી ગઈ અને આખરે ગિફ્ટની વાત આવી.
“બેટા, ધીરજ રાખ. આઈ વીલ ગીવ યુ યોર ગિફ્ટ”, મે થોડા અચકાતા કહ્યું.
“ઓકે મમ્મા”, આટલું કહેતા એ ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થઈ અને કિચનમાં ગઈ, હાથ ધોઈ પાછી આવી અને સિધી એના રૂમમાં ગઈ.
આ જોઈ મને આંચકો લાગ્યો કે કદાચ મારી દીકરીને ખરાબ તો નથી લાગ્યું ને? આ વિચાર પણ મને ગભરાવી ગયો કારણ કે મે એણે પ્રોમિસ કર્યુ હતું કે એના માટે એક ખાસ ગિફ્ટ હશે જ્યારે એ ઘરે આવશે પણ અત્યારે શું આપીશ એને હું !?!
ડાઈનિંગ ટેબલ પરથી ઊભી થઈ હું ફરી મારા રૂમમાં ગઈ અને કવિતાઓ અને બુકસ શોધવા લાગી જે મે એના માટે રાખી હતી. પણ ફરી મને નિષ્ફળતા જ મળી. મને મારી બુક્સ અને કવિતાઓ ક્યાંય ના મળી. આખરે હું ત્યાં જ બેસી ગઈ, મારી આંખોમાં અચાનકથી આંસુ આવી ગયા. આજે પહેલી વાર હું મારી દીકરીને કંઈ આપવામાં નિષ્ફળ રહી. હું આજે એણે એ નહી આપી શકું જે આ જ સુધી મારી પાસે હતું.
ત્યારે જ સુભાષ રૂમમાં આવ્યા અને મારી બાજુમાં બેઠા.
“શું થયું ? આટલી ઉદાસ કેમ છે ?” એમણે મારી બાજુમાં બેસતા પુછ્યું.
“કંઈ નહિ… બસ આમ જ.”
“મને તો એમ નથી લાગતું તારા ચહેરા પરથી, તારા ચહેરા પર ઉદાસી અને આંખમાં આંસુ… પછી તું ઠીક કઈ રીતે હોઈ શકે ? શું થયું, કહીશ મને?”
આ સાંભળતા જ હું પોતાને રોકી ના શકી અને દિલની વાત બહાર આવી ગઈ. બધું જ સુભાષ ને જણાવી દીધું કે હું સવારથી એ કવિતાઓ અમે બુક્સ શોધું છું પણ એ ક્યાંય નથી મળી રહી.
(ક્રમશ:)