અમદાવાદમા ભદ્રના કિલ્લામાં બિરાજતાં ભદ્રકાળી માતા નગરદેવી તરીકે પૂજવામા આવે છે. નવરાત્રિમાં સાતમા નોરતે મા કાલરાત્રિનુ પૂજન કરવામાં આવે છે. ભદ્રકાળી માતાજીને પણ કાલરાત્રિ માતાજીનુ સ્વરૂપ માનવામાં આવે છે. માતાજી નગરની રક્ષા કરતા હોવાથી તેમને નગરદેવી પણ કહેવામાં આવે છે. માતાજીની નજર સમગ્ર શહેર પર રહે એે રીતે મંદિરની રચના કરવામાં આવી છે નવરાત્રિ દરમિયાન માતાજીને વિશેષ શણગાર કરવામાં આવે છે. લોકવાયકા અનુસાર નગરદેવી મા ભદ્રકાળી અમદાવાદ છોડીને જઈ રહ્યાં હતાં ત્યારે દરવાને માતાજીને અટકાવ્યા હતા. થાકી ગયેલા માતાજીએ ભદ્રના કિલ્લા પર હાથ મુક્યો હતો ત્યારથી કિલ્લાની દિવાલ પર માતાજીના હાથની છાપ પડી ગઈ હતી.
વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે 13 મી સદીમાં આ મંદિરની સ્થાપના કરી હતી. રાજા કર્ણદેવે આશાવલ ભીલને હરાવી સાબરમતી તટે કર્ણાવતી નગરી સ્થાપિત કરી હતી, જે કર્ણાવતી નગરીમા અહમદશાહ બાદશાહે ઈ સ, 1411 મા કર્ણાવતી નામ બદલીને પોતાના નામ પર અમદાવાદ શહેર વસાવ્યું. મા ભદ્રકાળી નો પરચો મળતા મુઘલ સુબા આઝમખાન પણ દર નવરાત્રિમાં મા ભદ્રકાળીને ચુંદડી ચઢાવતો હતો અને એકવાર ભગવાન સ્વામીનારાયણ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે પણ નગરદેવી મા ભદ્રકાળીના દર્શન કર્યા હતા.
નવરાત્રિમાં આઠમના દિવસે ભદ્રકાળી માતાના હવનનું અનેરૂં મહત્વ હોય છે. કહેવાય છે કે નવરાત્રિમાં ચોસઠ જોગણીઓ બહાર ફરવા નીકળે છે, જેથી ભક્તો માતાજીના આશિર્વાદ પ્રાપ્ત કરવા અને મનોકામના પૂર્ણ થાય તે હેતુથી માતાજીના દર્શન કરવા આવતા હોય છે.
Related