મારો વ્હાલો દીકરો પાર્થ,
આશા કરું છું કે તું, પ્રિયા અને મારા લાડકાં ભૂલકાંઓ તંદુરસ્ત અને આનંદમાં હશો. તને જરૂર આશ્ચર્ય થતું હશે કે હમેશા ફોન પર વાત કરવા વાળી મારી બાળી, આજે પત્રનો વહેવાર શા માટે? તો બેટા હું ઈચ્છું છું કે તને મારી આજની વાત સદૈવ યાદ રહે અને તું મન ચાહે એટલી વાર આ પત્ર વાંચી શકે.
અઠવાડિયા પહેલા કોઈ અજાણ્યો એના પરિવાર સાથે આપણું ઘર જોવા આવ્યો હતો અને મને કહ્યું, “આ મકાન અમે ખરીદી લીધું છે. ટોકન મની પણ આપી ચુક્યાં છીએ.”
એ પરિવારના સભ્ય એ કહ્યું,
“મારી પત્ની બહારગામથી આવી એટલે એને ઘર બતાવવા લાવ્યો છું.”
આ સાંભળીને મને આઘાત લાગ્યો અને મેં એમને કહ્યું, “પણ મેં તો આ ઘર વેચ્યું જ નથી.”
એ માનવા જ તૈયાર નહીં. સાબિતી રૂપે એણે મને MOU (Memorandum of understanding) બતાવ્યું જેમાં તારા હસ્તાક્ષર હતાં. એ ભાઈ તને ફોન કરવાનો હતો પણ મેં ના પાડી. પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી પણ આપી. મેં એમને આજીજી કરી કે કદાચ મારા દિકરાથી કોઈ ભૂલ થઈ છે. મેં એમની પાસે બે દિવસનો સમય માંગ્યો.
આપણાં ખાનદાની કડલાં જે મેં પ્રિયા માટે રાખેલા, એ વેચીને ટોકન મની પાછું કરી નાખ્યું અને તારા વકીલ કાકા નિર્મલ ભાઈ પાસે એક વસિયત બનાવડાવ્યું. મારા પછી આ ઘર હું વૃદ્ધાશ્રમને દાન કરી રહી છું. પાર્થ બેટા, મેં સારું કર્યું ને?
દીકરા તું જરાય ચિંતા ના કરતો. મને ખબર છે કે મારો એટલો પ્રેમાળ અને લાગણીશીલ પુત્ર આવું કામ કરે જ નહીં. જરૂર કોઈના દબાણમાં કે આવેશમાં તે આ ભૂલ કરી હશે. જો તારા પપ્પા હોત તો તારાથી આવી ભૂલ ન થાત. મને તારાથી કોઈ ફરિયાદ નથી. આ પત્ર સાથે વસિયતની કોપી તને મોકલું છું. જોઈ લેજે બધું બરાબર છેને ?.
પ્રિયા અને બાળકોને ખૂબ ખૂબ પ્યાર અને આશીર્વાદ. સમય મળે તો ફોન કરજે.
તારી બાળી
પ્રણાલી.