હિન્દુધર્મશાસ્ત્રોમાં ઠેરઠેર દાનનો મહિમા ગવાયો છે. દાનની ભવ્યતા અને દિવ્યતાનું વર્ણન પાને-પાને જોવા મળે છે. એની પાછળ ઘણા કારણો જવાબદાર છે જેમકે દાનથી કરુણા, સેવા અને બંધુત્વ જેવી પવિત્ર ભાવનાઓનો વિકાસ થાય છે, સમાજનું કલ્યાણ શક્ય બને છે, દાનની અપાર શક્તિ વડે ગરીબી અને સંગ્રહખોરીને સમાપ્ત કરી શકાય છે. દાન વાસ્તવમાં આનંદની પ્રાપ્તિ અને કલ્યાણનું દ્વાર છે. શાસ્ત્રોમાં અનેક પ્રકારના દાનનું વર્ણન છે જેમકે અન્નદાન, વસ્ત્રદાન, જળદાન, ઔષધદાન, અભયદાન, શક્તિદાન, વિદ્યાદાન, ધર્મદાન, આનંદદાન, ગજદાન, અશ્વદાન, તલદાન, ભૂમિદાન, સુવર્ણદાન વગેરે વગેરે. આધુનિક સમયે તો રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેનું પણ અનેરૃ મહત્વ છે. દાનમાં ત્યાગની ભાવના કે છોડવાની વૃત્તિગત લાગણી જોડાયેલી છે.
દાન પાછળ રહેલ ભાવના અનુસાર તેના ત્રણ પ્રકાર પાડી શકાય.
1) સાત્વિક દાન
2) રાજસિક દાન
3) તામસિક દાન.
જે દાન કર્તવ્ય સમજી આપવામાં આવે, ઉદારભાવના સાથે આપવામાં આવે, દેશ-કાળ-પાત્રનો વિચાર કરી આપવામાં આવે, ઉપકારના અહમ વગર આપવામાં આવે, નિસ્વાર્થ ભાવના સાથે આપવામાં આવે ત્યારે તે સાત્વિક દાન કહેવાય. પરંતુ લૌકિક લાભ પ્રાપ્તિની ભાવનાથી કે કોઈ ઈચ્છાપૂર્તિના ઈરાદા સાથે સ્વાર્થી બની આપવામાં આવે કે કોઈ અપેક્ષા સાથે ત્યાગવામાં આવે ત્યારે તે દાન રાજસિક દાન બને પરંતુ જ્યારે કોઈ અનિષ્ટ અશુધ્ધ કે આસુરી ભાવના સાથે દાન કરવામાં આવે અથવા કોઈનું નુકસાન કરવાના ઇરાદાથી કે કોઈને ખતમ કરવાના બદઇરાદા સાથે કોઈનું અહિત કરવાના ભાવથી કરવામાં આવે તો તે તામસિક દાન બને.
શાસ્ત્રોમાં દરેક દાનની અલગ-અલગ મહત્તા દર્શાવવામાં આવી છે એટલે કે કયું દાન વિશેષ સારુ અથવા કયું દાન ઉત્તમ એ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમ કે અશ્વદાન કરતા ગજદાન વધારે મોટું ગણાય છે. ગજદાન કરતા ભૂમિદાન વધારે મોટું છે. ભૂમિદાન કરતાં તલદાન વધારે મોટું છે અને તલદાન કરતાં સુવર્ણદાન મોટું ગણાય છે. વળી સુવર્ણદાન કરતાં પણ ઉત્તમ એવું જો કોઈ દાન હોય તો તે અન્નદાન છે. અન્નદાનને મોટામાં મોટું દાન ગણવામાં આવે છે કારણ કે અન્નદાન જેવું કોઈ શ્રેષ્ઠ દાન છે જ નહી. અન્નદાનને પૂર્ણદાન તરીકે સ્વીકારવામાં આવ્યું છે કેમકે આપણે જ્યારે કોઈ વ્યક્તિને દ્રવ્યદાન કરીએ છીએ એટલે કે ઉપર દર્શાવ્યા પ્રમાણેના કોઈપણ વસ્તુ જેવી કે સુવર્ણ હાથી ઘોડા વગેરેનું દાન કરીએ છીએ ત્યારે તે મેળવીને મનુષ્યને સંપૂર્ણ સંતોષ થતો નથી. જેટલું મળે એનાથી વધારે મેળવવાની ઈચ્છા થાય છે એટલે કે એક પ્રકારની અતૃપ્તિ રહે છે. જ્યારે અન્નદાન એક એવું દાન છે કે જેની પ્રાપ્તિ સાથે તૃપ્તિનો ઓડકાર આવે છે એટલે કે ક્ષુધા શાંત થતાં વ્યક્તિ સામેથી જણાવે છે કે હવે તેને વધુ ભોજનની જરૂર નથી. એ દૃષ્ટિએ સંપૂર્ણ તૃપ્તિ આપતું જો કોઈ દાન હોય તો તે અન્નદાન છે.
વળી કળિયુગમાં તો જીવનો પ્રાણ જ અન્નમાં રહેલો છે. એ દ્રષ્ટિએ પણ અન્નદાન પ્રાણદાન જેટલું મહત્વ ધરાવે છે. સતયુગમાં જીવનો પ્રાણ અસ્થિમાં હતો, ત્રેતાયુગમાં જીવનો પ્રાણ મજ્જામાં રહેતો જ્યારે દ્વાપરયુગમાં જીવનો પ્રાણ રક્તમાં અસ્તિત્વ ધરાવતો હતો જેથી આ તમામ યુગમાં થોડો સમય અન્ન ન મળે તો જીવનું અસ્તિત્વ ટકી રહેતું પરંતુ કળિયુગમાં તો પ્રાણ અન્નમાં હોવાને કારણે અન્ન વગર જીવવું મુશ્કેલ બને છે એ દ્રષ્ટિએ કળિયુગમાં અન્નદાનનું મહત્વ વિશેષ છે. આમ પણ શાસ્ત્રો અનુસાર અન્ન બ્રહ્મ છે. જે સમગ્ર સૃષ્ટિનો આધાર છે, શક્તિનો સ્ત્રોત છે. સાચું પૂછો તો અન્ન જ શરીર છે અને અન્ન જ પ્રાણ છે. અન્નમાથી વીર્ય બને છે. એક સંશોધન અનુસાર ૧૦ કીલોગ્રામ પોષક આહારમાંથી ૨૫૦ મિલીગ્રામ લોહી બને છે અને ૨૫૦ મિલી લોહીમાંથી ૨૦ મિલી વીર્ય બને છે. આમ ૨૦ મીલીગ્રામ વીર્ય બનાવવા શરીરને ૧૦ કિલોગ્રામ પોષક આહારની જરૂર પડે છે. વીર્ય જો જીવના સર્જન પાછળનું જવાબદાર પરિબળ છે તો અન્ન વીર્યની બનાવટનું મુખ્ય પરિબળ છે. ઊંડી સમજણ સાથે વિચારવામાં આવે તો સમજાશે કે અન્નમય શરીર અન્નમાં જ પ્રતિષ્ઠિત છે. ટૂંકમાં જીવનું સર્જન અને પોષણ બંને જે અન્ન દ્વારા થતું હોય વિચારો એ અન્ન કેટલું મહત્વનુ કહેવાય. એટલે જ ધર્મો અન્નને બ્રહ્મની ઉપમા આપે છે.
ધર્મશાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ અન્નનું સન્માન કરે છે તે જ બ્રહ્મનો (પરમાત્માનો) અનુભવ કરી શકે છે. આપણે જાણીએ છીએ કે બ્રહ્મ કોઈ વ્યક્તિ નથી એ તો શક્તિ છે, શક્તિનો સ્ત્રોત છે એ દ્રષ્ટિએ દરેક જીવને શક્તિની જરૂર છે એટલે કે બ્રહ્મની અનુભૂતિની આવશ્યકતા છે જે અન્નના સન્માન વગર મેળવી શકાતી નથી.. એ તો સર્વવિદિત છે કે આપણને જીવવા માટે, સફળતા પ્રાપ્તિ માટે, સત્તા, સંપત્તિ, પદ-માન-મોભો વગેરે મેળવવા શારીરિક, માનસિક, આત્મિક અનેક પ્રકારની શક્તિની જરૂરિયાત રહેતી હોય છે જે અન્નના સન્માન વગર પ્રાપ્ત થઈ શક્તી નથી. અન્નનું સન્માન એટલે અન્નનો બગાડ અટકાવવો, ભૂખ્યાને ભોજન કરાવવું, અન્ન ઉગાડવાનો પરિશ્રમ કરવો અને પરિશ્રમથી પ્રાપ્ય અન્નનું ઉમદા ભાવ સાથે દાન કરવું.
જો કે શાસ્ત્રોમાં દાનથી પણ વધારે વિશેષ મહત્વ વ્રતનું છે. ધર્મશાસ્ત્ર જણાવે છે કે જે મનુષ્ય વિધિપૂર્વક જરૂરી વ્રત અને નિયમોનું પાલન કરે છે તેને તીર્થધામમાં સ્નાન અને દર્શન કરવાથી જે પુણ્ય મળે તેનાથી સોળ ગણું વધારે પુણ્ય મળે છે. વ્યતિપાતયોગમાં સંક્રાંતિમાં સૂર્ય-ચંદ્ર ગ્રહણ વેળાએ દાન આપવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનાથી સોળગણું વધુ પુણ્ય વ્રત કરનારને મળે છે. એક હજાર ઋષિઓને સાઠ વર્ષ સુધી ભોજન કરાવવાથી જે ફળ મળે છે, વેદના જાણકાર બ્રાહ્મણને હજાર ગાયોનું દાન કરવાથી જે ફળ મળે છે તેનાથી દસ ગણું વધુ ફળ વ્રત કરનારને મળે છે. આમ જેની પાસે દાન કરવાની સધ્ધરતા ન હોય તેને માટે પણ અનેક ઉત્તમ વ્રતની વ્યવસ્થા આપણાં ધર્મમાં છે. ધર્મશાસ્ત્રો અનુસાર દસ શ્રેષ્ઠ બ્રાહ્મણોને જમાડવાથી જે પુણ્ય મળે છે તે વ્રતના દસમાં ભાગ જેટલું હોય છે. દસ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય એક બ્રહ્મચારીને ભોજન કરાવવાથી મળે છે. આ પુણ્યથી પણ હજારગણું પુણ્ય કન્યાદાન અને ભૂમિદાન કરનારને મળે છે. તેનાથી દસગણુ વધુ પુણ્ય વિદ્યાદાનથી મળે છે. તેનાથી દસગણું વધુ પુણ્ય ભૂખ્યાને જમાડવાથી મળે છે. આમ આ જગતમાં અન્નદાન જેવું બીજું કોઈ પુણ્યદાન કે પૂર્ણદાન નથી. અન્નદાનથી સ્વર્ગમાં પિતૃઓને પણ તૃપ્તિ મળે છે. અન્નદાનનો મહિમા દેવો પણ વર્ણવી શકે તેમ નથી. એક વખત પણ કોઈને ભોજન કરાવનારને નિર્જળા વ્રત કરતા વધુ પુણ્ય મળે છે.
જીવનમાં કોઈપણ ચીજને પોતાની હોવા છતાં સમયસર ઊંડી સમજણપૂર્વક છોડવી અથવા ચીજ પોતાની ન હોવાની યથાર્થ સમજણ સાથે છોડવી તે દાન છે. આમ તો સંસારની કોઈ વસ્તુ આપણી છે જ નહીં એ તો પ્રભુની આપેલી ભેટ છે જેથી તેનો ઉપયોગ દરેકના કલ્યાણ માટે થવો જોઈએ અથવા જો તમે અજ્ઞાને તેને પોતાની સમજી બેઠા છો તો પણ ક્યારેક તો તેને છોડવાની જ છે તો સત્વરે તેની આસક્તિ છોડવા અંગેનું ઉમદા તત્વજ્ઞાન દાનની ભાવના પાછળ કાર્યરત છે. જે સમગ્રના કલ્યાણ અર્થે અનિવાર્ય છે. ટૂંકમાં પોતાનું કે પારકુ સર્વ છોડવું તે “સ્વ” પરના ઉપકારની દ્રષ્ટિએ ઉત્તમ છે. દાનથી અહંકારનું વિસર્જન થાય છે. વ્યક્તિને સમજાય છે કે આ જગતમાં વાસ્તવમાં એનું પોતાનું કશું છે નહીં. સાચો જ્ઞાની જાણે છે કે જે માગે છે તે ભિખારી છે જે ત્યાગે છે તે શ્રીમંત છે. સમગ્ર પ્રકૃતિનો અફર નિયમ જ ત્યાગ કે દાન છે. સમગ્ર સંસાર દાન અને ત્યાગથી જ ચાલે છે. જેમ વૃક્ષ ફળ ત્યાગે છે, નદી જળનું દાન કરે છે, અગ્નિ ઉષ્મા આપે છે, સૂર્ય પ્રકાશનું દાન કરે છે. વિચારો કોઈ કશું અન્યને આપે જ નહીં તો આ જીવસૃષ્ટિના અસ્તિત્વનું શું થાય? આમ દાન અને ત્યાગ પ્રકૃતિનો શાશ્વત નિયમ છે. જો આ સંસારમાથી તમે મેળવો છો તો આપવું આવશ્યક છે. જો તમે ગ્રહણ કરો છો તો ત્યાગ કરવો જ રહ્યો. શ્રીમદ્ ભગવદ ગીતા એટલે જ ભોગવીને ત્યાગ કરવાની કે ત્યાગીને ભોગવવાની સલાહ આપે છે. કાં તો ભોગવ્યા બાદ થોડો ભાગ અન્યને આપો અથવા તમારામાથી પ્રથમ અન્યનો ભાગ કાઢી બાકીનું ભોગવો. સમગ્ર સૃષ્ટિ ગ્રહણ કરી ત્યાગે છે અને આજે આપેલું કાલે હજારગણું થઈને પાછું આવે જ છે. જેમ સમુદ્ર થોડું પાણી ત્યાગી વાદળોને આપે છે જે અનેકગણું વરસાદ રૂપે વરસી નદીઓ દ્વારા સમુદ્ર પાછું મેળવે છે. એ જ રીતે જમીનમાં નાખેલા થોડા દાણા હજારગણા થઈ પાછા મળે છે. ટૂંકમાં આવી ઉમદા અને ઊંડી સમજણ સાથે દાન તરફ અગ્રેસર અવશ્ય થવું જોઈએ. અને એમાં પણ બીજું કઈ જો ન થઈ શકે તો કમ-સે-કમ અન્નદાન અવશ્ય કરવું કેમ કે તે પૂર્ણદાન છે.
શિલ્પા શાહ (અન્નદાન)