“જ્યારે આપણે કંઈક મેળવવાની ઈચ્છા મનથી કરીએ છીએ, ત્યારે બ્રહ્માંડની સમગ્ર શક્તિ આપણી મદદે આવે છે.”
ઉપરનું વાક્ય આપણે ક્યાંકને ક્યાંક સાંભળેલું જ છે. આ વાક્યથી સાબિત થાય છે કે માનવજાતિ અને આ બ્રહ્માંડ એકબીજા સાથે અનુકૂળતાના સંબંધથી જોડાયેલા છે. પરંતુ જેમ સુખ અને દુઃખ જીવન નામનાં સિક્કાની બે બાજુ છે તેવી જ રીતે અનુકૂળતા અને પ્રતિકૂળતા પણ એક સિક્કાની બે બાજુ છે.
સિક્કો ઉછાળતા જેટલી સંભાવના હેડ આવવાની છે તેટલી જ સંભાવના ટેલ આવવાની પણ છે, આવું આપણે મેથ્સમાં શીખી ગયા. જીવનનું ગણિત પણ કંઈક આવું જ છે. Every action has a reaction. આપણી ક્રિયા સાથે જ બ્રહ્માંડ તરફથી પ્રતિક્રિયાની શરૂઆત થઈ જાય છે, જે અનુકૂળ પણ હોય શકે અને પ્રતિકૂળ પણ હોય શકે. એ સંજોગો માત્રને માત્ર આપણા પર નિર્ભર છે. આમ જો કહું તો દરેક વસ્તુ, દરેક સંજોગ પ્રતિકૂળ હોય છે અને આપણે એને અનુકૂળ બનાવવા પડે.
બ્રહ્માંડ જાતે જ કંઈ સારું કે ખરાબ લઈને નથી આવતું. આપણી સામે, આપણી આસપાસ જે કંઈપણ થઈ રહ્યું છે તે આપણી ક્રિયાની જ પ્રતિક્રિયા છે, જે કંઈ પણ થવાનું છે તે આપણી ક્રિયાની જ પ્રતિક્રિયા હશે. તે બધું જ આપણા વર્તન, વિચારો, ઈચ્છાઓ, લાગણી, સંવેદના, રાગ-દ્વેષ અને ઈર્ષા નું પ્રતિબિંબ છે.
જિંદગીનો દરેક દિવસ પોતાની સાથે એક ઘટના લઈને આવે છે, બસ એ ઘટનાને આપણી નોંધની જરૂર છે. ઘણી વાર જાણે-અજાણે વર્તમાનમાં આપણે એવા નિર્ણયો લઈ લઈએ છીએ, જે આપણા ભવિષ્યને બદલી દે છે. અથવા તો એમ કહી શકાય કે આપણે ભૂતકાળમાં કંઈક એવા નિર્ણયો લીધા છે, જેના કારણે આપણું વર્તમાન આટલું સુંદર છે. વધુમાં કહું તો આ દરેક બાબતમાં એક પાસુ ખૂબ જ મહત્વનું છે – આંતરિક સંતોષ.
જાનવી ઉંડવિયા