નમ્રતાએ ઘડિયાળ સામે જોયું, રાતના સાડા નવ વાગી ગયા છે અને હજી સુધી કેશવ ઘરે આવ્યા નથી. રસોડામાં એ એની રાહે ભૂખી બેઠી છે, વિચારતી કે આજે કેશવની સાથે જ જમવું છે. કેશવની રાહ જોતાં જોતાં તેને થયું લાવને મમ્મીને એક પત્ર તો લખું, ઘણા દિવસથી તેની સાથે કોઈ સંપર્ક નથી, બિચારી ખોટી મારી ચિંતા કરતી હશે. કાગળ અને પેન લઈને એને પત્રની શરૂઆત કરી.
વ્હાલી બા,
તું મારી જરાય ચિંતા નાં કરીશ હો, હું તો અહીં ખૂબ સુખી છું. મારા સાસુ તો મને એની દિકરી કરતાં પણ વધુ સાચવે છે અને મારા નણંદ તો મને એની મોટી બેન માને છે, મને એક ઉણી આંચ પણ આવા નથી દેતા, અને કેશવ..
એટલા માં દરવાજે ત્રણ ચાર ઘંટડી વાગે છે અને નમ્રતા બધુ મૂકીને દોડા દોડ દરવાજો ખોલવા જાય છે, દરવાજો ખોલતા જ કેશવ દારૂ પીધેલ હાલતમાં, માંડ માંડ ઊભો રહી શકતો, લથડિયા ખાય છે. નમ્રતા તેને ટેકો આપવા જતાં, કેશવ તેને ધક્કો મારી, સીધી તેને ચાર પાંચ ગાળો ધરી દે છે. નમ્રતાને થયું રાતના ખૂબ મોડે સુધી કામ કરીને થાક્યા હશે અને મે દરવાજો મોડો ખોલ્યો એમા મારા પર ગુસ્સો કરે છે, વાંક મારો જ હોય તો ગુસ્સો કરે જ ને.
નમ્રતા ફટાફટ જમવાની થાળી પીરસે છે, પેલો જ કોળિયો મોઢા માં મુક્તા કેશવ થાળીનો ઘા કરી કહે છે, “આ કાઇ દાળ બનાવી છે, ફિક્કી વાહિયાત સાવ.” દારૂનાં નશામાં ધૂત એ સીધો એના રૂમમાં જઈને બૂટ પહેરેલો પલંગ પર ચાંદરની જેમ ફેલાયને સુઈ ગયો. નમ્રતાએ તેના બૂટ કાઢી તેના પગ વ્યવસ્થિત પલંગ પર ચડાવીને રસોડા તરફ જાય છે. ત્યાં બીજા રૂમમાંથી નણંદનો મેણો આવે છે, “કામની ના કાજની દુશ્મન અનાજની.” સાસુ બહાર આવી બળતામાં ઘી હોમે છે, “મારા કેશવના તો ભાગ ફુટ્યા, સાવ નકામી બાઈ મળી છે, પેલો આખા દિવસનો તૂટતો, બિચારો રાત્રે પણ સુખી રોટલો નથી ભાળતો.” કોણ સમજાવે કે કેશવ સાહેબ તો બાર દારૂની સાથે જમવાનું પણ ઠુંસી ઠુંસીને આવ્યા છે.
નમ્રતાની આંખોમાંથી ટપો ટપ આંસુઓની ધાર વહેવા લાગી અને રસોડામાં જઈને ઢોળાયેલું બધુ સાફ કર્યું અને પાણિયારે આવીને પાણી પીને, જમીન પર ચટાઈ પાથરીને સુઈ ગઈ.
એકબાજુ ટેબલ પર પેલો અધૂરો પત્ર પંખાની હવામાં ઉડીને, નમ્રતાની ખુશીઓની જેમ હવામાં ગાયબ થઈ જાય છે.