પુરુષોત્તમ માસ પૂર્ણતાના આરે છે, અને નવલી નવરાત્રિનું આગમન થઈ રહ્યું છે. આ વર્ષમાં કેવો અદભુત સંયોગ થઇ રહ્યો છે. એક તરફ અધિક માસમાં ‘અધિકસ્ય અધિકમ ફલમ’ નો અવસર મળી રહ્યો છે. અને તે પૂર્ણ થતાની સાથે જ માં જગતજનની આદ્યશક્તિની આરાધનાના દિવસો નું આગમન થઈ રહ્યું છે.
પુરુષોત્તમ માસમાં પૂજા અર્ચના વ્રત-ઉપવાસ દાન તેમજ નામ સ્મરણ અને આત્મચિંતન કરવાથી પાપોનો નાશ થાય છે. આ માસમાં દીપ દાનનું વિશેષ મહત્વ છે. ગમે તેવો ગાઢ અંધકાર હોય ત્યાં માત્ર એકજ દીવો પ્રગટાવવાથી તે અંધકાર દૂર થઈ જાય છે. દીપ એટલે જ્ઞાનરૂપી પ્રકાશ. આ જ્ઞાનરૂપી પ્રકાશથી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનો ગૂઢાર્થ રહેલો છે. આ જ્ઞાન રૂપી દીવો આપણાં હૃદયમાં પોતાના જીવનમાં પ્રજ્વલિત કરવાનો છે. એક સુંદર પંક્તિ યાદ આવી રહી છે- “કોડિયું નાનું ભલે ને હું, સદાયે રહું ઝળહળતું”… આ જ્ઞાન રૂપ દિપક એકવાર પ્રજ્જવલિત થયા પછી તેનું અજવાળું દૂર દૂર સુધી ના અંધકારને દૂર કરે છે. આ જ્ઞાન રૂપી દીપ પ્રગટાવવા માટે સારા પુસ્તકોનું વાંચન, મહાપુરુષો નું જીવન ચરિત્ર અને આપણા ધર્મગ્રંથોનું રસપૂર્વક નું વાંચન આપણા મનોબળ ને આધાર આપે છે. ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવાથી મન એકાગ્ર થાય છે અને પ્રેરણાનો સ્ત્રોત મળી રહે છે.
નવરાત્રી નું આગમન થઈ રહ્યું છે. આપણે સૌ ગરબો પધરાવી શું અને નવ દિવસ સુધી તેમાં નિયમિત રૂપે એક દીવો પ્રગટાવીશું. ઘરે ઘરે પ્રગટતી આ દીપમાલા પણ આપણને આ જ સંદેશ આપે છે.
અધિક માસમાં આપણે પીપળાનું પૂજન કર્યું, તો નવરાત્રિમાં જવારાનું પૂજન કરીશું. આપણા શાસ્ત્રોમાં પર્યાવરણ શુદ્ધિનો જે સંદેશ છે, તેને આપણા ઋષિમુનિઓએ આપણા તહેવારો સાથે ખૂબ જ સુંદર રીતે સાંકળી લીધો છે. પદ્મપુરાણમાં વૃક્ષારોપણ ની પૂજા વિધિ ખુબજ વિસ્તારપૂર્વક આપવામાં આવી છે. તેને વાર તહેવારો અને શુભ પ્રસંગો સાથે સાંકળી લઈને આપણા પૂર્વજોએ પર્યાવરણનું સંતુલન જાળવ્યું છે.
તો ચાલો પુરુષોત્તમ માસમાં મતિ અનુસાર અને શક્તિ અનુસાર પુણ્યનું ભાથુ બાંધયા પછી જગતજનની જોગમાયા ના વધામણા માટે સજ્જ બનીએ. માતાની ભક્તિ માટે સજ્જ બનીએ. અને આ વર્તમાન સમયની મહામારી થી સમગ્ર માનવજાતિ નો ઉદ્ધાર થાય તેવી માને પ્રાર્થના કરીએ. અસ્તુ.