આજકાલ તો મોબાઈલનો જમાનો છે, પ્રેમવાળો સંદેશો, ખબર – અંતર, સુખ – દુખની વાતો બધુ જ એક ફોન કરો ને થઈ જાય છે, વધુ કાઇ જરૂરી લાગે તો વિડિયો કોલ કરી દે. લગ્નનું આમંત્રણ, મરણનો મેલો બધુ હવે તો વૉટસએપથી કરી દેવામાં આવે છે. આ વાર્તા ચાલીસ વર્ષ જૂની છે, જેમાં ટપાલ અને ટપાલીની બોલબાલા હતી.
ડુંગરપુરમાં રહેતી ઉમાની ઉમર અત્યારે ૨૬ વર્ષની છે, તેના લગ્ન ૧૭ વર્ષની ઉમરે થઈ ગયા હતા એટલે જ તે અત્યારે ૨ છોકરી અને ૧ છોકરાની માતા છે. દેખાવે તે ખૂબ જ સુંદર, નમણી, કાળી ભમ્મર આંખો, વાદળની ઘટા જેવા કાળા તેના વાળ, કમળની પાંખડી જેવા તેના મુલાયમ હોઠ બસ એક જ ખામી હતી તેનામાં, ઉમા અભણ હતી. હવે એ સમયમાં તો જો ૭,૮ ધોરણ પણ ભણવા મળી જાય તો પણ ગ્રેજ્યુએશન સમાન ગણાતું પરંતુ ઉમાના એવા નસીબ ન હતા.
એક દિવસ ઉમાને એક સફેદ પરબીડયું ટપાલીએ આપ્યું, ઉમાને થયું આ શું? આટલા વર્ષોમાં આ ટપાલી પહેલીવાર તેના આંગણે ટપાલ આપવા આવ્યો અને એ પણ ટપાલ ઉમા માટે. તેના આશ્ચર્યનો પાર ના રહ્યો. આજના સમય જેવુ ના હતું એક મેસેજ કરી દો કે કામ પૂરું. એ સમયમાં ટપાલીની રાહ પોતાના પતિ કરતાં વધુ જોવામાં આવતી હતી. ઉમા જ્યારે નવી લગ્ન કરીને આવી ત્યારે તેના પતિ જયેશે તેને પરદા પાછળ જ રાખેલી, કોઈ કામથી એને બહાર ના નીકળવા દે, બધુ એ કરી આપે. પાડોશી સાથે પણ વાતો નહીં કરવાની. ઉમાની સુંદરતાથી તે અસુરક્ષિત અનુભવ કરતો હતો એટલે તેના પર શંકા પણ ખૂબ કરતો. છોકરા થયા પછી હવે તો ઉમા, પાડોશી સાથે વાતો કરી શકે છે, અગાસી પર કપડાં સુકવવા જઈ શકે છે.
ઉમાએ સાચવીને એ પરબીડયું ખોલ્યું તો એમા પ્રેમપત્ર હતો. તેમા કોઈ નામ તો નહોતું લખેલુ પણ ઉમા માટે એ વ્યક્તિએ તેની લાગણી વ્યક્ત કરી હતી. ગંગા જેવી પવિત્ર ઉમા આ પત્ર જોઈ હોશ ખોઈ બેઠી અને ગુસ્સે થઈ વિચારવા લાગી આવી કોની હિંમત હશે? તેણે પત્રને ફાડીને ઘા કરી દીધો. એક અઠવાડિયા પછી ટપાલી પાછો આવ્યો અને એક પરબીડયું ઉમાના હાથ પર મૂક્યું. ઉમાના ચહેરા પર ખોટો ગુસ્સો હતો પરંતુ અંદરથી એક અનોખો ઉત્સાહ હતો. તેને મનમાં થયું, “મને પણ કોઈ પ્રેમ કરી શકે છે, મને પણ કોઈક પસંદ કરી શકે છે.” જયેશ તેનાથી દસ વર્ષ મોટો હતો ને એ સમયમાં તો છોકરીને કયા કાઇ મરજી પૂછવામાં આવતી હતી. તે ફટાફટ અગાસી પર ગઈ અને એ અનોખા ઉત્સાહથી પરબીડયું ખોલવા લાગી. આ વખતે ત્રણ પન્નાનો એ પત્ર હતો. ઉમા એક પછી એક પન્નું વાંચવા લાગી.
“મને ખબર છે તમે ગંગાની જેમ પવિત્ર છો, તમે મને ઓળખતા પણ નથી. હું તમારા માટે અજનબી જ રહેવા માંગુ છું. મારો પ્રેમ તમારા માટે કોઈ મુસીબત નહીં લાવે. મારા માટે તમને રોજ અગાસી પર આવતા જોવા, કપડાં સુકવતા જોવા, એ તમારા ભીના વાળ તમારા ચેહરાને હેરાન કરતાં. જ્યારે જ્યારે તમે કપડાં જાટકો છો ત્યારે એ ઝાટકો મને મારા દિલ સુધી લાગે છે. મારો પ્રેમ બસ તમને જોવા, તમારા ખબર – અંતર રાખવા, તમને એ પાડોશી સાથે હસતાં વાતો કરતાં જોવા એજ છે. અને હા, આ મારો પ્રેમ સાચો છે કોઈ આકર્ષણ નથી. તમે મારો પહેલો પત્ર ફાડી નાખેલો ત્યારે જ મને ખ્યાલ આવી ગયેલો કે મારો પ્રેમ એકદમ સાચો છે. જો તમારો જવાબ સામો આવશે તો મને ગમશે, આ પત્ર પણ જો તમે ફાડી નાખશો તો વચન આપું છું, આ મારો છેલ્લો પત્ર હશે અને જો આ પત્ર સાચવશો, કોઈ જવાબ નહીં આપો તો હું તમને લખતો રહીશ અને તમે મારા માટે કેટલા મહત્વના છો અને તમે ખુદ કેટલા મહત્વના છો એ જણાવતો રહીશ.”
ઉમાએ એક જ શ્વાસે પત્ર વાંચી લીધો અને પત્ર ફાડવાની જગ્યાએ સાચવીને પોતાના પટારામાં સાચવીને મૂકી દીધો. એક વર્ષ સુધી તેના આઠ પત્રો આવ્યા. નવા વર્ષે તેનો નવમો અને આ છેલ્લો પત્ર હતો, તેમ લખેલું:
“મારુ અહી ભણવાનું પૂર્ણ થઈ ગયું છે અને દિલ્લીમાં મારે નોકરી લાગી છે, એટલે હવે હું જાવ છું. તમને ક્યારેય હું મારા મનના ચિત્રપટમાંથી કાઢી નહીં શકું. તમે મારી પ્રેરણા છો અને હમેશાં રહેશો. આ મારો છેલ્લો પત્ર એટલે છે કારણ તમારો એ પ્રેમ જ છે. હું નથી ઈચ્છતો કે હવે પ્રેમમાં કોઈ ભૂલ આપણાં બંનેથી થાય અને આ પવિત્ર ઉમા અને તેના પ્રેમ પર કોઈ સવાલ ઉઠાવે. હમેશાં આમ જ ખુશ રહેજો અને મારા આ પત્રને અને પ્રેમને સાચવજો.” છેલ્લી લાઈન વાંચતાં ઉમાના ચેહરા પર આંસુ આવી અટકી ગયું અને તેણે આ પત્રને પણ તેના યાદોના પટારામાં મૂકી દીધો.
આજકાલ જેવો પ્રેમ ના હતો એ, કે કોઈ ગમ્યું, આકર્ષણ થયું અને I Love You કહી દીધું અને નાની વાતમાં Break up કરી લીધું. આ પ્રેમ એ એક અનુભવ છે જેમાં I Love You ના કહેવા છતાં પણ પ્રેમ છે અણે છૂટા પડ્યા છતાં પણ break up નથી. પ્રેમમાં ક્યારેય break હોય જ નહીં.