“શાશ, ચિકનને ગ્રીલ પર ફેરવ અને અહીં આવીને બેસ યાર! તેને પાકતા હજી વાર લાગશે.” મારો મોટો દીકરો, શાર્દુલે બોનફાયરમાં લાકડાને હલાવતી વખતે તેના નાના ભાઈને બૂમ પાડી.
“આવું છું ભાઈ! અમુક તૈયાર થઈ ગઈ છે, હું તેને લાવી રહ્યો છું.” શાશ્વતે જવાબ આપ્યો અને તેમના પપ્પા હસી પડ્યા. “શાર્દુલ, તું કેમ શાશ્વતને શાશ કહે છે?”
શાર્દુલ જવાબ આપે તે પહેલાં શાશ્વતે કહ્યું, “મને ગમે છે પપ્પા. એમ પણ, શાશ્વત કેટલું મોટું નામ છે.”
શિયાળો; જ્યારે ઠંડી હવામાં હોય છે, ત્યારે આરામદાયક ગરમ કપડામાં હૂંફાળું થવાનો આ યોગ્ય સમય છે. અમે સહાની પરિવારે અમારા પાછલા વાડામાં બોનફાયર અને બારબેક્યું સાથે શિયાળાના ઋતુની પાર્ટી કરવાનો નિયમ બનાવ્યો છે. માત્ર અમે ચાર; અમારા પોર્ટેબલ બારબેક્યું ગ્રીલ પર શેકેલા ટિક્કા અને કબાબનો ઝાયકેદાર સ્વાદ માંડી રહ્યા છે, અને સાથે સાથે ચાલુ છે અમારી લાંબી ચર્ચાઓ, ગપસપ અને હસી મજાક.
આ પરંપરા મેં શરૂ કરી હતી અને એ પણ ત્યારે, જ્યારે મારા છોકરાઓ કૂતરા-બિલાડાંની જેમ લડતા હતા. મોટો દીકરો, શાર્દુલ માનતો હતો કે અમને બાળકોને ઉછેરવામાં કોઈ અનુભવ નથી અને તે અમારી ભૂલોનો શિકાર બની ગયો છે. વધુમાં, શાશ્વતનો જન્મ થયો ત્યારે પાંચ વર્ષ પછી શાર્દુલનું વર્ચસ્વ બહાર આવ્યું. એને લાગ્યું કે અમારો સ્નેહ તેની અને પરિવારના નવા સભ્ય વચ્ચે વહેંચાઈ ગયો છે. ઈર્ષ્યાની અગ્નિમાં બળતા, તેણે આ પ્રકારની ટિપ્પણીઓ કરી હતી. જેમ કે,
“મમ્મી, હવે તમે મને પ્રેમ નથી કરતા.”
“તે નાનો છે, એટલે પપ્પા શાશ્વત માટે વધુ આંશિક છે.”
“મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તમે પક્ષપાત કરશો!”
નાનો દીકરો, શાશ્વત પણ કંઈ ઓછો નહોતો. તેની જુદી સમસ્યાઓ હતી.
“મમ્મી, હું તમારો મોટો દીકરો કેમ નથી?”
“પપ્પા, શાર્દુલ ભાઈ નથી, દાદો છે. હું તેને ધિક્કારું છું.”
વિચારીને આશ્ચર્ય થાય છે કે તેઓ કઈ કઈ વિવિધ બાબતો માટે લડતા હતા. ગળાકાપુ રેઝરની જેમ. વાઇ-ફાઇ કનેક્શન માટે, અથવા ગાડીમાં બારી પાસે કોણ બેસશે, અથવા તે મારા બેટને હાથ લગાવવાની હિંમત કેમ કરી? કે પછી, તે પિઝાનો મોટો ટૂકડો લીધો છે….તેમના ઝગડા અનંત હતા!
તમને શું લાગે છે? અમે બંને ભાઈઓને બેસાડીને સમજાવવાનો પ્રયાસ નહીં કર્યો હોય? ખૂબ કર્યો, દરેક લડાઈ પછી. પરંતુ અમારા બધા પ્રયત્નો નિરર્થક હતા, જાણે અમારી વાતો બહેરા કાને પડતી હોય.
ઊંડી નિરાશામાં હું મારા પતિ સામે રડી પડતી. “શ્યામ, મને સમજાતું નથી કે આપણે ક્યાં નિષ્ફળ ગયા છીએ. વ્યક્તિગત રીતે તેઓ કેટલા સ્માર્ટ અને પ્રતિભાશાળી છોકરાઓ છે. તો પછી જ્યારે તેઓ સાથે હોય, ત્યારે કેમ હંમેશા છત પર આગ લાગેલી હોય છે?”
શાંતિથી મારી ઉશ્કેરાયેલી ફરિયાદો સાંભળ્યા પછી, શ્યામ મને હકારાત્મક ખાતરી આપીને શાંત પાડતો, “સુમન, રિલેક્સ. બધા બાળકો નાના હોય ત્યારે લડતા જ હોય. તે પહેલી કહેવત નથી સાંભળી, ભાઈઓ વૃક્ષની ડાળીઓ જેવા હોય છે, તેઓ ભલે જુદી જુદી દિશામાં ફેલાય, પણ સદૈવ મૂળ સાથે જોડાયેલા રહે. ચિંતા નહીં કર જ્યારે તેઓ મોટા થશે ત્યારે બધું સારું થઈ જશે.”
અને…શ્યામની વાત સાચી નીકળી. જ્યારે ભણતરના કારણે શાર્દુલને ત્રણ વર્ષ ઘરથી દૂર રહેવું પડ્યું, ત્યારે બંને ભાઈઓ એકબીજાને ખૂબ મિસ કરતા. તેમનું લાંબા અંતરનું બંધન આશ્ચર્યજનક હતું. તેઓ કલાકો સુધી ફોન પર ચોંટેલા રહેતા. હકીકતમાં, તેઓ એકબીજાના એવા ભેદ જાણતા હતા, જે અમે માતાપિતા તરીકે ક્યારેય પારખી નહોતા શક્યા.
“મમ્મી, જ્યારે પણ આપણે આ બોનફાયર બાર્બેક્યુ રાખીએ છીએ, ત્યારે તમે એકવાર તો પોતાની દુનિયામાં ખોવાઈ જ જાવ છો. આટલું બધું શું વિચાર્યા કરો છો?” શાર્દુલનો મીઠો ઠપકો મને વર્તમાનમાં પાછી લઈ આવ્યો. મેં તેના વાળમાં હાથ ફેરવતા કહ્યું, “બેટા, હું હંમેશા તને કંઈક પૂછવા માંગતી હતી.”
“ચોક્કસ. શું છે બોલો?”
મેં મારી જિજ્ઞાસુતા વ્યક્ત કરતા પહેલા સાવધાની સાથે મારા શબ્દો પસંદ કર્યા. “શાર્દુલ, અલબત્ત હું તમારા બંનેનો સાથ જોઈને ખૂબ જ ખુશ છું અને રાહત અનુભવું છું, પરંતુ મને જાણવું છે કે તું અને શાશ્વત આટલા સારા દોસ્ત કેવી રીતે બની ગયા? જાણે કે એક ગાંઠ હો.” મારી તેજસ્વી આતુર આંખોને નિખાલસ જવાબની અપેક્ષા હતી.
બંને ભાઈઓએ અર્થપૂર્ણ સ્મિતની આપ-લે કરી અને શાર્દુલ અમારી સામે આવીને ઊભો રહ્યો. તેણે નજીકમાંથી એક ખાલી બોટલ ઉપાડી અને તેને માઈકની જેમ ઉપયોગ કરતા બોલવાનું શરૂ કર્યું. મને સાંભળીને આશ્ચર્ય થયું કે તે મારી જૂની કવિતાઓમાંથી અમુક પંક્તિઓનું પઠન કરી રહ્યો હતો.
ખુદને આપવી પડશે અગ્નિ પરીક્ષા,
અગર તું નહીં કરે તારા અહમની રક્ષા.
જો અગ્નિ પાળીશ ઈર્ષા કે ગુસ્સાની,
તો તૈયાર રહેજે ભસ્મ થઈ જવાની.
પરંતુ જો ભીતર હશે આગ જુસ્સા ને ઉત્સાહની,
તો નવી ઉંચાઈઓ તું હાંસલ કરીશ જિંદગીની.
કાનથી કાન સુધી સ્મિત કરતા, શાર્દુલે એનું પઠન સમાપ્ત કર્યું અને નાટકીય રીતે નમ્યો. હું સ્તબ્ધ રહી ગઈ, “શાર્દુલ!?!”
તે આવીને મારી પાસે બેઠો. “મમ્મી, વર્ષો પહેલા, એક દિવસ શાશ્વત સાથે એક મોટા ઝગડા પછી, હું તમારા રૂમમાં કોઈ કામથી આવ્યો હતો. એ વખતે તમારી ડાયરી ખુલ્લી હતી અને મેં એમાં આ કવિતા વાંચી. તે પંક્તિઓ મને ખૂબ પ્રભાવિત કરી ગઈ અને ત્યારબાદ મેં નક્કી કર્યું, કે હું એક એવો ભાઈ બનીશ જેને શાશ્વત માનથી જુએ.”
શાશ્વતે તેના ભાઈની બાજુમાં ઘૂંટણ ટેકવીને તેના ખભા પર હાથ મૂક્યો. “અને જ્યારે ભાઈ વિદેશ ગયો, ત્યારે મને સમજાયું કે અમારી વચ્ચે કોઈ પ્રકારની હરીફાઇ હતી જ નહીં. તો મમ્મી, હવે જ્યારે પણ હું કોઈ બાબતમાં અટવાઈ જાઉં છું, તો સૌથી પહેલા મને ભાઈ યાદ આવે છે. તે મારો બેસ્ટ ફ્રેન્ડ છે!”
મારા દીકરાઓ વચ્ચે તાલમેલ જોઈને મારું હૈયું હરખાય ગયું અને મારા મનને શાંતિ થઈ.
આપણા બધાની અંદર એક આગ હોય છે. ખાતરી કરજો કે તે યોગ્ય કારણોસર સળગતી હોય.
શમીમ મર્ચન્ટ
__________________________
લેખિકાની નજરે
નમસ્કાર મિત્રો,
આગ: એક જંગલી શોધ. તેને કાબૂમાં રાખવું આપણા હાથમાં છે. જો ધ્યેયવિહીન છોડી દેવામાં આવે તો મોટા પ્રમાણમાં વિનાશ લાવી શકે. પરંતુ જો દિશા આપવામાં આવે, તો તે અજાયબીઓનું કામ કરી શકે; બહારની આગ હોય કે તમારી અંદર સળગતી આગ!!
________________________